________________
બાર પ્રકારની હિંસાઓ
૧૭
માનવીની આ દુનિયામાં માત્ર ‘સ્પોર્ટ્સને ખાતર, રમતગમતને ખાતર, પશુપંખીઓ ઉપ૨ યાતના ઠેકઠેકાણે ગુજારવામાં આવે છે. આપણે ત્યાં અને યુરોપ
દક્ષિણ અમેરિકાના દેશોમાં બે મરઘાઓના નખ ઉપર લોખંડના તીક્ષ્ણ ન્યોર બેસાડી એમની સાઠમારી યોજાય છે, જે એક મરઘો મરી જાય ત્યાં સુધી ચાલે છે. ઈંગ્લેન્ડનો ‘ફોક્ષ હંટિંગ સ્પોર્ટ્સ’ પણ અમાનવીય જ છે ને ! (મજૂર પક્ષે જાહેર કર્યું છે. એ સત્તામાં આવશે ત્યારે એના પર પ્રતિબંધ મૂકશે.) સ્પેનની ‘બુલ ફાઈટ’ શું છે ? ‘મૅટાડોર’ આખલાને રિબાવી રિબાવીને મારે અને આખું સ્ટેડિયમ હર્ષની ચીસો પાડે. પુરાણા રોમમાં ગ્લેડીએટરોની રમતગમત યોજાતી, જેમાં પ્રેક્ષકો સામે બે ગ્લેડીએટરો જ્યાંસુધી એક મોતને ધામ ન પહોંચે ત્યાંસુધી મરાયા જ કરે. આપણે એને અસંસ્કૃત અને જંગલી કહીએ છીએ. પરંતુ આ બુલ-ફાઈટ શું સંસ્કૃત છે ?
આમ પણ સ્પેનમાં ધાર્મિક-સામાજિક મહોત્સવોમાં પશુપંખીઓ ઉપર અમાનુષી અત્યાચારો ગુજારવાની પરંપરા છે, જે હજી જીવંત જ છે. બૅરી ટ્રેસી નામના બ્રિટિશ નાગરિક ‘મહોત્સવોનો દેશ'' ગણાતા સ્પેનમાં એના વિવિધ પ્રાંતોના અનેક મહોત્સવો (ફેસ્ટિવલ્સ)નો અભ્યાસ કરવા ત્યાં પાંચ વર્ષ ગાળી ગયે મહિને જ બ્રિટન પાછા ફર્યાં. લંડનના ‘સન્ડે ઑબ્ઝર્વર’માં એમણે ત્યાં શું જોયું એનો ઊડતો ચિતાર પ્રગટ થયો છે. આપણે માની ન શકીએ એવી આ વાતો છે, પણ કમનસીબે એ હકીકતો છે. આ સમૂહ નિર્દયતાનાં થોડાંક દષ્ટાંત જોઈએ.
મરઘાં, ટર્કી વગેરે પ્રાણીઓને મેદાનમાં છોડી મૂકવામાં આવે અને આંખે પાટા બાંધી એમને દંડા મારી મારીને ખતમ કરવાની હરીફો રમત રમે. ગામના મુખ્ય ચોકમાં હંસને હવામાંથી અધ્ધર લટકાવાય અને ઘોડેસવારો પૂરપાટ ઘોડા દોડાવી એની જીવતી ડૉક ખેંચી કાઢવાની રમત રમે. દક્ષિણ સ્પેનના લાનોસ ડ લા ક્રુઝ પ્રદેશમાં સસલાં, કબૂતર, મરઘી, બતક વગેરેને એક મંચ પર બાંધી રખાય અને પછી એને પથ્થરો મારી ખતમ કરવામાં આવે.
ગુવાડાલાજો૨ા પ્રાંતમાં એક મહોત્સવ દરમિયાન તગડી ગાયને મારીને દોડાવાય અને એની પાછળ ટ્રેકટર છૂટે. એ બાપડી ઉપરથી ટ્રેકટર ફરી ન જાય ત્યાં સુધી પ્રેક્ષકો આનંદથી તાળીઓ પાડે. લારીવોજા પ્રાંતમાં દર નવેમ્બર મહિનામાં એક મંચ ઊભો કરવામાં આવે અને એ ઉપરથી એક વાછડાને કૂદકો મારવાની ફરજ પાડવામાં આવે. એના પગ ભાંગી જાય, પણ એ ન મરે તો મંચને દોરડાંએ ખેંચી વધુ ઊંચે લઈ જવાય અને બીજા વાછરડાનો વારો આવે. આમ જ્યાં સુધી એક વાછરડો સંપૂર્ણ મરણ ન પામે ત્યાં સુધી મંચ ઊંચકાતો જાય, નવા વાછરડા કૂદતા જાય.