________________
મન ક્યારેય ખોટું લાગ્યું ખરું ?
ધજાની ફરકવાની દિશા અંગે આગાહી કરવાનું આપણે એટલા માટે ટાળીએ છીએ કે આપણને સ્પષ્ટ ખ્યાલ છે કે ધજાને કઈ દિશામાં ફરકવું એનો નિર્ણય પવને પોતાને હસ્તક રાખ્યો છે. મન કઈ પળે કઈ વ્યક્તિ માટે કેવો અભિપ્રાય આપી બેસશે કે કયા સંયોગ માટે કેવો અભિગમ અપનાવી બેસશે એની ચોક્કસ આગાહી કરવી સાચે જ મુશ્કેલ છે. કારણ કે એની ચંચળતાનો આપણને પૂરેપૂરો અનુભવ છે. અનેક વખતનો અનુભવ છે. આમ છતાં જવાબ આપો. આપણા ખુદના જીવન માટે આપણાં જ મન તરફથી જે-જે સલાહસૂચનો મળે છે એના પર આપણને આજ સુધીમાં ક્યારેય શંકા જાગી છે ખરી? ચંચળ મન તરફથી મળતાં સલાહ-સૂચનો ગલત પણ હોઈ શકે છે એવું આપણને ક્યારેય લાગ્યું છે ખરું? પ્રભુવચનો પર શંકા અને મનનાં સલાહ-સૂચનો પર શ્રદ્ધા?