________________
મનની ચંચળતા મટે, બ્રહ્મચર્યથી મન બંધાય;
યા આત્માનું જ્ઞાન થયે, મન તો શું, જગને જીતાય ! જ્ઞાનીનું વચનબળ, ને તારો દૃઢ નિશ્ચય; પરણેલાં કે કુંવારા, પાળી શકે બ્રહ્મચર્ય !
સવારમાં બોલ પાંચવાર, વિષયમાં નથી પડવું;
ઉપયોગ રૂપિયા ગણતાં, રહે તેમ આ બોલવું ! આ કાળે કર્મબંધ પડે, મનુષ્યમાંથી તિર્યંચ; પાંચમાંથી એકેન્દ્રિયમાં, હજી ચેત મોક્ષે પહોંચ !
અક્રમ જ્ઞાન મળ્યું હવે, અટકણ બધી ઉખેડી નાખ;
પળે પળ જાગૃત રહે, વિષયથી હવે તો તું થાક ! નિજ દોષ દેખાતો નથી, વિષયનો કેફ પૂરો દિ'; વિષય નડતર મહા મહા, છૂટવા ન દે કોઈ દિ' !
જોતાં આવ્યો વિષય વિચાર, શાથી રહસ્ય એ જાણ;
ભરેલો મોહ તેથી સંયોગ ભેગો થ્યો કહે છે જ્ઞાન ! ત્યારે મન પર્યાય બતાડે, ભર્યા મોહ એ પ્રમાણે; પ્રતિક્રમણ કર ફરી ફરી, વિષય ગાંઠ ઉખાડે !
મેલને ધોયા કરો, કર ખેદ લગી અંત;
ચોક્કસ ધોયે ખાલી થશે, પછી આવે સ્પષ્ટ વેદન ! વિષય બીજ પડે પછી, રૂપકે આવી અચૂક જાય; પણ જામ થયા પૂર્વે, ધો ધો કર્યો હલકું થાય !
તાવ આવે બન્નેને, તો જ દવા પીવી;
દબાણ કે યાચકપણું, એ તો જાણે ફોર્જરી ! વિષયની અટકણ એ જ, પરિભ્રમણનું કારણ; ફેરવ સુખનો અભિપ્રાય, પ્રતિક્રમણ છે મારણ !
એક પત્નીવ્રત આ કાળમાં, બ્રહ્મચર્યનું છે વરદાન;
જો પરસ્ત્રી માટે તુજ, ના બગડે કદિય મન ! સ્ત્રીનું મોં જુએ ના સાધુ, એમાં છે કોણ ગુનેગાર; તું પાક્યો કોના પેટે, પકડો ભૂલને કરો ત્યાં ઠાર !
અક્રમ જ્ઞાન સહિત, બ્રહ્મચર્યમાં થયો પાર;
રાજાઓનો રાજા થશે, જગ કરે તેને નમસ્કાર ! વિષય જીતવા જાગૃતિ, પળ પળ ખપે પ્રતિક્રમણ; સામાયિક, વ્રતની વિધિ, રાખે છે શુદ્ધ ત્રિકરણ !
અણહક્કના વિષયે, જાનવર ગતિ થાય;
આખો દિ' પ્રતિક્રમણ, દેઢ નિશ્ચયે આમાંથી છૂટાય ! લોભ-લાલચમાં લપટો, કર્યા કરે તેનાં પ્રતિક્રમણ; આજ્ઞા પાળે દઢપણે, તો જ તૂટે આ આવરણ !
દાદાની પ્રત્યેક ક્રિયા, જ્ઞાનમાં ચઢાવવા કાજ;
પ્રકૃતિ છેદીને પૂર્ણ, આત્મજ્ઞાનમાં હવે રાચ ! અતિક્રમણની અંતિમ હદે, વાસુદેવ પ્રતિવાસુદેવ; સાતમી નર્ક ભોગવે, બીજો ન કોઈ પહોંચેય !
બગડી બાજી સુધાર આમ, ભાવ ન બગાડ ક્યાંય;
બગડેલું પ્રતિક્રમણ કરી, ‘વસ્તુ’ સિદ્ધ આમ કરાય ! જુઠું બોલે તે કર્મફળ, તેમાં ભાવ તે કર્મબંધ; માટે પશ્ચત્તાપ કરી, અભિપ્રાયોને ફેરવ !
જૂઠનો અભિપ્રાય ઊડ્યો, પછી નથી જવાબદાર;
જૂઠ એ છે કર્મફળ, તેનુંય ફળ આવે સંભાર ! રિલેટીવ ધર્મમાં ખોટાનું, ‘કરવું પડે’ પ્રતિક્રમણ; રિયલ ધર્મમાં ‘જ્ઞાતા-દ્રષ્ટા’, ‘થાય’ ખોટાનું પ્રતિક્રમણ !
33