________________
એને અણસાર તો આવી ગયો છતાં અત્યારે એ આવેશમાં છે. રાજાની સમક્ષ લાચારી દેખાડવા એ હરગિજ તૈયાર નથી. ‘હું દુઃખી થઈ જવા તૈયાર છું પણ ઝૂકી જવાની તો મારી કોઈ જ તૈયારી નથી.' આવા દૃઢ નિર્ણય સાથે ચહેરા પરના હાવભાવને સ્થિર રાખીને એ પોતાની જગા પર સ્થિર બેઠી રહી છે.
‘રાજન ! એક સ્તંભવાળો મહેલ ખૂલી પણ ગયો છે અને આપની આજ્ઞા મુજબ એમાં ખાવા-પીવાની સામગ્રી પર્યાપ્ત માત્રામાં ભરી દીધી છે' મંત્રી સુબુદ્ધિએ રાજા પાસે આવીને આ જાણકારી આપી. મંત્રીના ત્યાંથી નીકળી ગયા બાદ માનતુંગ માનવતીની નજીક આવ્યો.
‘માનવતી !’
‘બોલો. જે પણ કહેવું હોય તે કહી દો'
‘તારે એ એક સ્તંભવાળા મહેલમાં જ હંમેશાં રહેવાનું છે. તારી ખબર મેળવવા હું એક વર્ષે ત્યાં આવીશ. તારી તમામ ચતુરાઈને કામે લગાડી દેજે અને તું જે કાંઈ બોલી છે એને ચરિતાર્થ કરી દેખાડજે' આટલું કહીને માનતુંગ ત્યાંથી નીકળી ગયો.
મહેલ એક સ્તંભવાળો.
એમાં માનવતી એકલી.
મહેલને લોખંડી તાળું .
મહેલ ફરતે સંખ્યાબંધ સૈનિકો.
બે વ્યક્તિ વચ્ચેના વિરાટ અંતરને તો પહોંચી વળાય પણ બે વ્યક્તિ વચ્ચે ઊભી થઈ જતી અહંની દીવાલને તો શું પહોંચાય ? જેણે પણ આ દીવાલ ઊભી કરી અને ટકાવી રાખી એ પ્રભુની કરુણાથી, ઉપકારીઓના પ્રેમથી અને સ્વજનોના સ્નેહથી પોતાની જાતે જ દૂર થઈ ગયો ! આટલી ખતરનાક છે આ અહંની દીવાલ અને છતાં કોણ જાણે કેમ, એની કાંકરી પણ ન ખરી જાય એ માટે માણસ જાનની બાજી લગાવીને બેઠો છે ! વાંચી છે ને આ પંક્તિઓ ?
‘જિંદગી ત્રણ અક્ષરનું નામ છે
એમાં પ્રેમના અઢી અક્ષર;
એ બંનેનો મેળ થઈ જાય
તો નહીં યુદ્ધ, નહીં લશ્કર.' કાશ ! માનતુંગ અને માનવતી પાસે આ સમજણ હોત !
૩૧
‘પણ તું કરે છે શું ?’
‘કેમ, તમે આંધળા છો ? દેખાતું નથી ?' ‘દેખાય છે ને !'
‘બસ, તો જોઈ લો. હું કાગળ લખું છું' ગાંડાની હૉસ્પિટલની મુલાકાતે ગયેલા ચર્ચિલે એક ગાંડાને જ્યારે આ પ્રશ્નો પૂછ્યા ત્યારે એણે આ જવાબો આપ્યા. ‘કાગળ કોને લખે છે ?’
‘મને’
‘તને પોતાને ?' ‘હા
‘કાગળમાં શું લખ્યું છે ?’
‘તમારામાં અક્કલનો છાંટો છે કે નહીં ?' ‘કેમ, શું થયું ?’
‘હજી તો હું કાગળ લખું છું. એને પૂરો કર્યા બાદ
કવરમાં પૅક કરીશ, પોસ્ટમાં રવાના કરીશ.
એ કાગળ મારા હાથમાં આવશે.
એને હું વાંચીશ ત્યારે મને ખ્યાલમાં આવશે કે
મેં એ કાગળમાં શું લખ્યું છે ?’ ચર્ચિલને ગાંડાએ જવાબ આપ્યો.
હા. આ સંસારમાં આ જ તો બને છે. ચાહે તમારા પર દુઃખો તૂટી પડે છે કે સુખોનો વરસાદ વરસે છે, ચાહે તમે સર્વત્ર અપમાનિત થઈ રહ્યા છો કે ઠેર ઠેર તમને સન્માન મળી રહ્યા છે, ચાહે દુશ્મન પણ તમારી પ્રશંસા કરે છે કે સગો દીકરો પણ તમને બદનામ કરે છે, ચાહે વગર પુરુષાર્થે તમે કરોડપતિ બની જાઓ કે પછી ભરપૂર પુરુષાર્થેય તમે ભિખારી જ બન્યા રહો છો. એ બધું ય તમારું જ વાવેલું તમને મળી રહ્યું છે. તમારો જ લખેલો પત્ર તમે વાંચી રહ્યા છો. તમે જ આમંત્રણ આપેલું તમારા જીવન આંગણે આવીને ઊભું છે. માનવતી અત્યારે આવા જ વિચારોમાં દિવસો પસાર કરી રહી છે. ‘નક્કી
૩૨