________________
૧૧૬
પ્રતિક્રમણ
(૬) રહે ફૂલ, જાય કાંટા
૧૧૫ પ્રશ્નકર્તા : આ અતિક્રમણ થયું તો એ તો બધાને ટેવ પડી ગઈ હોય પ્રતિક્રમણ કરવાની. ‘અતિક્રમણ થયું” એવો એને એક જાતનો અભિપ્રાય પડી ગયો હોય એટલે એને પોતાને લાગે કે આ અતિક્રમણ થયું છે. અને ખરેખર અતિક્રમણ ન પણ થયું હોય. એવું બને ?
દાદાશ્રી : પણ અતિક્રમણ તો તરત જ ખબર પડે. પોતાને મહીં સહેજેય એવું લાગે કે આ કડક નીકળી ગયું. એવું ખબર ના પડે ? ઊલટી કરેલી અને કોગળો કર્યો એમાં ફેર ના પડે ?
પ્રશ્નકર્તા : પડે.
દાદાશ્રી : એ બધું ખબર પડે. પોતાને કંઈ દુઃખ થાય, એટલે જાણવું કે અહીં અતિક્રમણ થયું છે.
પ્રશ્નકર્તા : બીજો એક શબ્દ આવે છે. પરાક્રમ એટલે શું ?
દાદાશ્રી : ક્રમ-અક્રમથી પર એ પરાક્રમ. હમણે પ્રતિક્રમણ કરને ? પરાક્રમ આવે ત્યારે સાચું. સ્ટેશન બહુ મોટું છે. તે લાંબું હોય, અત્યારે તો રાહ જોઈએ તે ઊલટું આ રહી જાય, અક્રમ રહી જાય.
પ્રતિક્રમણ કરને, હજુ તો આક્રમણનું પાછું પ્રતિક્રમણ કરવું પડે છે, ત્યાં સુધી પરાક્રમ શી રીતે થાય છે ?
પ્રશ્નકર્તા : પરાક્રમની જરૂર આક્રમણની સામે છેને ?
દાદાશ્રી : આક્રમણની સામે તો પ્રતિક્રમણ કરવાં. પરાક્રમ તો બન્નેથી પર, ક્રમ-અક્રમથી, બન્નેથી પર. એ પરાક્રમ શબ્દ, ક્યાંથી ચોરી લાવ્યો તું?
પ્રશ્નકર્તા : આપ્તવાણી છઠ્ઠીનું વાંચન કર્યુંને !
દાદાશ્રી : એમ ! આપણી પાસે પ્રતિક્રમણનું ઘણું સારું સાધન છે. આડાઈ કરીએ એટલે પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણનું બહુ બળ છે. તમે પ્રતિક્રમણનું લશ્કર ના મોકલો ને ? નહીં તો પ્રતિક્રમણનું લશ્કર મોકલો તો એ જીતે જ ! લશ્કર જીતે કે ના જીતે ?
પ્રકૃતિ ક્રમણથી થઈ, અતિક્રમણથી ફેલાણી પ્રશ્નકર્તા: આ પ્રતિક્રમણ બધી રીતે મુખ્ય છે ને આમ તો ? કારણ કે જો સમજણ પડે કે ના પડે, ભૂલ દેખાતી હોય કે ના દેખાતી હોય, કંઈ આવડતું હોય કે ના આવડતું હોય, બધામાં પ્રતિક્રમણથી ઉકેલ એની મેળે આવતો જાય ને !
દાદાશ્રી : અતિક્રમણથી આ બધું ઊભું થયું છે, અને અહીંથી પોતાના દેશમાં જવું હોય, તો પ્રતિક્રમણ કરો. સહેલી વાત કે ? સહેલું છે કે અઘરું ?
પ્રશ્નકર્તા : બહુ સહેલું છે.
દાદાશ્રી : અતિક્રમણથી ઊભું થયું છે. આ અને પ્રતિક્રમણથી બંધ થઈ જશે.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ આખી અતિક્રમણથી ઊભી થઈ છે ને ?
દાદાશ્રી : પ્રકૃતિ ક્રમણથી ઊભી થઈ છે, પણ અતિક્રમણથી ફેલાય છે, ડાળ-બાળાં બધુંય.
પ્રશ્નકર્તા : અતિક્રમણથી આખી પ્રકૃતિ ફેલાય છે.
દાદાશ્રી : અને પેલું પ્રતિક્રમણથી બધું ફેલાયેલું ઓછું થઈ જાય, એટલે એને ભાન આવે.
પ્રશ્નકર્તા : અતિક્રમણથી પ્રકૃતિ ફેલાય, પછી આગળ આક્રમણ કહો છો ને ? આક્રમણથી શું થાય ? અતિક્રમણ અને આક્રમણ, એટેકથી ?
દાદાશ્રી : એ જ અતિક્રમણ ને ? પ્રશ્નકર્તા ઃ અતિક્રમણથી પણ ભારે થયું ને ?
દાદાશ્રી : ના, એ જ આ બધું. નાનું આક્રમણ ને મોટું આક્રમણ, બધું આક્રમણમાં જ સમાય અને એનું નામ જ અતિક્રમણ.