________________
ऽनेकेन्द्रियजन्यं ज्ञानमिति वाच्यम्, मनसोऽतिलाघवात् झटिति नानेन्द्रियसम्बन्धान्नानाज्ञानोत्पत्त्या उत्पलशतपत्रभेदादिव यौगपद्यप्रत्ययस्य भ्रान्तत्वात् ।
મુક્તાવલી : શંકાકાર : તમે જે એમ કહો છો કે એક સમયે એક જ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે તે વાત અમને માનવામાં આવતી નથી, કારણ કે જ્યારે દેવદત્ત દીર્ઘશખુલી (ચકરી : જલેબી જેવી વસ્તુ) ખાતો હોય છે ત્યારે ‘બ ુક બહુક' ખાવાનો અવાજ થતો હોવાથી શ્રોત્રેન્દ્રિય-પ્રત્યક્ષ, તેનો આકાર, પીળો કલર વગેરે દેખાતો હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષ, તેની સુગંધ આવતી હોવાથી પ્રાણજ-પ્રત્યક્ષ, તેનો સ્વાદ અનુભવાતો હોવાથી રાસન-પ્રત્યક્ષ અને હાથમાં રાખીને ખાતો હોવાથી સ્પાર્શન-પ્રત્યક્ષ, એમ એક કે બે ઈન્દ્રિય-પ્રત્યક્ષ નહીં પણ તેને પાંચેય ઈન્દ્રિયનું પ્રત્યક્ષ એક જ સમયે થતું દેખાય છે, પછી તમે એક સમયે એકથી વધારે ઈન્દ્રિયનું પ્રત્યક્ષ ન થાય તેમ કેમ કહ્યું ?
નૈયાયિક : મન વિભુ છે માટે એકીસાથે દેવદત્તને પાંચેય ઈન્દ્રિયનું પ્રત્યક્ષ થાય છે તે વાત માની શકાય જ નહીં, કેમકે જો તેમ માનો તો પૂર્વે જણાવ્યું તે પ્રમાણે મન વ્યાપક હોવાથી હંમેશા ઈન્દ્રિયમનઃસંયોગ અને આત્મમનઃસંયોગ રહેવાનો જ. અને બધી ઈન્દ્રિયોના વિષયો તો કોઈક ને કોઈક હંમેશા હાજર છે જ. તેથી હંમેશા દરેક વ્યક્તિને પાંચેય ઈન્દ્રિયોનું પ્રત્યેક સમયે પ્રત્યક્ષ માનવાની આપત્તિ આવશે. તેથી મનને વિભુ તો મનાય જ નહીં.
છતાં દીર્ઘશખુલી ખાવાનો પ્રસંગ વગેરે સ્થાને પાંચેય પ્રત્યક્ષ એકીસાથે થતાં હોય તેવું જણાય છે ખરું, પરંતુ હકીકતમાં એક સમયે પાંચ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ થતું જ નથી, માત્ર આપણને તેવો ભ્રમ જ થાય છે. મન ખૂબ જ તીવ્ર ગતિવાળું છે અને તેથી તે એક સમયે એક ઈન્દ્રિય સાથે સંયોગ કરીને તરત જ બીજા સમયે બીજી ઈન્દ્રિય સાથે સંયોગ કરે છે અને તરત જ ત્રીજા સમયે ત્રીજી ઈન્દ્રિય સાથે સંયોગ કરે છે. આમ મન તીવ્ર ગતિ વડે દોડાદોડ કરીને જુદા જુદા સમયે જુદી જુદી ઈન્દ્રિય સાથે સંયોગ કરીને જુદી જુદી ઈન્દ્રિયનું પ્રત્યક્ષ કરાવે છે.
પણ મનની ઝડપ એટલી બધી વધારે છે અને સમયનું પરિમાણ એટલું બધું સૂક્ષ્મ છે કે આપણને તેનો ખ્યાલ આવતો નથી, તેથી જુદા જુદા સમયે જુદી જુદી એકેક ઈન્દ્રિયનું પ્રત્યક્ષ થયું હોવા છતાં આપણને જાણે કે એક જ સમયે બધી ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ થયું ન હોય ! તેવી ભ્રાન્તિ થાય છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૧૯૫)