________________
જીવવિચાર પ્રકરણ
૧ ૨૯
અનંત મરણોમાંથી બચવું હોય, તો ધર્મ જ ઉપાય છે. ધર્મ કરનારો જીવ બને તેટલો વેળાસર મરણોની પરંપરાથી છુટો થાય છે અને અમર બને છે. અજ-જન્મ રહિત બને છે. અમર-મરણ વગરનો થાય છે. મુક્ત-છુટો થાય છે.
આ જગતમાં ધર્મની મુખ્ય જરૂર એટલા માટે જ છે. જગતમાં મરણ ન હોત, તો ધર્મની જરૂર કદાચ ન રહેત. જીવને જગતમાં સુખનાં અનેક સાધનો છે. તેમજ દુઃખમાંથી છોડાવનાર પણ અનેક સાધનો મળી શકે. પરંતુ અનંત મરણોથી છોડાવનાર ધર્મ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. ધર્મ જ એક એવી વસ્તુ છે કે તે અનંત મરણોની પરંપરાથી છોડાવીને જીવને અમર બનાવે છે. ધર્મની બીજા કોઈપણ કારણે કદાચ જરૂર ન હોય, તો પણ અમર થવા તો ધર્મ વિના ચાલશે જ નહીં. ધર્મ અને ધર્મના સાધનોની જરૂરિયાત દુનિયાદારીના કોઈપણ સંજોગો માટે ન નક્કી થતી હોય, તો પણ આ આત્માના અનાદિ અનંતકાળના માજીવનની દષ્ટિએ અનંત મરણમાંથી છુટવા ધર્મની અનિવાર્ય જરૂર છે. માટે દરેકે દરેક ક્ષણ, દરરોજ, દરેક મહિને, અને એકંદર આખી જિંદગી જેટલો વખત મળે, તેટલો વખત, અને જેટલી શક્તિ હોય, તેટલી શક્તિનો ઉપયોગ કરીને અવશ્ય ધર્મ કરવો જોઈએ. એ આ ઉપદેશનો સાર છે, જગતના દરેક માણસે સમજી રાખવું જોઈએ કે જન્મ-મરણની પરંપરામાંથી છોડાવનાર જૈન ધર્મ જેવી શક્તિ બીજા કોઈ ધર્મમાં નથી. કેમકે તેઓની પાસે તેને લાયકનાં સાધનો નથી.૪૪.
(શિક્ષકોએ ગાથામાં આપવામાં આવેલી ધર્મની જરૂરિયાત માટે ઉપર જે સમજાવવામાં આવેલું છે, તે બરાબર ઠસાવવું.)