________________
ઘરનાં નર-નારીઓ બધું જ કામ છોડી દઈને માનવતી પાછળ ફરવા લાગ્યા. અલબત્ત, કોઈને ખ્યાલ પણ ન આવે એ રીતે માનવતી રાત્રિનો અંધકાર શરૂ થાય એ પહેલાં પિતાના ઘરમાં દાખલ થઈ જતી હતી. પરિવારના સભ્યો સાથે પ્રેમાળ વાર્તાલાપ કરી ભોંયરા વાટે એ પોતાના મહેલમાં પહોંચી જતી હતી. પ્રાતઃકાળે પુનઃ પિતાના ઘરે આવી જઈને યોગિનીનો વેશ પહેરીને ઉજ્જયિનીના રસ્તાઓ પર ફરવા નીકળી જતી.
આખાય નગરમાં ચર્ચાનો વિષય બનેલ આ યોગિનીના સમાચાર કોર્ણોપકર્ણ રાજા પાસે પહોંચ્યા.
‘કોણ છે આ યોગિની ?' રાજાએ મંત્રીને પૂછ્યું,
‘મેં ય એને જોઈ તો નથી પણ અત્યારે આખું ય નગર એની પાછળ પાગલ છે એ વાત તો સો ટકા સાચી છે’
‘આપણે એને અહીં બોલાવી ન શકીએ ?’ આપ કહેતા હો તો પ્રયાસ કરું' મંત્રીએ કહ્યું.
અને માનતુંગના કહેવાથી સુબુદ્ધિ પહોંચી ગયો યોગિની પાસે. હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી વાત મૂકી ‘અમારા રાજવી માનતુંગ આપનાં દર્શનને ઝંખે છે. આપ વીજ્ઞા લઈને એક વાર રાજમહેલને પાવન કરો. આપનાં પાવન પગલાંથી રાજમહેલ અને રાજવી બંને ધન્ય બની જશે’
યોગિની બનેલ માનવતી આ જ પળની તો રાહ જોતી હતી. ‘રાજવીના આમંત્રણને તો મારાથી પાછું ઠેલી જ શી રીતે શકાય ? સાચું કહું તો નગરજનોના મુખે જેનું નામ સતત ગવાઈ રહ્યું છે એ પ્રજાવત્સલ રાજવીનાં દર્શન કરતા મને ય ખૂબ આનંદ થશે. ચાલો, હું અહીંથી સીધી જ રાજવી પાસે આવું છું' આમ કહીને મંત્રીની સાથે માનવતી માનતુંગ પાસે જવા નીકળી પડી.
*
‘આ રૂપ ?’
રાજસભામાં જેવો યોગિનીએ પ્રવેશ કર્યો, રાજાની નજર એના પર પડી અને એ સ્તબ્ધ થઈ ગયો. ‘આ રૂપ ? અને એ રૂપસભર શરીર પર યોગિનીનો વેશ ?’ રાજા
આગળ કાંઈ જ વિચારે એ પહેલાં તો યોગિની એકદમ નજીક આવી ગઈ. યોગિની પ્રત્યેના બહુમાનભાવથી રાજા સિંહાસન પરથી ઊભો થઈ ગયો. યોગિનીને સિંહાસન પર બેસાડી રાજા એના પગમાં પડ્યો.
૪૫
‘તમારા વિષે મેં જેવું સાંભળ્યું હતું, અહીં હું એવું જ જોઈ રહ્યો છું. આ નગરમાં તમારું સ્વાગત છે. તમારાં દર્શનથી મારાં બંને નેત્રો ધન્ય થઈ ગયા છે. સાચે જ તમને ધન્ય છે કે રાત અને દિવસ તમે પ્રભુભક્તિમાં લીન રહો છો અને શુદ્ધ માર્ગનું આચરણ કરતા તમે ધ્યાનમાં મગ્ન રહો છો. તમને હું કાંઈ પૂછી શકું ?’
‘આ વયમાં તમે યોગિનીનો વેષ કેમ ધારણ કર્યો છે? આ નગરમાં તમે આવ્યા ક્યાંથી ? તમારું રહેઠાણ ક્યાં ?'
‘રાજન્ ! એ પ્રશ્નોના સમાધાનની તું મારી પાસે અપેક્ષા રાખીશ નહીં. નદીનું મૂળ અને યોગીનું કુળ, આમાંનું કાંઈ જ જાણવા જેવું નથી. હા. તને એટલું જરૂર કહીશ કે જુદાં જુદાં તીર્થોમાં આદર સહિત ભ્રમણ કરી રહેલ હું અવંતીનાં દર્શન માટે હમણાં આવી છું અને આનંદથી અત્રે રહું છું.
બાકી, એક વાત તને કહું ? નદીની સાર્થકતા જો સાગરમાં વિલીન થઈ જઈને સાગર બની જવામાં જ છે તો આ જીવનની સાર્થકતા પ્રભુભક્તિમાં લીન બની જઈને પ્રભુ બની જવામાં જ છે.
અહીં કશું જ શાશ્વત નથી. નાવ લાકડાની પણ છિદ્રવાળી, એના સહારે દરિયામાં ઝુકાવાય ખરું ? પુણ્ય આકર્ષક, શરીર તંદુરસ્ત, સ્વજનો સ્નેહાળ, પત્ની પ્રેમાળ, સામ્રાજ્ય વિશાળ, ખ્યાતિ અમાપ પણ એ બધું ય પરિવર્તનશીલ, ક્ષણભંગુર અને નાશવંત, એ તમામના સહારે આ સંસારસાગરમાં ઝુકાવાય ખરું ?
એક જ કામ કરવા જેવું છે. શરીર જ્યાં સુધી રોગોમાં સપડાયું નથી, વૃદ્ધાવસ્થાએ જ્યાં સુધી શરીરના દરવાજા પર ટકોરો લગાવ્યો નથી, ઇન્દ્રિયો જ્યાં સુધી પોતાના વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ છે અને જ્યાં સુધી યમદૂતે પોતાનો વિકરાળ પંજો શરીર પર ફેલાવ્યો નથી ત્યાં સુધીમાં આત્મહિત જેટલું પણ સધાય એટલું સાધી લેવા જેવું છે.’
યોગિનીના મુખમાંથી નીકળેલા આ શબ્દો સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયો. આ વયે આટલું જબરદસ્ત જ્ઞાન ? આટલો પ્રચંડ વૈરાગ્ય ? ધન્ય છે યોગિનીના જીવનને. ધન્ય છે એનાં માતા-પિતાને !
‘મારી એક વિનંતિ છે’ રાજા બોલ્યો,
‘કહી’