________________
33
आलापैः दुर्जनस्य न द्वेष्यम् ।
પવનનો સહારો લઈને
પોતાના તરફ આવી રહેલ ધૂળને જોઈને સૂર્ય એના તરફ દ્વેષ કરશે ? અસંભવ !
પવનની પીઠ પર સવાર થઈને
ભલેને ગટરની દુર્ગંધ ફૂલ પર હુમલો કરે છે.
ફૂલ લેશ સ્વસ્થતા ગુમાવ્યા વિના
પોતાની સુવાસ પ્રસરાવવાની યોગ્યતા જાળવી જ રાખે છે.
મુનિ ! આ તો સંસાર છે.
અહીં સંત-શેતાન, સજ્જન-દુર્જન, પુણ્યવાન-પાપી બધા જ છે.
કોકને સામી વ્યક્તિમાં રહેલ સદ્ગુણો જ
દેખાતા હોય છે તો કોકને સામી વ્યક્તિમાં છુપાઈને
રહેલા દુર્ગુણો જ શોધતા રહેવામાં રસ હોય છે.
કોક સારું જોવા માટે અંધ હોય છે તો કોક ખરાબ સાંભળવા માટે બધિર હોય છે.
કોકને સદ્ગુણની સુવાસની એલર્જી હોય છે તો કોકને દુર્ગુણની દુર્ગંધ વિના ચેન પડતું નથી હોતું. આવી વિચિત્ર અને વિપરીત સ્વભાવ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે રહેતા તારે ક્યારેક
દુર્જનોનાં વચનો સાંભળવાના આવે પણ ખરા, દુર્જનોની ટીકાના શિકાર તારે ક્યારેક બનવું પણ પડે. અમે તને એટલું જ કહીએ છીએ કે એવા પ્રસંગે ય તું એ દુર્જનો પર દ્વેષ ન કરી બેસતો.
– અધ્યાત્મસાર
૫
તારા મનને એ દુર્જનો પ્રત્યેના દુર્ભાવથી ગ્રસિત ન બનાવી બેસતો.
એક વાતનો તને ખ્યાલ છે ખરો કે
ઘરને આગ લાગી હોય છે ત્યારે એ આગને
ઠારવા દુશ્મન માણસ પણ જો પાણી લઈને
આવે છે તો ડાહ્યો માણસ એ દુશ્મનને પણ આવકારતો હોય છે. કારણ ? એને પોતાનું ઘર બચાવવું હોય છે.
એને પોતાનું ઘર ગમતું હોય છે. અમે તને આ જ વાત કરીએ છીએ. તારો આત્મા તને ખૂબ ગમે છે ને ?
શરીર કરતા ય વધુ ગમે છે ને ?
મન કરતા ય વધુ ગમે છે ને ?
તું એને દુર્ગતિમાં ધકેલવા નથી માગતો ને ?
તું એને દુઃખોનો શિકાર બનાવવા નથી માગતો ને
તું એનું સંસાર પરિભ્રમણ અકબંધ રાખવા નથી માગતો ને ?
તો એક જ કામ કર. તેં જે સંયમજીવન અંગીકાર કર્યું છે
એ જીવનમાં જે પણ તકલીફો આવે,
અગવડો આવે, અપમાનો વેઠવાં પડે
એ તમામનો તું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરતો જા.
એ અપમાનો જેમના પણ તરફથી થતાં હોય
એ તમામ પ્રત્યેના સદ્ભાવને અકબંધ રાખતો જા. આખરે તું તો મુનિ છે ને ?
જીવમાત્રનો કેવળ રક્ષક જ નહીં, ચાહક પણ !
જીવમાત્રનો તું ઉપકારી જ નહીં, સહકારી પણ !
એક માતા બનેલ સ્ત્રી પોતાના બાળકના તમામ અપરાધોને ભૂલી જઈને
પણ જો એના પ્રત્યેના સ્નેહભાવને ટકાવી રાખે છે
તો જગતના જીવમાત્રની માતા બનવાની જવાબદારી સ્વીકારી બેઠેલો તું અને અષ્ટપ્રવચન માતાના ખોળામાં ઉછરી રહેલો તું
કોઈ પણ જીવના, ગમે તેવા કટુ વ્યવહાર પછી ય
એના પ્રત્યેના સદ્ભાવને અકબંધ રાખી બેસતો હોય
તો એમાં તું કાંઈ ‘નવું’ નથી કરતો કારણ કે મુનિનો એ જ સ્વભાવ હોય છે !
99