________________
@
@
@
૩૫ #
@
@
न हि हेतुविनाशं विना फलविनाशः।
- શ્રાવકધર્મવિધિ પ્રકરણ
દહીં ખાતા રહેવું છે અને છાતીને કફમુક્ત રાખવામાં સફળતા મેળવવી છે? સંભવ જ નથી. તેજ ગતિથી દોડતા રહેવું છે અને હાંફ ચડે જ નહીં એ સ્થિતિ અનુભવતા રહેવું છે? સંભવિત જ નથી. બારી-બારણાં બધા જ ખુલ્લાં રાખવા છે અને ધૂળને ઘરમાં પ્રવેશતા અટકાવવામાં સફળ બનવું છે? શક્ય જ નથી. પુષ્પ હાજર છે અને સુવાસની અનુભૂતિથી વંચિત રહેવું પડશે? નહીં જ બને. હાથમાં લાખ રૂપિયા છે અને વેપારી પાસેથી માલ ખરીદવામાં ફાવટ નહીં આવે ? નહીં જ બને. આનો અર્થ ? આ જ કે જ્યાં સુધી કારણ હાજર રહેશે ત્યાં સુધી કાર્ય બનતું જ રહેશે. ગલત કારણ હાજર હશે તો ગલત કાર્ય બનતું રહેશે અને સમ્યફ કારણ હાજર હશે તો સમ્યફ કાર્ય બનતું રહેશે. મુનિ ! તું સર્વકર્મ ક્ષયના કાર્યને અનુભવવા માગે છે ને? તને ખ્યાલ છે ખરો કે કર્મબંધના કારણભૂત કષાયથી દૂર થયા વિના તું સર્વકર્મક્ષયના એ કાર્યને અનુભવનો વિષય બનાવવામાં સફળ નથી જ બનવાનો!
ધર્મારાધનાના ફળની બાબતમાં તારું મન શંકાશીલ રહ્યા કરે છે ને? જો તારા જીવનમાં ધર્મારાધના ચાલુ છે જ તો એનું ફળ તને મળીને રહેવાનું જ છે. ટૂંકમાં, ગલત કાર્યથી જાતને બચાવી લેવાનો, ગલત ફળથી તારી જાતને દૂર રાખવાનો એક જ વિકલ્પ છે. તું ગલત કારણથી દૂર થઈ જા. સારા કાર્યને અનુભવનો વિષય બનાવવાનો એક જ વિકલ્પ છે. તું સમ્ય કારણોનું સેવન કરતો જા. પણ સબૂર ! તારી પાસે કર્મબંધનાં અને કર્મક્ષયનાં કારણોની સમ્યફ જાણકારી છે ખરી ? વ્યવહારનય અને નિશ્ચયનય, દ્રવ્ય સમ્યકત્વ અને ભાવસમ્યકત્વ, આચરણ અને અંતઃકરણ, દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા આ તમામના વાસ્તવિક સ્વરૂપની તારી પાસે જાણકારી છે ખરી ? જો ના, તો તારા લાખ પ્રયાસો પછી થતું તારા આત્માને કર્મબંધનો શિકાર બનતા અટકાવી શકવાનો નથી. વાંચી તો છે ને તેં આ પંક્તિ? ‘પર પરિણતિ અપની કર જાને, વરતે આરત ધ્યાને રે; બંધ-મોક્ષ કારણ ન પહચાને તે પહેલે ગુણઠાણે રે’ શું કહીએ અમે તને? આખું ય પ્રભુનું શાસન એ “કારણ’ જ છે! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. માર્ગનો અર્થ? જે મંજિલે પહોંચાડવામાં સહાયક બને એ માર્ગ! તું મુક્તિની મંજિલે પહોંચવા માગે છે ને? મોક્ષમાર્ગ પર કદમ રાખતો જા. ફાવી જઈશ.
ઉ0
૬૯