________________
બાર પ્રકારની હિંસાઓ
ભૂંડના માંસથી અનાજની અછત ઘટવાને બદલે અત્યંત
વધી જશે
એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, “અનાજની અછતના નિવારણનો વિકલ્પ ભૂંડનો માંસાહાર કરવો તે છે. અનાજની અછત નિવારવી હોય તો મોટી સંખ્યામાં ભૂંડનો ઉછેર કરવો જોઈએ અને તેનું માંસ ખાવું જોઈએ.”
આ વાત ગેરરસ્તે દોરવાનારી, ભારતી પ્રજા સાથે ભયંકર છેતરપિંડી કરનારી અને સંપૂર્ણપણે વાહિયાત છે. ભૂંડના માંસાહારના પ્રચારથી અનાજથી અછતનો વિકલ્પ તો શોધી નહિ જ શકાય; પરંતુ અનાજની હજી વધુ કારમી અછત ઊભી થશે. મને તો લાગે છે કે ભારતીય પ્રજાને આ રીતે ગેરરસ્તે દોરવીને ભારતમાં અનાજની નવેસરથી વધુ કારમી અછત ઊભી કરવા માટેના મંડાણ આ ભૂંડ માંસસેવનના પ્રચાર દ્વારા થઈ રહ્યો છે.
આ વાતને વધુ સ્પષ્ટ કરું. એક ભૂંડ, માનવને ત્યારે જ એક કિલો માંસ આપી શકે છે જ્યારે તે પોતે ચોદ કિલો અનાજ ખાય છે. (અનાજ ખવડાવ્યા વિના-માત્ર ગંદવાડ ખાઈ લેતા ભૂંડ પાસેથી માંસ નથી મળતું; માત્ર ચરબી મળે છે !) ક્યાં એક કિલો માંસની પ્રાપ્તિ! અને ક્યાં તે માટે ચોદ કિલો અનાજની બરબાદી! આ ઉપરથી સમજાશે કે ભૂંડનું માંસ મેળવવા જતાં તો રહ્યું-સહ્યું અનાજ પણ માનવજાતને મળવું મુશ્કેલ થઈ જશે.
વળી માંસ ખાનારા માણસોને પાછું અનાજ ખાધા વિના તો ચાલતું જ નથી, એકલા માંસનો ખોરાક કદી કોઈ કરી શકતું નથી. આથી ભૂંડને ચોદ કિલો અનાજ ખવડાવીને તેટલું અનાજ ગુમાવ્યા બાદ ભૂંડનું માંસ ખાનારા માણસો વળી પાછું અનાજ તો ખાવાના જ છે. અન્નાહારી કરતાં માંસાહારીઓને વધુ ભૂખ લાગતી હોવાથી તેઓ વધુ અનાજ ખાવાના છે.
આમ ભૂંડના માંસની પ્રાપ્તિ કરવા જતાં તો અનાજની વધુ તીવ્ર અછત પેદા થવાની છે.
આ વાતને સો ટકા તર્કબદ્ધ સાબિત કરતો અહેવાલ નીચે આપવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે બ્રિટનમાં ૭૦ લાખ ડુક્કરોનું માંસ મેળવવામાં તે ડુક્કરોને જેટલું અનાજ ખવડાવાય છે તે અનાજથી ત્રીજા વિશ્વની તમામ માનવસતિને પેટ ભરીને જમાડી શકાય!