________________
નથી ઘટ્યો એકુય દોષ, આખી જિંદગી કર્યા તોય; પોપટની પેઠે પ્રતિક્રમણ, આ માર્ગ મહાવીરનો ન હોય !
પ્રતિક્રમણની ભાષા માધિ, કાળો અક્ષર ભેંસ બરાબર; ન સમજે સાધુ કે શ્રાવક, ‘મેં કર્યું’ કહી વધારે અહંકાર !
મહાવીરના શિષ્યો વાંકા-જડ, થશે વિના એક અપવાદ; ક્રિયાને માને છે આત્મા, કરૂં ક્યાં કને ફરિયાદ ? વચલાં બાવીસ તીર્થંકરોના, શિષ્યો કેવાં વિચક્ષણ; ક્ષણે ક્ષણે વર્તી જાગૃત, દોષ થતાં કરે પ્રતિક્રમણ !
કરે દરરોજ પડકમણું, અર્થ પૂછે તો જાણે નહીં; સંવત્સરી એક પ્રતિક્રમણે, વર્ષના પાપ ધોવાય નહીં !
વરસ આખાનાં પાપ પર્યુષણે, જોતાં દોષો હૃદય ભરાય; મરવા જેવું તે 'દિ લાગે, કેવાં દુભવ્યાં, લોકને હાય !
એવા ભાવો થયાં કદિ ? ઊલટાં, ફક્કડ કપડાં પહેરી; પરણવા નીકળ્યાં પર્યુષણે, દેહ દાગીનાથી શણગારી ! મિચ્છામિ દુક્કડ્સ કરે ગમતાને, ના ગમતા કને નહીં જાય; લીધી આબરુ વીતરાગની, મહાવીર ધર્મ આ ન હોય !
સાચા વીતરાગ ધર્મમાં, પાંચસો પ્રતિક્રમણ કરે; ‘દેખો ત્યાંથી ઠાર’ની રીતે, પસ્તાવો દિનરાત કરે ! શાસન તો છે મહાવીરનું, ‘જ્ઞાની' તો શાસન શણગાર; ક્રમિક રૂંધાયો કળિકાળે, ‘અમ’ થકી ‘અક્રમ’ ખૂલ્યા મોક્ષદ્વાર !
રોકડું વણાયું પ્રતિક્રમણ જ્યાં, રૌદ્ર-આર્ત ધ્યાન મીટે ત્યાં; ‘ભગવત્ પદ’ પ્રાપ્ત સહજમાં, અક્રમજ્ઞાની પ્રગટે ત્યાં !
પ્રતિક્રમણ ફળે હેતુ મુજબ, પુણ્ય યા મુક્તિ સંસાર; છે અજ્ઞાન કે જ્ઞાન દશામાં, ફળનો એ તો મૂળ આધાર !
14
આત્મજ્ઞાન એ મોક્ષમાર્ગ છે, નહીં કે માત્ર પ્રતિક્રમણ; સ્વભાન પછીનાં પ્રતિક્રમણ, મંડાવે મોક્ષે પગરણ ! દર્શનમોહ વ્યતિત થયે, અટકે કર્મનો બંધ; દર્શનમોહ છે ત્યાં લગી, પ્રતિક્રમણ તોય ગજ-સ્થાનવત્ !
પ્રતિક્રમણ કરવાનું કહ્યું, ‘શૂટ ઑન સાઈટ’ લગાવજે; તે ના થયું તો આવ્યું પછી, રાયશી-દેવશી ફટકારજે !
તે નહીં તો કર પાક્ષિક, પાક્ષિક નહીં તો ચારમાસી; કંઈ નહીં તો સંવત્સરી, અંતે મા નહીં તો માસી !
માસી પણ સગી ના મળી, ભાડુતી જ્યમ કળિકાળે; ક્યાંથી મોક્ષ ? ક્યાંથી ધર્મ ? વસ્યાં ખાલી ‘ઉપલે માળે' !
કરનાર કે કરાવનાર, યથાર્થ ખપે પ્રતિક્રમણે; શબ્દોના શૃંગાર સજ્યા, ભાવ ભૂલ્યા અણસમજણે !
ડગલે પગલે અતિક્રમણ, છતાં ઉપાય છે પ્રતિક્રમણ; પણ ચોરી-લાંચ ના ચાલે, અહીં તો છે વીતરાગ ચલણ !
પ્રતિક્રમણો કરો છો મડદાંના, જીવતાંના કદિ નથી કર્યા; સાચાં તો છે ભાવ પ્રતિક્રમણ, ક્રિયાથી તો ખોટાં નર્યા !
એવાનું ફળ નહીં યથાર્થ, મિથ્યા કિંમત આંકી ફર્યા; માની કમાણી આત્માની, જીત્યા નહીં આ તો હાર્યા !
શબ્દે શબ્દે બોલી જવું, એ છે દ્રવ્ય પ્રતિક્રમણ; ભાવમાં ‘આ ન હોવું ઘટે,' એ છે ભાવ પ્રતિક્રમણ !
‘સંવત્સરી’ ન હોય મહાવીરનું, જો ન તોડી દોષ જંજીરને; વાંઝીયા પ્રતિક્રમણો કરી, વોવ્યા વીર મહાવીરને !
માફ કરજો વાંચકો, હવે હૃદય જાય ભરાઈ; કરું એનું અહીં પ્રતિક્રમણ, કડક વાણી જે લખાઈ !
15