________________
બાર પ્રકારની હિંસાઓ
પશુપક્ષી પર સૌથી વધુ અત્યાચાર કોમેટિકસ ઈન્ડસ્ટ્રીવાળા કરે છે. - થોડાં વર્ષ પહેલાં તબીબ જ્હોન ડેઈઝની નજર આલ્બિનો જાતિનાં સસલાં પર પડી. આ સસલાંને ચામડી નીચે કુદરતી રંગદ્રવ્યો નથી હોતાં. પરિણામે તેમનું શરીર બિલકુલ દૂધ જેવું સફેદ તથા આંખો સ્ફટિક જેવી પારદર્શક હોય છે. ચકાસણી દ્વારા તેમણે જાણ્યું કે સંવેદનમાં આ સસલાંની આંખો માનવઆંખને મળતી આવે છે છતાં તે ક્યારેય આંસુ સારતી નથી. આપણી આંખમાં કચરો જાય કે મરચાંની ભૂકી ઊડે તો તરત આંસુની ગ્રંથિ ઝરવા લાગશે અને આંસુથી એ પીડાકારક પદાર્થ આપમેળે ધોવાઈ જતાં આંખ સાફ થઈ જાય છે. પરંતુ આલ્બિનો સસલાં આંખમાં ગયેલા પદાર્થને આંસુ વડે ધોઈ શકતા ન હોવાથી તેમણે તો કલાકો સુધી પીડા વેઠવી પડે.
આ શાપરૂપ સમસ્યા પરથી જ્હોન ડ્રેઈઝને લગભગ એટલો જ અમાનુષી તુક્કો સૂઝયો. શેમ્પ, આય લેશિઝ, સુગંધી સાબુ, હેર સ્પે વગેરે કોમેટિક પ્રસાધનો બજારમાં મૂકતાં પહેલાં કાનૂની ધોરણે એક વાતની ચોકસાઈ કરવાની હોય છે કે તે ભૂલેચૂકે આંખમાં જાય તો નુકસાન નહીં પહોંચાડે. જહોન ડેઈઝ દરેક નવાં પ્રસાધનોની ચકાસણી આવાં સસલાં પર કરવા માંડી. પ્રસાધનનું રાસાયણિક દ્રવ્ય બનાવીને બે ટીપાં સસલાંની આંખમાં નાખી દે કે તરત તેની વિપરીત અસરોની જાણ થઈ જાય. રસાયણ હાનિકારક ન હોય તો સસલાંની આંખો એવી જ સ્વચ્છ અને સ્ફટિક જેવી દેખાય, પરંતુ ઉગ્ર અને ઉત્તેજક હોય તો આંખની રક્તવાહિનીઓ બળતરાને લીધે ફૂલવા માંડે અને ડોળા લાલધૂમ બની જાય !
કોમેટિક પ્રસાધનોના ક્ષેત્રે રેવલોન કંપનીનું સ્થાન જગતભરમાં મોખરે છે. સસલાં પર નવી કોમેટિક આઈટમોનો અખતરો કરવાની પહેલ આ કંપનીએ જ કરી હતી. ફક્ત બહાર રહેવા પામે એ રીતે સસલાંને ધાતુના બોકસમાં જકડી રાખવામાં આવે, જેથી તે તરફડી પણ શકે નહીં. ઘણીવાર તો સસલાંની આંખોનાં પોપચાં કાપી નાખી આંખો સતત ખુલ્લી રહે તેવી ગોઠવણ થાય છે. ત્યાર બાદ સિરિંજ અથવા ટોટી દ્વારા તેમની આંખમાં રસાયણનો ટીપાં રેડાય છે. માનવચહેરાની સુંદરતા માટે નિર્દોષ સસલાં પર આવો ઘાતકી અત્યાચાર વર્ષોથી થાય છે. પ્રયોગો દરમિયાન દર વર્ષે હજારો સસલાં આંખોની રોશની પણ ગુમાવે છે પરંતુ સૌદર્યપ્રસાધનો વાપરનારી કોઈ સ્ત્રીને ભાગ્યે જ ખબર હશે કે તેમની ‘બ્યુટી” (સુંદરતા) માટે પ્રાણીઓ પર કેવી “ક્રુઅલ્ટી' (ક્રૂરતા) આચરવામાં આવે છે !