________________
વાસ્તવિક રુચિ છે. આપણા ચારિત્ર્યને અને આપણી રુચિને માપવા માટેના આ બે શ્રેષ્ઠ માપદંડો છે. કદાચ દુ:ખ સાથે કહેવું પડે એમ છે કે કોઈની ય નજર ન હોય આપણાં પર ત્યારે આપણે લગભગ સારું કરતા નથી અને અન્યોની નજર હેઠળ આપણે જ્યારે સારું કરીએ પણ છીએ ત્યારે ય સારું વિચારતા નથી. આપણું આ દંભી વર્તન અને ગલતની રુચિ આપણને સાચા અર્થમાં ‘સારા' ન જ બનવા દેતી હોય તો એમાં આશ્ચર્ય ક્યાં છે ?
અહીં રાજવી માનતુંગ એ જાણવા માગે છે કે હું મને તો સફળ રાજવી માનું જ છું પરંતુ નગરના પ્રજાજનો મને સારો રાજવી માને છે કે નહીં? એ જાણવા માટે હું ઓળખાઈ ન જાઉં એ રીતે નગરજનો વચ્ચે ફરવું જ રહ્યું.
રાત પડી. એક પ્રહર વ્યતીત થયો ત્યારે હાથમાં ખડ્ઝ લઈને નીલ વસ્ત્રો પરિધાન કરીને પ્રફુલ્લ મુખમુદ્રા સાથે પ્રશાંત બુદ્ધિવાળો રાજવી માનતુંગ નીકળી પડ્યો ખુદના જ નગરમાં, પોતે એકલો જ છે. સાથે સૈન્ય પણ નથી તો સેનાધિપતિ પણ નથી, મંત્રી પણ નથી કે કોટવાળ પણ નથી.
ટુડિયોમાં ફોટો પડાવવા જવાની વાત આવે છે ત્યારે રાજી રાજી થઈ જતો માણસ, હૉસ્પિટલમાં જ્યારે ઍક્સ-રે પડાવવા જવાની વાત આવે છે ત્યારે પળભર તો થથરી જાય છે. પોતાની હાજરીમાં સહુ પોતાની પ્રશંસા જ કરતા હોય ત્યારે, પોતાની અનુપસ્થિતિમાં સહુ પોતાને માટે કેવો અભિપ્રાય ધરાવી રહ્યા છે એ જાણવા માટે અજાણ્યા બનીને સહુની વચ્ચે નીકળી જવું એ કાંઈ બચ્ચાંના ખેલ નથી.
પણ, માનતુંગ પાસે ૩૬ની છાતી છે. એને જાણી જ લેવું છે કે પ્રજાજનોના મનમાં પોતાની છબી કેવી છે? સારી ? કે પછી ખરાબ?
નગરની જુદી જુદી ગલીઓમાં ટોળે વળીને ઊભેલા યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધો વચ્ચેથી એ પસાર થઈ રહ્યો છે. એ સહુ વચ્ચે થઈ રહેલ વાતચીતના શબ્દો એના કાને પડી રહ્યા છે. ‘આપણા રાજવીની તો વાત જ શી કરવી ? સત્યપણામાં જો એ હરિશ્ચંદ્ર જેવો છે તો બળમાં એ ભીમ જેવો છે. ચોરીની અહીં કોઈ સમસ્યા નથી તો વ્યભિચાર તો અહીં સ્વપ્નનો વિષય પણ બનતો નથી. રાજવી માનતુંગને કલેશ સ્પર્શતો નથી તો કંકાસ એને ગમતો નથી. પ્રભુ ! અમારા રાજાને તું તંદુરસ્તીપૂર્ણ દીર્ધાયુ બાજે, એના સર્વ ઇષ્ટ મનોરથોને તું પૂર્ણ કરજે, એની યશપતાકા સર્વત્ર અને સદા ફરકતી રહે એવું તું કરજે'
આ શબ્દશ્રવણે માનતુંગની પ્રસન્નતા આસમાનને આંબી રહી છે. એની છાતી
આનંદથી ફાટફાટ થઈ રહી છે. એના શરીરના રોમેરોમ વિકસ્વર થઈ રહ્યા છે. એની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા છે. પોતાની પીઠ એને પોતાને જ થાબડવાનું મન થઈ રહ્યું છે.
વાત પણ સાચી છે ને ? પરિવારપ્રિયતા એક અલગ જ ચીજ છે અને લોકપ્રિયતા એ અલગ ચીજ છે. સમાધાનપ્રિય બન્યા વિના જો પરિવારપ્રિય બની શકાતું નથી તો સત્કાર્યસેવન વિના લોકપ્રિય બની શકાતું નથી. મન સાથે માણસ કેટકેટલાં સમાધાનો કરતો રહે છે ત્યારે તો એ પરિવારપ્રિય બની શકે છે જ્યારે સત્કાર્યોથી જીવનને કેટકેટલું મઘમઘતું માણસ બનાવતો રહે છે ત્યારે તો એ લોકપ્રિય બની શકે છે.
માનતંગુ મનમાં ને મનમાં પોતાના પરના પ્રજાજનના પ્રેમને અનુભવીને અપાર ધન્યતા અનુભવી રહ્યો છે, ‘મારા શુભને અને સુખને જ ઇચ્છતા મારા પ્રજાજનો સાચે જ ધન્યવાદને પાત્ર છે. આવું વિચારતો એ એક ગલીના નાકે પહોંચ્યો ત્યાં એણે એક કૌતુક જોયું. પાંચ કન્યાઓ ભેગી થઈને આનંદસહ ક્રીડા કરી રહી છે. તેઓની વય સમાન છે. રૂપ અદ્ભુત છે. આશયો સમાન છે. શરીર પર પીત વસ્ત્રો છે. સોળ અલંકારોથી એ સહુ શોભિત છે.
માનતુંગની નજર એ કન્યાઓ પર પડી અને એ સ્તબ્ધ થઈ ગયો. ‘આવું આકર્ષક રૂપ ? આવી એમની આનંદદાયક ક્રીડા? આવી એમના શરીર પર ડોકાતી યુવાની ? લાગે છે કે સ્વર્ગમાંથી અપ્સરાઓ અહીં નૃત્ય કરવા આવી ગઈ છે. એમના કંઠમાંથી વહેતાં ગીતો, કોયલના કંઠને ય શરમાવી રહ્યા છે. એમના પગની ચપળતા જોતા એમ લાગે છે કે હરણો એમની પાસે પાણી ભરી રહ્યા છે. વિધાતાએ આ કન્યાઓનું આવું રૂપ શું સર્યું હશે ?”
આવા જાતજાતના વિચારોમાં માનતુંગ અટવાયો છે અને એમાં એના કાને ચાર કન્યાઓનો અવાજ સંભળાયો.
માનવતી ?'
‘કેમ, શું છે ?' ‘અભિમાન છોડીને હવે તું ક્રીડા માટે તૈયાર થઈ જા.' ‘ઉજાગરાઓ કરીને ક્રીડા કરવાની જરૂર શી છે?” ‘માનવતી ! આ વયમાં પણ તું ક્રીડામાં જો આટલી બધી ઉદાસીન છે તો મોટી વયમાં