________________
છે. ‘સીતારામ’ એવું જે શુકવાક્ય છે તે વિસંવાદી-પ્રવૃત્તિજનક છે, કેમકે ‘સીતારામ’ પદથી શુકને શાબ્દબોધ રૂપ ફળ પ્રાપ્ત થતું નથી. શુકની પોતાની ભાષા તો ઈશ્વરે જ બનાવી છે, માટે તે ભાષાના તે તે વાક્ય પાછળ ઈશ્વરીય તાત્પર્ય માની શકાય, જ્યારે ‘સીતારામ’ વગેરે વાક્યમાં તો શિક્ષકનું તાત્પર્ય જ માનવું જોઈએ.) જે શાબ્દબોધ થાય છે ત્યાં પણ તાત્પર્યજ્ઞાન કારણ માનવું જ જોઈએ. એટલે ત્યાં ઈશ્વરનું તાત્પર્ય લેવું. તે તાત્પર્યનું જ્ઞાન શુકવાક્યજનિત શાબ્દબોધ પ્રત્યે હેતુ બને. અને જે વિસંવાદી (વિફલપ્રવૃત્તિજનક) શુકવાક્યો છે ત્યાં ઈશ્વરીય તાત્પર્ય તો સંભવે નહિ, એટલે શુકના શિક્ષકનું તાત્પર્ય લેવું. તે તાત્પર્યનું જ્ઞાન શાબ્દબોધ પ્રત્યે હેતુ બને.
मुक्तावली : अन्ये तु नानार्थादौ क्वचिदेव तात्पर्यज्ञानं कारणम् । तथा च शुकवाक्ये विनैव तात्पर्यज्ञानं शाब्दबोधः, वेदे त्वनादिमीमांसापरिशोधिततर्कैरर्थावधारणमित्याहुः ॥
મુક્તાવલી : નવ્યો કહે છે કે શાબ્દબોધ-સામાન્ય પ્રત્યે તાત્પર્યજ્ઞાનને કારણ માની શકાય નહિ પરન્તુ જે નાનાર્થક (અનેકાર્થક) શબ્દો છે તે સૈન્ધવાદિપદ-પ્રયોગ સ્થળે જ તાત્પર્યજ્ઞાનને શાબ્દબોધ પ્રત્યે હેતુ માનવું જોઈએ. એટલે શુકના બધા વાક્યમાં પણ તાત્પર્યજ્ઞાન વિના જ શાબ્દબોધ થાય એમ કહી શકાય. અને તેથી તે તાત્પર્યના આશ્રય તરીકે ઈશ્વરની કલ્પના કરવી એ અનુચિત છે.
પ્રશ્ન : જો આ રીતે તાત્પર્યાશ્રયતયા ઈશ્વર નહિ માનો તો વેદના કેટલાક વાક્યોમાં જે તાત્પર્ય પકડવાનું છે તેમાં કોનું તાત્પર્ય સમજવું ? જો ઈશ્વર જ ન હોય તો વેદવાક્યમાં બીજા કોઈનું તાત્પર્ય તો સંભવતું નથી તો પછી તાત્પર્યજ્ઞાન વિના તે તે પદોનો અમુક જ શાબ્દબોધ અનુપપન્ન થઈ જશે.
ઉત્તર ઃ નહિ, ત્યાં અનાદિ જે ગૌતમ, જૈમિની આદિ મહર્ષિઓ, એમની જે મીમાંસા અને તર્કો, એનાથી જ તે તે પદના તે તે અર્થનો નિશ્ચય થઈ શકે છે, પછી ત્યાં તાત્પર્યજ્ઞાન કરવાની જરૂર જ નથી. એટલે તાત્પર્યના આશ્રયતયા ઈશ્વરની સિદ્ધિ થઈ શકતી નથી. ઈશ્વર તો ‘ક્ષિત્યાવિ સતૃવમ્' ઈત્યાદિ અનુમાનથી સિદ્ધ થાય છે.
અહીં શબ્દખંડનું વિવેચન પૂર્ણ થાય છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૮૩)