________________
બાર પ્રકારની હિંસાઓ
બપોર થઈ ગયેલી, ભોજન બનાવવાની ઉતાવળ હતી, એટલે છરી મરઘીની નાજુક ડોક ઉપર સંપૂર્ણ રીતે ન ફેરવે-પરિણામે એ બિચારી પાંખો ફફડાવી બંધાયેલા પગે પણ વેદનાના બે-ત્રણ ફૂટ ઊંચા કૂદકા મારે. પેલો પછી બીજી મરઘી લે, ત્રીજી લે, ને આ જ રીતે કાપી ફેંકતો જાય.
આમ કમ્પાઉન્ડમાં આ બે નોકરોની આજુબાજુ છ-સાત મરઘીઓ તરફડતી હતી. મેં આ બન્નેને બૂમ પાડી કહ્યું કે ભાઈ, છરી પૂરી તાકાતથી ફેરવી મરઘીને એક ઝાટકે કાપી નાખ ને, શા માટે બિચારીઓને રિબાવે છે? પેલો કહે ટાઈમ નથી ને આટલી બધી મરઘીઓ કાપવાની છે. મરઘીઓ થોડી મિનિટ તરફડીને મરી જતી હશે અને સૌથી કરૂણ વાત શું હતી, ખબર છે? પોતાની બહેનોની આ કરપીણ દશા જોઈ જેમની વારી આવી ન હતી, એ મરઘીઓ પોતાના ઢગલામાં એકદમ શાંત ને સ્થિર બની ગયેલી હતી. જાણે મરેલી મરઘીઓનો એ ઢગ હતો; પણ પેલો નોકર એમાંથી જેને ઊચકે એ બિચારી ‘કક' એવી બૂમ પાડી એના હાથમાં જ પાંખો ફફડાવી કાંઈ તરફડે ! બિચારીઓને જીવવાનો તો અધિકાર નહિ, યાતના ખમ્યા વગર એક ઝટકે મરવાનો હક્ક પણ નહિ!
માનવીની પશુપંખીઓ પ્રત્યેની આ કેવી ભીષણ નિર્દયતા! હું નાનો હતો ત્યારે અમારા ગામમાં કાળાં ડુક્કરો ખૂબ હતાં. એક દિવસ નદીકિનારે મિત્રો સાથે ફરવા ગયેલો. પાંચ-છ માણસો ડુક્કરો પકડવા નીકળેલા. એક ડુક્કરને લક્ષ્ય બનાવી એની પાછળ ચાર-પાંચ માણસો હાકોટા પાડતા દોડે ને એવી વાડીમાં લઈ જાય જેમાંથી બહાર આવવાનો એક જ સાંકડો રસ્તો હોય. ડુક્કર વાડીમાં ઘૂસે કે તેઓ પાછળ દોડો દિશા બદલી એને વાડીની બહાર દોડાવે. સાંકડા દરવાજા પર દોરીની જાળ સાથે લાકડે બાંધેલી મજબૂત દોરીની જાળ બિછાવે. ડુક્કર જાળમાં ભેરવાઈ જાય કે એને પકડી લે.
અમે બેઠા હતા ત્યાં આ લોકો એક ડુક્કરને પકડી લાવ્યા. અમને કહે, છોકરાઓ, ઘરે હાલતા થાઓ. સો ડુક્કરો ખાઈખાઈને અલમસ્ત થયેલા. અમે સાત-આઠ વર્ષના. અમારે જવું જ પડયું. ઘરે આવી મેં મારા મોટા ભાઈને આ વાત કરી. એ કહે સારું થયું તમે ચાલી આવ્યા. કેમ? તો કહે, એ લોકો આ ડુક્કર મારે એ આપણે જોઈ જ ન શકીએ અને કેવી નિર્દય રીતે મારે, ખબર છે? લખતાં કંપારી છૂટે છે. બેસહારા આ જાનવરને થોડા માણસો પકડી રાખે અને પછી ગરમ, ધગધગતો, લાલચોળ સળિયો એની પૂંઠમાં ઘુસાડી દે. કેમ? તો કહે એને કાપે તો લોહી વહી જાય ને એનું માસ નબળું પડી જાય.