________________
न विश्वास्यो प्रमादरिपुः।
- અધ્યાત્મસાર
પાણી ઢાળનો વિશ્વાસ કરશે? પેટ્રોલ આગનો વિશ્વાસ કરશે? દેડકો સર્પનો વિશ્વાસ કરશે? સંગ્રહણીનો દર્દી દૂધનો વિશ્વાસ કરશે? કરોડપતિ શ્રીમંત એક નંબરના ગુંડાનો વિશ્વાસ કરશે? હરગિજ નહીં. કારણ ? પાણી ઢાળને પામીને નીચે ઊતરી જશે. પેટ્રોલ આગને પામીને પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસશે. દેડકો સાપને પામીને જીવનને હાથથી ગુમાવી બેસશે. સંગ્રહણીનો દર્દી દૂધના શરણે જઈને પોતાનું સ્વાથ્ય વધુ બગાડી બેસશે. કરોડપતિ શ્રીમંત ગુંડાના સકંજામાં આવીને પોતાની સંપત્તિ ગુમાવી બેસશે. મુનિ ! સદ્ગુણોનો ચાહક તું, સમાધિનો ઇચ્છુક તું, સદ્ગતિનો પ્રેમી તું, પરમગતિનો આશક તું, સંયમજીવનનો ધારક તું પ્રમાદરૂપી શત્રુનો જો વિશ્વાસ કરે છે તો અમે તને કહીએ છીએ કે તું આત્મઘાતના રસ્તે કદમ માંડી ચૂક્યો છે. તારા સદ્ગુણોની સ્મશાનયાત્રા નીકળી જ ચૂકી છે. સદ્ગતિગમનની તારી શક્યતા પર સામે ચડીને
ચોકડી મુકી દેવા તે હાથ ઉઠાવી જ લીધા છે. પરમગતિની પ્રાપ્તિના તારા સ્વપ્નને ચકનાચુર કરી દેવા દેઢ નિશ્ચય કરી લીધો છે. જે પ્રમાદે ચૌદ પૂર્વીઓને પણ નિગોદમાં ધકેલી દીધા છે, લબ્ધિધરોને માટે પણ નરકગતિના દરવાજા ખોલી દીધા છે, પ્રભાવક પ્રવચનકારોને અને મહાજ્ઞાનીઓને પણ, ઘોર તપસ્વીઓને અને લાખો શ્લોકોના સર્જકોને પણ દુર્ગતિમાં ધકેલી દીધા છે એ પ્રમાદને તું જો મામૂલી માની બેઠો હોય કે તુચ્છ માની બેઠો હોય તો નિશ્ચિત સમજી રાખજે કે તારા સંયમજીવનને તું હારી જ ચૂક્યો છે. અને એક વાતનો તો તું જવાબ આપ. ચૌદ પૂર્વધરોના જ્ઞાનની સામે તારી પાસે જ્ઞાનનો વૈભવ કેટલો છે? લબ્ધિધરોની લબ્ધિઓની સામે તારી પાસે લબ્ધિના નામે છે શું? ઘોર તપસ્વીઓની સામે તારી પાસે તપ કેટલો છે ? ધુરંધર પ્રવચનકારોની પ્રચંડ પ્રવચનશક્તિ સામે તારી પાસે રહેલ પ્રવચનશક્તિ કેવી છે? વિશુદ્ધ સંયમીઓની જાગૃતિ સામે તારી પાસે જાગૃતિ છે કેવી? એક જ વાક્યમાં અમે તને એનો જવાબ આપી દઈએ તો સંયમક્ષેત્રે એ સહુનાં નામો જો કરોડપતિમાં ગોઠવી શકાય તો તારું નામ તો ભિખારીમાં જ આવી શકે. પ્રમાદરૂપી શત્રુએ એ કરોડપતિઓને પણ જો ચીંથરેહાલ બનાવીને પરલોકમાં રવાના કરી દીધા તો એ પ્રમાદશત્રુ તારા જેવા ભિખારીની તો કેવી રેવડી દાણાદાણ કરી નાખશે એની તું પોતે જ કલ્પના કરી જોજે. એટલું જ કહીએ છીએ તને. હારની બાજીને જીતમાં પલટાવી નાખવી હજીય તારા હાથમાં છે. પ્રમાદશત્રુને જીવનમાંથી દેશવટો આપી દે.
૬૮