________________
બાર પ્રકારની હિંસાઓ
હૉસ્પિટલમાં દર્દીના શરીરમાંથી તેને ખબર ન પડે તે રીતે તેની કિડની કાઢી લેવામાં આવી અથવા તો કોઈ મજૂરને તેના શરીરની તપાસ કરાવવાના બહાને કોઈ હરામખોર માણસે તેના શરીરની અંદરથી કોઈ ડૉકટર સાથે મળી જઈને કિડની કઢાવી નાખી અને તે કિડની કોઈ પૈસાદાર આરબને હજારો રૂપિયામાં વેચી નાંખી. આજે માણસનાં અંગોનો રીતસર વેપાર થાય છે. પૈસાદાર લોકો ગરીબના શરીરને રીતસર ખરીદે છે. ગરીબી જાણે કે ગુનો છે, વાંક છે. વિજ્ઞાનની જે સફળતા માનવજાત માટે આશીર્વાદરૂપ હતી તે આજે અભિશાપરૂપ બની ગઈ છે.
માનવીનાં અંગોનો આવો વેપાર ન થાય અથવા કોઈ પણ માણસની મરજી વિરુદ્ધ તેના શરીરનું કોઈ પણ અંગ કાઢી ન શકાય તે માટે કડક અને સજારૂપ કાયદા હોવા જોઈએ. આવા કાયદા કરવાની આજે જોરદાર માગણી થઈ રહી છે. ઉપરાંત માનવીના મૃત્યુની વ્યાખ્યા બદલવાની પણ માગણી થઈ રહી છે. માનવીનું મૃત્યુ કુદરતી રીતે જ થયું છે કે અકુદરતી રીતે થયું છે તે સંપૂર્ણ ચોકસાઈ સાથે નક્કી કરવું જોઈએ તેવી દુનિયાભરના જાગૃત નાગરિકોએ માગણી કરી છે. આ બાબતમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ તથા અમેરિકામાં ઘણા કાયદા બન્યા છે. હવે તો ભારતમાં પણ આ બાબતમાં કડક કાયદા બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મુકાઈ રહ્યો છે. આવા કાયદાની જરૂરિયાત ઉપર એટલા માટે ભાર મુકાઈ રહ્યો છે કે આજકાલ એક માનવીના અંગોને બીજા માનવીના શરીરમાં રોપવાનું કામ બહુ સામાન્ય થઈ પડ્યું છે અને તે દ્વારા ગરીબ લોકોને ભારે શોષણ થઈ રહ્યું છે. આવા શારીરિક શોષણને કારણે સંબંધિત વ્યક્તિ ઘણી વાર મૃત્યુ પણ પામે છે. આવો વેપાર માનવજાતનું નિકંદન કાઢી નાખશે.
દુનિયાના ઘણા દેશોની હોસ્પિટલોમાં આજે માનવીનાં અંગોનો રીતસર વેપાર થાય છે. આવો વેપાર કરતી ટોળકીઓ હોસ્પિટલના ડૉક્ટરો સાથે અંદરખાને મળી ગઈ હોય છે. જેમ લોહી આપવાનો અને લેવાનો વેપાર છડેચોક થાય છે તેમ હવે માનવીનાં અંગોનો પણ વેપાર થાય છે.
જ્યારે પણ કોઈ માનવીના શરીરમાંથી તેનું કોઈ પણ અંગ કાઢવામાં આવે ત્યારે સૌથી પહેલા તો તે માણસની સંમતિ લેવાવી જોઈએ. વળી, આવી સંમતિ તેણે સ્વૈચ્છિક રીતે આપી હોવી જોઈએ, કોઈ જાતના ભયથી કે પરિસ્થિતિને વશ થઈને નહીં. ઉપરાંત અંગનું દાન, અંગ આપનાર વ્યક્તિના, લેનાર વ્યક્તિના તથા તબીબી વ્યવસાયના સંપૂર્ણ હિતમાં હોવું જોઈએ.