________________
‘હા. મને એટલી ખબર જરૂર છે કે આપની પુત્રી સાથે રાજાએ છળકપટથી જ લગ્ન કર્યા છે. અને લગ્નના પ્રથમ દિવસથી જ આપની પુત્રીને એણે તજી દીધી છે.’
દીકરીના બાપ માટે આથી વધુ દુઃખદ સમાચાર બીજા કયા હોઈ શકે ? દીકરીને સુખમાં મહાલતી કરવા જે બાપે એને સાસરે મોકલી હોય છે એ સાસરિયામાં જ દીકરી વધુ દુઃખોનો શિકાર બની રહી છે એ સમાચાર દીકરીના બાપને દુઃખી દુઃખી ન કરી નાખે તો જ આશ્ચર્ય !
અલબત્ત, જેની પણ નજર શરીર અને મનના સુખ પર જ અટકી ગઈ છે એને આ સંસારમાં સુખનો અનુભવ થઈ જવો હજી કદાચ શક્ય છે પરંતુ સુખનો અનુભવ સતત થતો રહેવો એ તો સર્વથા અશક્યપ્રાયઃ છે. કારણ ? શરીર સતત જીર્ણ થતું રહે છે તો મન સતત પોતાની પસંદગી બદલતું રહે છે. જે મકાનની કાંકરી સતત ખરી રહી હોય એ મકાનમાં રહેવું જો સુખદાયક બની રહે તો જ સતત મોત તરફ ધકેલાઈ રહેતા શરીરના આધારે આત્મા સુખનો અનુભવ કરી શકે. પળે પળે વચન બદલતા ઘરાક સાથે માલનો સોદો કરવામાં વેપારીને જો સફળતા મળે તો જ પળે પળે રુચિ બદલતા મનના માધ્યમે આત્મા પ્રસન્નતાનો અનુભવ કરી શકે.
જમાઈ તરીકે રાજા મળવા બદલ જે ધનદત્તને આનંદનો પાર નહોતો, એ જ ધનદત્ત અત્યારે રાજા જેવો કપટી જમાઈ મળવા બદલ દુઃખી દુઃખી છે. પતિ તરીકે રાજા મળવા બદલ જે માનવતી પ્રસન્નતાના આસમાનમાં ઊડી રહી હતી, એ જ માનવતી અત્યારે રાજા જેવો તુચ્છ પ્રકૃતિનો પતિ મળવા બદલ ઉદ્વિગ્નતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. હા. અત્યારે કોઈ એક જ વ્યક્તિ પ્રસન્નતા અનુભવી રહી હોય તો એ છે રાજવી માનતુંગ. એને એમ લાગી રહ્યું છે કે અભિમાનના શિખરે આરૂઢ થઈ ગયેલ માનવતીને લાચારીની તળેટી પર લાવી દેવામાં મને ગજબનાક સફળતા મળી ગઈ છે. પણ, માનતુંગની આ પ્રસન્નતા પણ ક્યાં સુધી ટકી રહેશે એની તો એને ખુદને પણ ક્યાં ખબર છે?
ધનદત્તના હાથમાં માનવતીનો કાગળ હજી એમનો એમ છે. સાસરિયામાં પોતે કેવાં દુ:ખો વેઠી રહી છે એની દીકરીએ ખુદે પત્રમાં લખેલ દાસ્તાન વાંચતા વાંચતા એની આંખોમાંથી ટપકી પડેલ આંસુઓના કારણે એ પૂરો પત્ર વાંચી શક્યો નહોતો. ધોતિયાના છેડાથી આંસુ લૂછીને એણે પત્ર આગળ વાંચવાનો ચાલુ કર્યો.
‘પિતાજી, મારી આપને એક ભારપૂર્વકની વિનંતિ છે. આપ આપણાં ઘરથી માંડીને અહીં સુધીનું એક ગુપ્ત ભોંયરું વિશ્વાસુ માણસો પાસે તૈયાર કરાવી દો. એક વખત એ
૩૭
તૈયાર થઈ જાય પછી હું આપની પાસે રૂબરૂ આવીને બધી જ આપવીતી જણાવીશ. આપને ય ખ્યાલ આવી જશે કે આપના આ જમાઈરાજે મારી સાથે કેવો કનિષ્ઠતમ કે વ્યવહાર આચર્યો છે !
અલબત્ત, ભોંયરું બનાવી દેવાનું આ કાર્ય ભારે જોખમી છે. ભૂલેચૂકે એની જાણ જો કોઈને ય થઈ ગઈ અને એ વાત માનતુંગ સુધી પહોંચી ગઈ તો ન તો આપ સલામત રહો કે ન તો હું સલામત રહું. માટે અત્યંત ભારપૂર્વકની મારી આપને ભલામણ છે કે અતિ વિશ્વાસુ માણસોને જ ભોંયરું બનાવવાનું આ કાર્ય સોંપજો.'
બંધન કોઈને ય ક્યાંગમે છે ? કેદી ઇચ્છે છે, જેલમાંથી હું ક્યારે છૂટું ? સિંહ ઇચ્છે છે, પિંજરમાંથી મારો છુટકારો ક્યારે થાય ? ગુલામ ઇચ્છે છે, માલિકની સરમુખત્યારીથી મને ક્યારે મુક્તિ મળે ? કબૂતર ઇચ્છે છે, ગળે બંધાયેલ આ પટ્ટો ક્યારે છૂટે ? બળદ ઇચ્છે છે, દોરડાના બંધનમાંથી ક્યારે હું છૂટું ? સાધક ઇચ્છે છે, કર્મોના અને કુસંસ્કારોના બંધનમાંથી મને કાયમી મુક્તિ ક્યારે મળે ? પણ, જોખમ ઉઠાવ્યા વિના કોઈ પણ ક્ષેત્રની કેદમાંથી ક્યાં છુટકારો મળી શકે છે ?
માનવતીને એકસ્તંભવાળા મહેલમાંથી છુટકારો અપાવવા ધનદત્તે જે પણ જોખમ ઉઠાવવું પડે એ ઉઠાવવાનો દૃઢ નિર્ધાર કરી લીધો છે. રાજા પાસે જો સત્તાની તાકાત છે તો મારી પાસે સંપત્તિની તાકાત છે. રાજા પાસે જો ધારદાર શસ્ત્રો છે તો મારી પાસે ધારદાર બુદ્ધિ છે. સંપત્તિ અને બુદ્ધિના જોરે રાજાની સત્તાને અને શસ્ત્રોને હું પાણી ન પીવડાવી દઉં તો મારું નામ ધનદત્ત નહીં.
ધનદત્તે મનમાં ને મનમાં આ દૃઢ નિર્ણય કરી લીધો અને માનવતી પર પત્ર લખી દીધો કે ‘કેદનો અંધકાર તારા માટે હવે સમયનો જ પ્રશ્ન છે. તું હવે સર્વથા નિશ્ચિંત થઈ જજે. માનતુંગને ય ખ્યાલ આવી જશે કે સસરો એને માથાનો મળ્યો છે' પત્ર બંધ કરીને એણે પહેરેગીરને આપી દીધો.
‘ભાઈ, આ પત્ર તું હાથોહાથ માનવતીને આપી દેજે. તારો એ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું’ આટલું બોલતા બોલતા ધનદત્તની આંખમાં આંસુ આવી ગયા. ધનદત્તની આંખના આંસુ જોઈને વૃદ્ઘ પહેરેગીર પણ ગળગળો થઈ ગયો. ‘શેઠ, આપ જરાય ચિંતા ન કરશો. આપે મને પત્ર આપ્યો છે એટલે સમજી જ લો કે આ પત્ર માનવતીના હાથમાં પહોંચી જ ગયો છે’ આટલું કહી વૃદ્ધ પહેરેગીરે ત્યાંથી ચાલતી પકડી.
વૃદ્ધ પહેરેગીરના આગમનની માનવતી રાહ તો જોતી જ હતી પણ એના મનમાં
૩.