________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
‘રામ, આ તો ભગવંત ઋષભદેવથી ચાલી આવતી ઈક્ષ્વાકુવંશના રાજાઓની રીતિ જ છે! વાસ્તવમાં જોવા જઈએ તો પૂર્વના રાજર્ષિઓ કરતાં હું તો મોડો છું! શ્રી રામ કંઈ જ ન બોલી શકયા. પિતાનો સ્નેહ પિતાને નિવૃત્તિમાર્ગે જવાની અનુમતિ આપવા દેતો ન હતો. જ્યારે આત્મપ્રેમ પિતાને નિવૃત્તમાર્ગે જતાં રોકી શકતો ન હતો. દશરથે લક્ષ્મણ સામે જોયું.
628
લક્ષ્મણની આંખોમાં આજદિન સુધી ક્યારેય આંસુ આવ્યાં ન હતાં. આજે લક્ષ્મણનું વજ્ર હૃદય પીગળી રહ્યું હતું. શ્રી રામની આંખોમાં આંસુ જોઈ લક્ષ્મણની આંખો સજળ બની ગઈ હતી. ભરત લક્ષ્મણની બાજુમાં અને દશરથના પગ આગળ માથું જમીન પર ઢાળીને બેસી ગયો હતો. તેના મુખ પર ઉદાસીનતા, ગંભીરતા, ગહનતા છવાઈ હતી. શત્રુઘ્ન મૌન ધારણ કરી શૂન્યમનસ્ક જેવો દશરથની પાછળ ઊભો રહી ગયો હતો.
દશરથે કૌશલ્યા સામે જોયું.
‘દેવી તમારે કંઈ કહેવું છે?'
‘નાથ, મોહ તો હંમેશાં આત્માના શ્રેયમાર્ગમાં આડો આવીને ઊભો જ રહે છે...મોહની ગતિ ન્યારી છે, પરંતુ અમે આપના આત્મકલ્યાણના માર્ગમાં આડે આવવા માગતાં નથી. આપનો શ્રેયમાર્ગ નિર્વિઘ્ન બનો,’
‘દેવી, ઈક્ષ્વાકુકુળને શોભે એ રીતના તમારા શબ્દો છે. મન પ્રસન્ન થાય છે.' ખંડમાં પુનઃ શાન્તિ સ્થપાઈ ગઈ...કોઈ કાંઈ બોલતું ન હતું...ત્યાં ભરતે ભૂમિ પરથી પોતાનું માથું ઊંચું કર્યું...દશરથ સામે જોયું... તે બોલ્યો :
'પિતાજી, મારી એક પ્રાર્થના છે.’
સહુની દૃષ્ટિ ભરત પર ચોટી ગઈ. ઉત્સુકતાથી અને કંઈ સંશયથી.
‘કહે ભરત!' દશરથ ભરત તરફ કંઈક નીચા વળ્યા અને ભરતનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યા.
‘પિતાજી, હું પણ આપની સાથે જ નિવૃત્તિમાર્ગ લેવા ચાહું છું અને લઈશ. આપના વિના...'
For Private And Personal Use Only
ભરતની આંખોમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. તેનો કંઠ ભરાઈ આવ્યો... બે પગ વચ્ચે મુખ છુપાવી તે રડી પડ્યો.
‘ભરત, તું વિવેકી છે. પ્રાજ્ઞ છે, તારે તો સ્વસ્થતા જાળવવી જોઈએ...' ‘પિતાજી, હું સ્વસ્થ છું. હું આપની સાથે ચાલીશ, મારા પર કૃપા કરો.'