________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય અને અંજના
૧૬૯
પરિચારિકા વિનયપૂર્વક દાખલ થઈ અને કુમારને હાથ જોડીને વિનંતી કરી. ‘યુવરાજકુમાર! માતાજી આપની રાહ જુએ છે. આપની સાથે દુગ્ધપાન કરવાનું કહે છે.'
‘આ તરત જ આવ્યો...' કહેતો પવનંજય ઊઠ્યો. પરિચારિકા નમન કરીને પાછા પગે શયનગૃહની બહાર નીકળી ગઈ.
પ્રતિને સાથે જ લઈ પવનંજય માતાજીની પાસે પહોંચ્યો.
માતા કેતુમતીનો આનંદ સમાતો નથી. પ્રાણ કરતાં ય વધુ પ્રિય પુત્રના લગ્નનો મહોત્સવ જ્યારે મંડાયો હોય ત્યારે કેતુમતીના આનંદનું પૂછવું જ શું!
‘પુત્ર અને પુત્રના મિત્રનું મધુર શબ્દોથી સ્વાગત કરી, કેતુમતીએ બંનેને પોતાની સાથે બેસાડી, દુગ્ધપાન કર્યું; અને પુત્રને હવે ક્યાંય દૂર ન જવાની શિખામણ આપી; બંનેને વિદાય કર્યા.
બંને રાજાઓએ માનસરોવરના તટ પર જાણે નવી સૃષ્ટિનું સર્જન કરી લીધું. ઠેરઠેર ધજાઓ, તોરણો, કમાનોથી નગરને શણગારી દીધું. મધુર વાજિંત્રોના સૂરો સતત ગુંજવા લાગ્યા.
અંજના પણ પોતાનાં ભાવિજીવનનાં મધુર સ્વપ્નોને જોતી, હર્ષના સાગરમાં ઝૂલવા લાગી. સખીઓના ચતુર અને મનોહર વાર્તા-વિનોદથી અંજના સદાય હસમુખી બની ગઈ! અંજનાએ ભલે પવનંજયને નજરોનજર નથી જોયો, પરંતુ પવનંજયનું ચિત્ર જોયું છે. પોતાને એક દિવ્ય રૂપવાળો અને અદ્ભુત ગુણવાળો પતિ મળે છે, એ વિચારથી એ પોતાની જાતને મહાન ભાગ્યશાળી માનવા લાગી, એટલું જ શા માટે? સૌ કોઈ એને ભાગ્યશાળી માનવા લાગ્યું.
લગ્નનો દિવસ આવી લાગ્યો. શુભ મુહૂર્તે બંનેનું પાણિગ્રહણ થયું. બંને
લગ્નગ્રંથિથી જોડાયાં.
અંજનાએ અંતઃકરણથી પવનંજયનો પતિ તરીકે સ્વીકાર કર્યો, પરંતુ પવનંજયે તો માત્ર બાહ્ય વ્યવહારથી જ અંજનાનો પત્ની તરીકે સ્વીકાર કર્યો, એના હૃદયમાંથી તો અંજનાને ક્યારનોય દેશવટો મળી ચુક્યો હતો.
રાજા મહેન્દ્રે ખૂબ સ્નેહભાવથી પ્રહ્લાદરાજનું સ્વાગત કર્યું. પુત્રી અંજનાને ખૂબ મમતાથી અપૂર્વ પહેરામણી કરી, રાણી હૃદયસુંદરીની આંખમાંથી તો આંસુની ધારા વહી રહી. એકની એક વહાલી પુત્રીનો વિયોગ સહન કરવાનું ગજું એનામાં ક્યાંથી હોય! આંસુ વહેતી આંખે, પુત્રીના મસ્તક આલિંગન કરી માતાએ કહ્યું :
For Private And Personal Use Only