________________
સામાયિકની પરિભાષા
૫૦૧
૫૨.
પ્રતિક્રમણ
દાદાશ્રી : સંસારમાં પણ શું ગમે છે ? અહીંથી જતું હોય તો બીજી જગ્યાએ બેસે તો ખરું જ ને પણ ? તમારું મન શેમાં બેસે છે?
મુમુક્ષુ : કામ કરતાં હોઈએ, ઘરમાં કંઈક કામકાજ હોય એમાં જતું રહે.
દાદાશ્રી : તો એ કામ કરવું આપણે. જ્યાં ધ્યાન બેસે તે કામ કરવું. જ્યાં ના બેસે એને શું કરવાનું ? મહેનત બધી નકામી જાય ને કશું વળે નહીં.
સારી રીતે સંસાર ચલાવે એ જ સામાયિક મુમુક્ષુ : આ રોજ નિશ્ચય લીધો છે કે, રોજ ક્રિયા કરવી, તો પછી એનું શું થાય ?
દાદાશ્રી : હા. પણ પોતાની સમજણની સામાયિકને ? ભગવાને કહેલી સામાયિક નહીંને ? પોતાની સમજણની સામાયિક.
મુમુક્ષુ : અમે ભગવાને કહ્યું છે એ પ્રમાણે જ કરીએ છીએ. દાદાશ્રી : એ શીશી જો જો કરે, પડી કે નહીં પડી ? મુમુક્ષુ : એ તો જુઓને, ટાઈમ પૂરો થયો કે નહીં ?
દાદાશ્રી : એવું જોવાનું ના હોય. એ તો આપણે જોઈએ ત્યારે શીશી ખલાસ થઈ ગયેલી હોય, ત્યારે જાણવું કે સામાયિક થઈ. સામાયિક મનોબળ વધે એટલા માટે છે. રોજ સામાયિક કરવાથી મનનું બળવાનપણું થાય અને આપણને પોતાની જાત ઉપર શ્રદ્ધા બેસે.
મુમુક્ષુ : એનાથી પુણ્ય વધને ?
દાદાશ્રી : હા, પુણ્ય તો વધેને. એક અડતાળીસ મિનિટ તમે મનને પોતાના કુંડાળામાં જ રાખો એટલે પુષ્ય વધે જ.
મુમુક્ષુ : પણ મન કુંડાળામાં રહેતું નથી. મન તો કંઈ ફરતું હોય છે.
દાદાશ્રી : તો એ સામાયિક પૂરી ના કહેવાય. મન જેટલું આમાં રહે એટલું સામાયિક. આ વ્યવહાર સામાયિક અને ખરું સામાયિક તો હરતાફરતા રહે.
એવું સામાયિક વ્યર્થ મુમુક્ષુ : અમે સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, ક્રિયાઓ બધી જ કરીએ છીએ પણ એમાં ધ્યાન રહેતું નથી.
દાદાશ્રી : તો શું કામની એ? એમાં ધ્યાન ના રહે તો કામનું શું એ ? ધ્યાન રહે તો કામનું ને ના ધ્યાન રહે તો કામનું નહીં. તમારું ધ્યાન શેમાં રહે છે ?
મુમુક્ષુ : સંસારમાં જતું રહે છે.
દાદાશ્રી : નકામું જાય. એ બધી મહેનત નકામી જાય. થોડી મહેનત કરો પણ કામમાં લાગે એવી કરો. અને તમે સંસારમાં સારી રીતે રહો ને !
સામાયિક કરો એમાં. સંસારમાં સામાયિક છે. છોકરાંને સારી રીતે મોટાં કરવાં, એને વઢવું નહીં, ઝઘડવું નહીં, એની જોડે ક્રોધ ના કરવો એ બધું સામાયિક જ છેને ! વળી આવી સામાયિક કરવી એ શું કામની ? તમારા છોકરાની જોડે સામાયિક કરો. ધણી જોડે સામાયિક કરો, સાસુ જોડે સામાયિક કરો, જેઠાણી જોડે સામાયિક કરો, એ બધી સામાયિક કરોને ! આ સામાયિક કરીને શું કામ છે તે ? જો મન રહેતું હોય તો સામાયિક કરેલું કામનું. મન રહે નહીં ને સામાયિક કરો તો શું કામનું?
મુમુક્ષુ : પણ આ રોજની ક્રિયા હોય એટલે રોજ ક્રિયા કર્યા જ કરીએને?
દાદાશ્રી : હા. પણ ક્રિયા કરવામાં મહીં મન ના રહેતું હોય તો પછી કરવાની શી જરૂર છે ? ચિત્ત ઠેકાણે રહેવું જોઈએને ?