________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
ચંદુભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને ‘હે ચંદુભાઈ, મન, વચન, કાયાનો યોગ, દ્રવ્યધર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! ચંદુભાઈના શુદ્ધાત્મા ભગવાન ! આ ચંદુભાઈની માફી માગ માગ કરું છું તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોટું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય.
અમે કેટલું ધોયેલું ત્યારે ચોપડો છૂટેલો. અમે કેટલાંય કાળથી ધોતા આવેલા ત્યારે ચોપડો છૂટ્યો. તમને તો મેં રસ્તો દેખાડ્યો. એટલે જલદી છૂટી જાય. અમે તો કેટલાંક કાળથી જાતે ધોતા આવ્યા હતા.
આપણે તો પ્રતિક્રમણ કરી લેવું. એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો ‘એટેક' કરતા હતા ને ! પણ પછી બધા થાકી ગયા. આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે. આ જગત કોઈને ય મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય.
કોઈને ય માટે અતિક્રમણ થયાં હોય તો, આખો દહાડો તેના નામનાં પ્રતિક્રમણ કરવાં પડે, તો જ પોતે છૂટે. જો બન્નેય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છૂટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે, તો જલદી પાર આવે. પણ જો સામાવાળો ના કરે ને તારે છૂટવું જ હોય તો, દસ હજાર વખત પ્રતિક્રમણ કરવાં પડે.
પ્રશ્નકર્તા : જ્યારે આવું કંઈક રહી જાય તો મનમાં ખૂબ થયા કરે કે આ રહી ગયું.
દાદાશ્રી : એ કકળાટ નહીં રાખવાનો પછી. પછી એક દા'ડો બેસી બધાં ભેગાં પ્રતિક્રમણ કરી નાખવાનાં. જેનાં જેનાં હોય, ઓળખાણવાળાનાં, જેની જોડે વધારે અતિક્રમણ થતું હોય એનાં નામ દઈને એક કલાક પ્રતિક્રમણ કરી નાખ્યું તો બધું ઊડી ગયું પાછું. પણ એવો આપણે બોજો નહીં રાખવાનો.
(૩૪૮) આ અપૂર્વ વાત છે, પૂર્વે સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણી ના હોય, તેવી વાતો જાણવાને માટે આ મહેનત છે.
આપણે અહીં પ્રતિક્રમણ કરાવવા માટે બેસાડીએ છીએ તે પછી શું થાય છે ? મહીં બે કલાક પ્રતિક્રમણ કરાવડાવે છેને, કે નાનપણમાંથી તે અત્યાર સુધી બધા જે જે દોષ થયા હોય, બધાં યાદ કરી કરીને પ્રતિક્રમણ કરી નાખો, સામાના શુદ્ધાત્માને જોઈને એવું કહે. હવે નાની ઉંમરથી જ્યાંથી સમજણ શક્તિની શરૂઆત થાય, ત્યારથી જ પ્રતિક્રમણ કરવા માંડે, તે અત્યાર સુધીનું પ્રતિક્રમણ કરે. આવું પ્રતિક્રમણ કરે એના બધા દોષોનો મોટો મોટો ભાગ આવી જાય. પાછું ફરી પાછો પ્રતિક્રમણ કરે. ત્યાર ફરી નાના નાના દોષ પણ આવી જાય, પાછું ફરી પ્રતિક્રમણ કરે તો એથી ય નાના દોષો આવી જાય, આમ એ દોષોનો બધો આખો ભાગ જ ખલાસ કરી નાખે.
બે કલાકના પ્રતિક્રમણમાં આખી જિંદગીના પાછળના ચોટેલા દોષોને ધોઈ નાખવા અને ફરી ક્યારેય એવા દોષો નહીં કરું એમ નક્કી કરવું એટલે કે પ્રત્યાખ્યાન થઈ ગયું.
આ પ્રતિક્રમણ કરી તો જુઓ પછી તમારા ઘરના માણસોમાં બધામાં ચેન્જ થઈ જાય. જાદુઈ ચેન્જ થઈ જાય. જાદુઈ અસર !! (૩૪૩).
એવું છે, જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો ત્યારે એ ભૂંસાઈ જાય. રાગ-દ્વેષવાળી દરેક ચીકણી ‘ફાઈલ'ને ઉપયોગ મૂકીને, પ્રતિક્રમણ કરીને, ચોખ્ખું કરવું. રાગની ફાઈલ હોય તેનાં તો પ્રતિક્રમણ ખાસ કરવાં જોઈએ.
આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોય તો જ્યાં જ્યાં કાંકરા ખુંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો ? આ પ્રતિક્રમણ તો, જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાનાં છે. તમને જ્યાં ખૂંચે છે ત્યાંથી તમે કાઢી નાખો, ને તે એમને ખેંચે છે, ત્યાંથી એ કાઢી નાખે ! પ્રતિક્રમણ દરેક માણસનાં જુદાં જુદાં હોય !
(૩૪૭)