________________
આપને પગમાં પાડું તો જ મને સાચું બોલનારી માનજો. આપે આપનાથી થઈ શકે એટલું બધું જ કર્યું છે. હવે જુઓ, પરમાત્માની સહાય લઈને હું મારાં વચનોને કઈ રીતે સાચા પાડું છું ?'
માનવતી ! તારી આ નિર્લજ્જતા ? તારી આ નફ્ફટાઈ ? તારો આ હઠાગ્રહ ? મને એમ લાગે છે કે તને દુ:ખી થવામાં અને દુ:ખી રહેવામાં જ રસ છે. રહે તું અહીંયા. સબડતી રહે જીવનભર ઓ એ કદંડિયા મહેલમાં અને આંસુ પાડતી રહે જીવનના અંતિમ શ્વાસ સુધી !' આટલું કહીને પગ પછાડતો રાજા ત્યાંથી ઊભો થઈ ગયો. મહેલની બહાર નીકળી, તાળું લગાવી એ રાજસભા તરફ જવા ચાલી નીકળ્યો.
ક્રોધ ખરાબ જરૂર છે પરંતુ એનો પગપેસારો માત્ર જ્યાં અપેક્ષા તૂટે છે ત્યાં જ થાય છે, માયા ખરાબ જરૂર છે પરંતુ એનો પગપેસારો કોક ચોક્કસ ક્ષેત્રમાં જ થાય છે. લોભ ખરાબ જરૂર છે પણ ‘લાભ' ના ગર્ભમાં જ એ પુષ્ટ થતો હોય છે; પરંતુ અહંકાર ? એ આગનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આત્મીય સંબંધોના બગીચામાં એ જ્વાળાઓ સર્જતો જ રહે છે. એ દીવાલનું પ્રતિનિધિત્વ ધરાવે છે. પરમાત્મા વચ્ચે, પિતા વચ્ચે કે પતિ વચ્ચે એ અવરોધક બનીને જ રહે છે. એ વાવાઝોડાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. સદ્ગણોના મહેલને એ ધરાશાયી કરીને જ રહે છે. એ ભૂકંપનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આત્મશુદ્ધિની ભવ્ય ઇમારતનો એ કચ્ચરઘાણ કાઢીને જ રહે છે.
માનવતીને ઝૂકવામાં રસ નથી. માનતુંગને માનવતીને ઝુકાવવા સિવાય બીજા એકેયમાં રસ નથી. માનવતી માનતુંગને દેખાડી દેવા માગે છે. માનતુંગ માનવતીના ગર્વના ચૂરેચૂરા કરવા માગે છે. માનવતી વિજયની વરમાળા પહેરવા યોજના બનાવવામાં વ્યસ્ત છે. માનતુંગ માનવતીના લમણે પરાજય ઝીકી દેવા આયોજનો ગોઠવવામાં રત છે.
શતરંજ બરાબર પથરાઈ ગઈ છે, એના પર પ્યાદાંઓ બરાબર ગોઠવાઈ ગયા છે. માનવતી અને માનતુંગ બંનેનો હાથ ચાલ ચાલવા તત્પર બની ગયા છે.
જોઈએ, કોના લલાટે વિજયતિલક થાય છે ?
‘હું સોફાસેટ પર બેસું તો તું ક્યાં બેસે ?” પતિએ પત્નીને પૂછયું, ‘ખુરશી પર' પત્નીએ જવાબ આપ્યો. ‘હું ખુરશી પર બેસું તો?” ‘ટેબલ પર’ ‘હું ટેબલ પર બેસું તો ?' ‘બાજોઠ પર’ ‘હું બાજોઠ પર બેસું તો ?' ‘પાટલા પર’ ‘હું પાટલા પર બેસું તો ?' ‘ગાલીચા પર’ ‘હું ગાલીચા પર બેસું તો?” ‘ચટાઈ પર’ ‘હું ચટાઈ પર બેસું તો ?' જમીન પર’ ‘હું જમીન પર બેસું તો ?' ‘ખાડામાં’ ‘હું પોતે જ ખાડામાં બેસું તો ?' ‘ત હું એના પર માટી નાખી દઉં પત્નીએ ઠંડે કલેજે જવાબ આપી દીધો.
હા. જ્યાં આકર્ષણના કેન્દ્રમાં શરીર જ છે, જ્યાં સુખના કેન્દ્રમાં મન જ છે, જ્યાં લક્ષ્ય એક-બીજાનો ઉપયોગ જ કરી લેવાનું છે, જ્યાં સ્વાર્થપુષ્ટિ અને વાસનાપૂર્તિની જ બોલબાલા છે ત્યાં સંબંધનું પોત કેળના તાર કરતાં ય પાતળું જ રહે છે, સંધ્યાના રંગ જેવું ક્ષણભંગુર જ રહે છે, ઝાંઝવાનાં નીર જેવું ભ્રામક જ રહે છે, સતત રંગ બદલી રહેતા
પ0