________________
(૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ
૪૪૯
પ્રશ્નકર્તા : બધું ‘ડિસ્ચાર્જ' ફોર્મમાં છે તો પછી ?
દાદાશ્રી : ના, કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવાં પડે. તારી ક્રિયાથી કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવાં પડે. દુઃખ ના થતું હોય તો કશું નહીં.
પ્રશ્નકર્તા : પણ આ ચંદુભાઈ છે એ તો ‘ડિસ્ચાર્જ' જ છેને, તો પછી પ્રતિક્રમણની શી જરૂર ? એ હજુ મને સમજાતું નથી.
દાદાશ્રી : પ્રતિક્રમણેય ‘ડિસ્ચાર્જ’ છે. જોડે ‘શી જરૂર' કહે છે, તેય ‘ડિસ્ચાર્જ’ છે.
પ્રશ્નકર્તા : તો પછી એમ મનમાં થાય કે આટલાં બધાં પ્રતિક્રમણ કોણ કરે ? તો એય ‘ડિસ્ચાર્જ’ ?
દાદાશ્રી : એય ‘ડિસ્ચાર્જ’. વાંધો નહીં ઉઠાવતા. આપણે બોલીએ અને સામાને દુઃખ થાય એવું થઈ ગયું હોય તો આપણે પ્રતિક્રમણ કરવાનું. અને કહેવું કે ‘પ્રતિક્રમણ કર. આમ દુઃખ થાય એવું ના કરીશ.’
પ્રશ્નકર્તા : ચંદુભાઈ આડા થાય અને કહે, ‘મારે પ્રતિક્રમણ નથી કરવું' તો ?
દાદાશ્રી : તો વાંધો નહીં. એ ઘડીવાર પછી સારો થાય, પછી પ્રતિક્રમણ કરાવવાનું. સાંજનું મોટું પ્રતિક્રમણ કરાવવાનું. આડા થાય એટલે કહીએ, ‘સૂઈ જા.'
'સોરી' એ પ્રતિક્રમણ કહેવાય ?
પ્રશ્નકર્તા ઃ અહીં અમેરિકામાં અજાણતાં પણ ભૂલ થઈ ગઈ હોય તો તરત ‘સોરી’ કહી દે છે, તો એ ‘સોરી’ પ્રતિક્રમણ જેવું કહેવાય ?
દાદાશ્રી : એ ‘સોરી’ એ પ્રતિક્રમણ નથી. પણ એ વસ્તુ ‘સારી છે’. એ પ્રતિક્રમણ નથી પણ ‘સોરી’ કહેવાથી સારું છે કે પેલાને મનમાં એટેકીંગ (આક્રમક) ભાવ ના આવે. એટેકીંગ ભાવ આવતો હોય તે
પ્રતિક્રમણ
બંધ થઈ જાય. એટલે લોકોના શીખવાડવાથી ‘સોરી’ શીખી ગયો હોય તોય ઘણું સારું. પણ પ્રતિક્રમણ જેવું તો એકુંય નહીં.
૪૫૦
પ્રશ્નકર્તા : આપણે અકર્તા છીએ તો પછી આ અતિક્રમણ કરે કે પ્રતિક્રમણ કરે જે કરે તે, આપણે શું ? આપણે તો જોયા કરવાનું ને ?
દાદાશ્રી : ‘આપણે’ જોયા કરો. અતિક્રમણ કોણ કરે છે એને પ્રતિક્રમણ કરવાનું કહેવાનું કે “ભઈ, અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ ના કર્યું હોત તો અમે તને કહેવાના ન
હતા.’
પ્રશ્નકર્તા : શું આપણે પ્રતિક્રમણ એટલા માટે કરીએ છીએ કે, આપણો આવતો ભવ ‘ઈઝી’ (સરળ) જાય, સારો જાય ?
દાદાશ્રી : ચોખ્ખું કરવા માટે. ડાઘ પડેલો હોય, તેને તરત ચોખ્ખું કરી નાખીએ છીએ. નહીં તો ફરી પાછું ધોવા આવવું પડશે. એક ડાઘ પડે એટલે ધોઈ નાખો એને. અતિક્રમણ થયું એટલે ડાઘ પડ્યો. ગમે તે કલરનો ડાઘ પડી ગયો, તેને ધોઈ નાખીને પછી આપણે બેસવું. તે ઘડીએ ચંદુભાઈ આડા થયા હોય તો સાંજે ધોઈ નાખવાનું આખુંય. પાંચ-સાત-દસ અતિક્રમણ થયાં હોય તો ભેગાં પ્રતિક્રમણ કરી, સ્વચ્છ કરી નાખવાનું.
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કર્યું એ ચોથી આજ્ઞા, સમભાવે નિકાલનો ભાગ છે?
દાદાશ્રી : સમભાવે નિકાલ ને એને લેવાદેવા નહીં ને !
ફાઈલનો નિકાલ, એ તો જુદી વસ્તુ છે.
અક્રમ માર્ગમાં પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા ઃ એક જણને પ્રતિક્રમણ ઉપર તો એટલી બધી ચીઢ કે તે અમને એમ કહે કે તમે પ્રતિક્રમણ કરો તો તમે આત્મા નથી. પ્રતિક્રમણ કર્યું એટલે આત્મા ખોઈ નાખ્યો.