________________
બાર પ્રકારની હિંસાઓ
૮૫
નથી, પણ લોકોની ખરીદશક્તિના પ્રમાણમાં વધુ છે. પરિણામે ભાવમા ઘટાડો થાય અને નફો ઓછો થાય. અમેરિકામાં ઘઉંના ભાવ ટકાવી રાખવા માટે ઘઉંનું વાવેતર કરે તો ખેડૂતને જેટલી આવક થાય તેના કરતાં વધુ વળતર રાજ્ય તરફથી ઘઉંનું વાવેતર ન કરવા માટે આપવામા આવે છે. નફો જાળવવા માટે કૃત્રિમ અછત પેદા કરી ભાવ ઊંચા રાખવાનો આ નુસખો છે. વીસમી સદીના ચોથા દશકામાં બ્રાઝિલે આ માટે લાખો કોથળા કૉફી સમુદ્રમાં ફેંકી દીધી હતી અને બ્રિટને લાખો ટન સફરજનને દરિયાના પેટાળમાં પધરાવી દીધાં હતાં. માનવીની જરૂરિયાત કરતાં નફાને વધુ પ્રાધાન્ય આપતા સમાજ માટે આ એક સાધારણ પ્રક્રિયા છે.
અમેરિકામાં મૂગાં પ્રાણીઓના હક્કનું રક્ષણ કરતી સંસ્થાઓ આ ક્રૂરતા સામે વિરોધ કરી રહી છે. પણ આ વિરોધ ગાયની કતલ વિરુદ્ધ નથી, આ વિરોધ નફાની જાળવણી માટે દૂધના ઉત્પાદન-ઘટાડા સામે નથી, પણ ગાયોને દેવાનારા ડામ વિરુદ્ધ છે. નફાને આરાધ્યદેવ ગણતા સમાજમાં કતલ એ પાપ નથી.
અમેરિકામાં પણ બેરોજગારી છે, ઝૂંપડપટ્ટીઓ છે, ગરીબો છે, દૂધ માટે ટળવળતાં બાળકો છે. બેકારી ભથ્થામાંથી દૂધ, માખણ, ચીઝ અને પનીર ખરીદી શકાતું નથી, ત્યારે દૂધ-ઉત્પાદનમાં ૭ ટકાનો કાપ મૂકવા ૧૦ લાખ ગાયોને કતલ કરવા પાછળ કયો તર્ક કામ કરતો હશે ?
મુક્ત બજા૨ના ધ્વજધારી દેશમાં મુક્ત હરીફાઈને મર્યાદિત પ્રમાણમાં જ સ્થાન છે. એ હરીફાઈ ભાવઘટાડામાં પરિણમતી હોય તો રાજ્યની દરમિયાનગીરી કરાવીને ઉત્પાદનમાં ઘટાડો કરાવી કૃત્રિમ અછત પેદા કરી નફાનું પ્રમાણ જાળવી રાખવાની પે૨વીઓ થાય છે. તેમને મન મુક્ત બજારનો અર્થ નફો જાળવી રાખવા અને વધારવાની સગવડ આપતી વ્યવસ્થા પૂરતો જ મર્યાદિત છે. તેમાં વિઘ્ન પેદા થાય તો તે ટાળવા રાજ્યના હસ્તક્ષેપને આવકાર્ય ગણે છે. જે હસ્તક્ષેપથી તેમના નફાને હાનિ પહોંચે તેને વાંધાપાત્ર ગણવામાં આવે છે.
આ તર્કને સમજવા અમેરિકાની સામાજિક પદ્ધતિ વિશે વિચાર કરવો જોઈએ. ત્યાં ઉત્પાદન માનવીની જરૂરિયાત સંતોષવા માટે કરવામાં આવતું નથી, પણ નફો અને વધુ નફો રળવા માટે કરવામાં આવે છે. ત્યાં ઉત્પાદન બજારમાં નફાકારક ભાવે વેચવા માટે થાય છે. આથી જ થોડાક શ્રીમંતોના શોખ પૂરા કરવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ પેદા કરવામાં આવે છે પણ ગરીબ જરૂરતમંદો માટેની વસ્તુના ઉત્પાદનમાં તેમને રસ નથી, કારણ કે ગરીબોની ખરીદશક્તિ ઘણી ઓછી હોય છે.