________________
૧૬
સેવા-પરોપકાર
સેવા-પરોપકાર
- ૧૫ સુરતમાં અમે એક ગામમાં ગયા’તા. એક જણ કહે છે, “મારે સમાજસેવા કરવી છે.” મેં કહ્યું, “શું સમાજસેવા તું કરીશ ?” ત્યારે કહે છે, આમ શેઠિયાઓ પાસેથી લાવીને લોકોને આપું છું.’ મેં કહ્યું, ‘આપ્યા પછી તપાસ કરું છું કે શેમાં વાપરે છે એ ?” ત્યારે કહે, “એ આપણે જોવાની શી જરૂર ?” પછી એને સમજ પડી કે, ‘ભઈ, હું તને રસ્તો દેખાડું એ રીતે કર. શેઠિયાઓ પાસેથી પૈસા લાવું, તે એને સો રૂપિયાની લારી લઈ આપજે. પેલી હાથલારી આવે છે ને, ટાયરની હોય છે, તે સો-દોઢસો કે બસ્સો રૂપિયાની એની લારી લઈ આપજે અને એક પચાસ રૂપિયા બીજા આપજે ને કહેજે, તારે શાકભાજી લાવી અને વેચીને, મને મૂડી સાંજે રોજ પાછી આપી દેવી. નફો તારો અને લારી પેટે આટલા પૈસા રોજ આપવા.” ત્યારે કહે, ‘બહુ ગયું, બહુ ગમ્યું. આ તમે ફરી સુરત આવતાં પહેલાં તો સો-પચાસેક માણસ ભેગાં કરી નાખીશ.' ત્યારે આવું કંઈ કરો ને, અત્યારે લારીઓ-બારીઓ લઈ આપો. આ બધા ગરીબોને, એને કંઈ મોટા ધંધા કરવાની જરૂર છે ? એક લારી લઈ આપો, તો સાંજે વીસ રૂપિયા ઊભા કરી દે, તમને કેમ લાગે છે ? એને આવું આપીએ તો આપણે પાકા જૈન ખરા કે નહીં ? એવું છે ને, અગરબત્તીય બળતાં બળતાં સુગંધી આપીને બળે છે, નહીં ? આખો રૂમ સુગંધીવાળો કરી જાય ને ? તો આપણાથી સુગંધી જ ના થાય ?
આવું કેમ હોય આપણને ? હું તો પચ્ચીસ-ત્રીસ વર્ષની ઉંમરે પણ અહંકાર કરતો'તો ને તેય વિચિત્ર પ્રકારનો અહંકાર કરતો. આ ભઈ મને મળ્યા અને જો એમને મારાથી લાભ ના થાય તો મારું મળવું ખોટું હતું. એટલે દરેક માણસ મારી પાસે લાભ પામેલો. હું મળ્યો ને જો એમને લાભ ન થાય તો કામનું શું ? આંબો શું કહે છે કે મને ભેગા થયો ને કેરીની સીઝન હોય અને જો સામાને લાભ ના થાય તો હું આંબો જ નહીં. ભલે નાની હોય તો નાની, તને ઠીક લાગે છે, તને એનો લાભ તો થાય ને ! એ આંબો કંઈ લાભ ઉઠાવતો નથી. એવા કંઈ વિચાર તો હોવા જોઈએ ને આમ. આ આવું મનુષ્યપણું કેમ હોવું જોઈએ ? આવું સમજાવે તો બધાં ડાહ્યા છે પાછાં. આ તો ગેડ પડી ગઈ, પેલાએ આમ કર્યું, ચાલ્યું બધું ગાડું. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, આપ વાત કરો છો, આવી મહાજનની સંસ્થા દરેક ઠેકાણે હતી.
દાદાશ્રી : પણ અત્યારે એય મુશ્કેલીમાં મૂકાયાને ! એટલે કોઈનો દોષ નથી. હવે બનવાનું તે બની ગયું, પણ હવે જો આવું વિચારોથી સુધારે તો હજુ સુધરી શકે એમ છે અને બગડેલું સુધારવું, એનું નામ જ ધર્મ કહેવાય. સુધરેલાને તો સુધારવા તૈયાર હોય જ બધાય પણ બગડ્યું તે સુધારવું, એનું નામ ધર્મ કહેવાય.
માનવસેવા એ પ્રભુસેવા ?! પ્રશ્નકર્તા : માનવસેવા એ તો પ્રભુસેવા છે ને !
દાદાશ્રી : નહીં, પ્રભુસેવા નહીં. બીજાની સેવા ક્યારે કરે છે ? પોતાને મહીં દુઃખ થાય છે. તમને કોઈ પણ માણસ ઉપર દયા આવે એટલે એની સ્થિતિ જોઈને તમને અંદર દુઃખ થાય અને એ દુ:ખ મટાડવા માટે તમે આ બધું સેવા કરો છો. એટલે આ બધું પોતાનું દુ:ખ મટાડવા માટે છે. એક માણસને દયા બહુ આવે છે. તે કહે છે કે, “મેં દયાને લઈને આ લોકોને મેં આમ આપી દીધું ને તેમ આપી...’ ના, અલ્યા, તારા દુ:ખને મટાડવા માટે આ લોકોને તું આપે છે. તમને સમજાય વાત આ ? બહુ ઊંડી વાત છે. આ, છીછરી વાત નથી આ. પોતાના દુઃખને મટાડવા માટે આપે છે. પણ એ વસ્તુ સારી છે. કો'કને આપશો તો તમે પામશો ફરી.
પ્રશ્નકર્તા : પણ જનતા જનાર્દનની સેવા એ જ ભગવત્ સેવા છે કે પછી અમૂર્તને મૂર્ત સ્વરૂપ આપી પૂજા કરવી એ ?
દાદાશ્રી : જનતા જનાર્દનની સેવા કરવાથી આપણને સંસારમાં બધાં સુખો મળી આવે, ભૌતિકસુખો અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મોક્ષ તરફ જાય. પણ તે દરેક અવતારમાં એવું થાય નહીં. કો'ક જ અવતારમાં સંજોગો મળી જાય. બાકી દરેક અવતારમાં થાય નહીં એટલે એ સિદ્ધાંતરૂપ નથી.