________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૧૮૮
છતાં કદી પણ અંજનાના મોઢે પવનંજય માટે કોઈ અયોગ્ય વાત સાંભળી નથી. પવનંજયની ગેરહાજરીમાં અંજના પોતાના શીલનાં કેવાં ઉચ્ચ જતન કરે છે, તે વાત પણ આખું નગર જાણે છે, એવું એક સ્ત્રી-રત્ન આજે કલંકિત બની રહ્યું છે, એ વિચારે મહામંત્રી ક્ષણભર સ્તબ્ધ બની ગયા.
વળી તેમણે વિચાર્યું : ‘શું મનુષ્યના જીવનમાં ભૂલ થઈ જવી સંભવિત નથી? સાગર તરીને આવતો મનુષ્ય કિનારે ડૂબી નથી જતો? એમ ભલે બાવીસ વર્ષ સુધી અંજનાએ પોતાના શીલને સાચવ્યું, પરંતુ શું આજે તે ભૂલ ન કરી બેસે? અને પોતાની ભૂલને છુપાવવા માટે જૂઠ પણ ન બોલે?’
‘મહારાજા, આ માટે અત્યારે ને અત્યારે કોઈ નિર્ણય કરવા જતાં આપણે કોઈને અન્યાય કરી નાખીશું, માટે મને આજનો દિવસ અને આજની રાત તક આપો. હું આ અંગે જરૂરી તપાસ કરીને આવતી કાલે પ્રભાતે મળીશ.' મહામંત્રીએ પ્રહ્લાદને કહ્યું.
‘પણ કેતુમતીએ તો અંજનાને નગરમાંથી તાબડતોબ ચાલ્યા જવા માટે કહી દીધું છે.’
‘ક્ષમા કરજો મહારાજા, પરંતુ મહાદેવીએ આવી ઉતાવળ ન કરવી જોઈએ.’ ‘પણ હવે શું કરવું?'
‘આપ મહાદેવીને આજનો દિવસ રાહ જોવા માટે સમજાવો. કાલે સવારે તો આપણે યોગ્ય નિર્ણય લેવાનો જ છે.'
‘પણ ન સમજે તો?’ રાજા કેતુમતીના જિદ્દી સ્વભાવને ઓળખતો હતો.
‘તો પ્રજામાં અસંતોષ ફાટી નીકળશે. કારણ કે પ્રજામાં અંજના માટે માન છે. લોકો અંજનાને સતી માને છે અને એકાએક જો એને કાઢી મૂકવામાં આવશે તો પરિસ્થિતિ બગડી જશે.'
‘સાચી વાત છે. કારણ કે પ્રજાને ક્યાં ખબર છે કે પવનંજયની ગેરહાજરીમાં અંજના ગર્ભવતી થઇ છે?' રાજાને મહામંત્રીની વાત ઠીક લાગી.
‘કોઈ પણ રીતે કેહુમતીને સમજાવી, કાલ સુધી રાહ જોવા મનાવવાનું નક્કી કરી, મહામંત્રી મહારાજાની અનુજ્ઞા લઈ, પોતાના નિવાસસ્થાને આવ્યા.
પોતાના ગુપ્ત મંત્રણાલયમાં જઈને તરત જ પોતાના વિશ્વાસપાત્ર ગુપ્તચર જયનાદને બોલાવ્યો. જયનાદ મહામંત્રીનો વફાદાર, ચતુર અને બાહોશ ગુપ્તચર હતો. અનેક વિકટ પ્રસંગોમાં એણે પોતાની ચતુરાઈ અને બાહોશી દર્શાવી, મહામંત્રીનું ચિત્ત આવર્જી લીધું હતું.
For Private And Personal Use Only