________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં. અને સામો મળે તો મોઢે બોલવું કે ભઈ, મારામાં અક્કલ નથી, મારી ભૂલ થઈ, એમ કહેવું, આવું બોલવાથી એના ઘા રુઝાય.
પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?
દાદાશ્રી : તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કરી કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગાં થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, ‘ભઈ, મારી તો બહુ ભૂલ થઈ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.” એટલે સામાવાળાના ઘા રુઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એનો ઘા રુઝાય.
અમને પાછલા અવતારના તરછોડનું પરિણામ દેખાય છે. તેથી તો હું કહ્યું કે, કોઈને તરછોડ ના વાગે. મજૂરને ય તરછોડ ના વાગે. અરે છેવટે સાપ થઈને ય બદલો વાળે. તરછોડ છોડે નહીં. એક પ્રતિક્રમણ બચાવે.
પ્રશ્નકર્તા : કોઈને આપણે દુઃખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત, ઠેસ વાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ?
દાદાશ્રી : આપણે એના નામનાં પ્રતિક્રમણ કર્યા કરીએ, ને એને જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવાં પડે. (૧૫૫)
એક જજ મને કહે કે, “સાહેબ’, તમે મને જ્ઞાન તો આપ્યું, અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાંતદંડની શિક્ષા કરવી કે નહીં ? ત્યારે મેં એને કહ્યું, ‘એને શું કરશો, દેહાંતદંડની શિક્ષા નહીં આપો તો ?!” એણે કહ્યું, ‘પણ મારે દોષ બેસે.” કહ્યું, ‘તમને મેં ‘ચંદુલાલ' બનાવ્યા છે કે “શુદ્ધાત્મા' બનાવ્યા છે ?” ત્યારે એ કહે, “શુદ્ધાત્મા બનાવ્યા છે. તો ચંદુલાલ કરતા હોય તેના તમે જોખમદાર નથી. અને જોખમદાર થવું હોય તો તમે ચંદુલાલ છો. તમે રાજીખુશીથી ભાગીદાર થતા હો તો અમને વાંધો નથી. પણ ભાગીદાર ના થશો. પછી મેં એને રીત બતાવી કે તમારે આ કહેવું કે, “હે ભગવાન, મારે ભાગે
આ કામ ક્યાં આવ્યું તે’ અને તેનું પ્રતિક્રમણ કરજો ને બીજું ગવર્મેન્ટના (સરકારના) કાયદા પ્રમાણે કામ કર્યું જજો. સમજ પડીને ? (૧૫૭)
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી છૂટી જવાય એવો ખ્યાલ જો આપણે રાખીએ તો બધાને સ્વચ્છંદતાનું લાયસન્સ મળી જાય લોકોને.
દાદાશ્રી : ના, એવી સમજ રાખવાની નહીં, વાત એમ જ છે. આપણે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યું એટલે આપણે છૂટા. તમારી જવાબદારીમાંથી તમે છૂટાં. પછી એ ચિંતા કરીને, માથું ફોડીને મરી ય જાય. તેનું હવે તમારે કશું લેવા-દેવા નહીં.
(૧૫૮) અમારાથી ય કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઇચ્છા ના હોય, તોય હવે એવું અમારે બનતું જ નથી પણ કોઈ માણસની આગળ થઈ જાય છે. અત્યાર સુધીમાં પંદર-વીસ વર્ષમાં બે-ત્રણ માણસોનું થયું હશે. એય નિમિત્ત હશે ત્યારેને ? અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એની પર પાછી વાડ મૂકીએ જેથી એ પડી ના જાય. જેટલો અમે ચઢાવ્યો છે ત્યાંથી એ પડે નહીં. એની વાડ. એનું બધું રક્ષણ કરીને પાછી મૂકી દઈએ.
અમે સિદ્ધાંતિક હોઈએ કે, ભાઈ, આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈનદોરીમાં આવતું હોય તો, રોડ ફેરવીએ પણ ઝાડને કશું ના થાય. અમારો સિદ્ધાંત હોય બધો. એવો કોઈને પડવા ના દઈએ. (૧૫૯)
પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માગે, આપણે માફ કરી દઈએ, ના માગે તોય આપણે મનથી માફ કરી દઈએ, પણ ઘડીયે ઘડીયે એ માણસ ભૂલ કરે તો આપણે શું કરવું ?
દાદાશ્રી : પ્રેમથી સમજાવીને, સમજાવાય એટલું સમજાવવું, બીજો કોઈ ઉપાય નથી અને આપણા હાથમાં કોઈ સત્તા નથી. આપણે માફ કર્યે જ છૂટકો છે આ જગતમાં. નહીં માફ કરો તો માર ખાઈને માફ કરશો તમે. ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી, એ ફરી ફરી ભૂલ ના કરે, એવા ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. એ ભાવ ફેરવી નાખે કે હવે ભૂલ કરવી નથી. છતાં થઈ જાય એ જુદી વસ્તુ છે.
(૧૬)