________________
(૩) નહોય “એ” પ્રતિક્રમણ મહાવીરનાં !
પ૯
પ્રતિક્રમણ
દાદાશ્રી : હા, પણ દ્રવ્ય એકલું જ થાય છે, ભાવ નથી હોતો. કારણ કે દુષમકાળના જીવોને ભાવ રાખવો એ બહુ મુશ્કેલ વસ્તુ છે. એ જ્ઞાની પુરુષની કૃપા હોય અને ઉપર હાથ મૂકે ત્યાર પછી ભાવ ઉત્પન્ન થાય. નહીં તો ભાવ ઉત્પન્ન થાય નહીં.
પ્રશ્નકર્તા : દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ એટલે શું એ જરા સમજાવો.
દાદાશ્રી : ભાવથી બોલવું કે આવું ન હોવું જોઈએ. ભાવ એવો રાખવો કે આવું ન હોવું જોઈએ, એ ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. અને પેલું દ્રવ્યથી તો આખું બધું શબ્દ શબ્દ બોલવો પડે. જેટલા શબ્દ લખેલા હોય છે ને, એ બધા આપણે બોલવા પડે, એ દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય.
સાચું પ્રતિક્રમણ કર્યું ? ભગવાને કહ્યું'તું કે આ પ્રતિક્રમણની ભાષા જો સમજણ પડે તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજો. ભગવાને આમાં હાથ ઘાલ્યો નથી. પણ જો ના સમજણ પડે તો એની જે ભાષા સમજતો હોય તો એ ભાષામાં પ્રતિક્રમણ સમજાવજો.
પ્રશ્નકર્તા: મહાવીર સ્વામીના એમાં એવું આવે છે કે તું છેવટે સંવત્સરી પ્રતિક્રમણ કરીશ તોય વાંધો નહીં આવે.
દાદાશ્રી : ના, એવું કશું કહ્યું નથી. અને ત્યાં આ પ્રતિક્રમણ હતું જ નહીં. ભગવાન મહાવીરના વખતમાં આવું પ્રતિક્રમણ હતું જ નહીં. આ પ્રતિક્રમણો મહાવીર ભગવાનના ગયા પછી શરૂ થયાં છે.
અને પ્રતિક્રમણ હોવું જ જોઈએ. અને તે પ્રતિક્રમણ પોતાની ભાષામાં હોવું જોઈએ. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન વગર તો કોઈનો મોક્ષ જ નથી.
એક માણસ જમવાનું એવું શીખ્યો હોય, કે હોઈયાં, હોઈયાં, હોઈયાં કરે એટલે આપણી ભૂખ મટે ?
પ્રશ્નકર્તા : ન મટે, એ તો મહીં જાય ત્યારે મટે.
દાદાશ્રી : કેમ ? થાળીમાં લઈ કોળિયા ભર્યા ને આપણે, હોઈયાં કયુંને ?
પ્રશ્નકર્તા : પણ એ પેટમાં ન ગયું, એ તો બહાર ગયું.
દાદાશ્રી : તો આ પ્રતિક્રમણ તો જો આજ ભગવાન હોતને, તો આ બધાને જેલમાં પૂરી દેત. તે મૂઆ આવું કર્યું ? પ્રતિક્રમણ એટલે એક ગુનાની માફી માંગી લેવી, સાફ કરી નાખવું. એક ડાઘ પડ્યો હોય, એ ડાઘાને ધોઈને સાફ કરી નાખવો, એ હતી એવી ને એવી જગ્યા કરી નાખવી, એનું નામ પ્રતિક્રમણ. હવે તો નવું ડાઘવાળું ધોતિયું દેખાય છે.
આ તો એક દોષનું પ્રતિક્રમણ કર્યું નથી અને નર્યા દોષના ભંડાર થઈ ગયા છે.
આ નીરુબેન છે, તે શાથી એમના આચાર-વિચાર બધા ઊંચા ગયા છે ? ત્યારે કહે, રોજના પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને આ લોકોએ એક નથી કર્યું.
રાયશી-દેવશી એવું છે, પ્રતિક્રમણનો અર્થ દોષ ઘટવા. જો દોષ ઘટે નહીં તો પ્રતિક્રમણ નથી કરતા, અતિક્રમણ કરી રહ્યા છે. ઊલટું વધારે છે. એટલે એના કરતાં રાયશી-દેવશી એ બે કચ્છી ભાઈઓ સારા (!)
પ્રશ્નકર્તા: રાયશી-દેવશી કોઈ જીવ છે,’ એ તો કલ્પના છે. કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું છે.
દાદાશ્રી : પણ એ તો લોકો એમ સમજે ને કે આ રાયશી છે, આ દેવશી છે, તો આ દેવશીનો ભાઈ. તે કચ્છમાં એક જણ પ્રતિક્રમણ કરવા બેઠો. તેણે તો રાયશી પ્રતિક્રમણ કર્યું અને પેલો સાંભળે કે મારા હાળા, લોક કેટલાક દેવશીનું પ્રતિક્રમણ કરે છે, કેટલાક રાયશીનું કરે