________________
બાર પ્રકારની હિંસાઓ
૧૦૧
કરીને ઉદ્યોગમાં જોડાવવા માટે શહેરો ભણી દોડ્યા. તેમણે શિક્ષણ લીધું. કેટલાક શ્રીમંત પણ થયા. આ શહેરીપણું, શિક્ષિતતા અને શ્રીમંતાઈમાંથી એક પણ ભૂત જેને વળગ્યું તેનું “માણસ” તરીકેનું જીવન ખતમ થયું. તેની માણસાઈના ગુણો સફાચટ બન્યા. તે સ્વાર્થી, ભોગલમ્પટ, લાલચુ, ઈર્ષાળુ, ક્રૂર અને કૃતજ્ઞ વગેરે બન્યો. બીજી બાજુ તે રોગોથી ઘેરાઈને આરોગ્યને પણ ખોઈ બેઠો. તેનું ગામડાનું શાંત અને સુખી, વાવલંબી અને ખુમારીભર્યું જીવન હણાઈ ગયું.
વંશપરંપરાગત ધંધાઓ છોડવા છતાં ઘણા બધા લોકો શહેરોમાં ગયા છતાં તેમને ઉદ્યોગો સમાવી ન શક્યા એટલે લાખો શિક્ષિત લોકો બેકાર બન્યા. તેઓ ગરીબ કે ભિખારી બન્યા. તેઓ બીમાર બન્યા. શારીરિક રોગોનો અને માનસિક તાણોનો ભોગ બન્યા. તેમનું કુટુંબ તેમનું વેરી બન્યું. શહેરની મોંઘવારીએ તેમના જીવનને કચડી નાખ્યું.
કહેવાય છે કે ખેતીના વ્યવસાયમાં અળસીયા વગેરે મરતા હોવાથી તે હિંસક વ્યવસાય છે. આ વાત સાવ ખોટી છે. જો ખેતી એ હિંસક વ્યવસાય છે તો ઉદ્યોગો તો મહા-મહાહિંસક વ્યવસાય છે. કેમકે અહીં તો એકેન્દ્રિયાદિ જીવોની નહિ; પરંતુ પંચેન્દ્રિય માનવોની, લાખો માનવકુટુંબોની બેહાલી થાય છે. બેકારી વગેરે દ્વારા તે કુટુંબો જીવતાં કપાઈ જાય છે. મોતથી ય વધુ કડવું તેઓનું જીવતર બને છે. આ બધું જોતાં તો જો સંસારમાં રહીને કોઈ વ્યવસાય પસંદ કરવો જ પડે- તો ખેતીનો વધુમાં વધુ જયણાપૂર્વકનો વ્યવસાય જ પસંદ કરવો એ યોગ્ય ગણાય. જેમ જેમ વૈજ્ઞાનિક જગતે ઉદ્યોગ વગેરેના ક્ષેત્રમાં પ્રગતિ કરી છે તેમ તેમ માનવજાત પોતાના શરીરનું આરોગ્ય, જીવનની શાંતિ, ચિત્તમાં પ્રસન્નતા અને કુટુંબમાં સંપ ખોઈ બેઠો છે. એનું જીવતર ઝેર થયું છે. ભલે પછી તેને ઊંચા કોઈ સુંદર જીવનની કલ્પના કે સાધના ખ્યાલમાં ન હોય, તેથી તેનું જીવન વૈજ્ઞાનિક પ્રગતિના આધારે તે ઢસડી નાખે કે પૂરું કરી નાખે.” અહીં એક અખબારી લેખ અક્ષરશઃ રજૂ કરું છું. વિજ્ઞાન પ્રગતિ - આરોગ્યનો સત્યાનાશ
-કાન્તિ ભટ્ટ બરાબર એકસો વર્ષ પહેલાં ૧૮૮૪માં સાઉદી અરેબિયાના શેખ એક વખત રણમાં ફરતા હતા ત્યારે તેમણે એક જગ્યાએ ખાડામાંથી તેલનો પરપોટો જોયો. તેણે તુરંત તેના હજુરીયાઓને બોલાવીને આ ખાડો પૂરી દેવાનું કહ્યું. તેણે કહ્યું: