________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૩૫
દાદાશ્રી : સારો મળ્યો અને ત્રણ વર્ષ પછી એને એટેક આવ્યો, તો શું કરશો ? આ નર્યું ભયવાળા જગતમાં શા હારુ આ... ! જે બન્યું એ કરેક્ટ કહીને ચલાવી લો તો સારું. (૪૦૫)
પહેલો ધણી સારો નીકળે હંમેશાં, પણ બીજો તો રખડેલ જ મૂઓ હોય. કારણ કે એ ય આવું ખોળતો હોય, રખડતો ખોળતો હોય અને એ ય રખડેલ હોય, ત્યારે બે ભેગું થાય ને ! રખડેલ ઢોરો બે ભેગાં થઈ જાય. એનાં કરતાં પહેલો હોય તે સારો ! આપણો જાણેલો તો ખરોને ! મૂઓ આવો તો નથી જ ! એ રાતે ગળું તો નહીં દબાવી દે ને ! એવી તમને ખાતરી હોય ને ! અને પેલો તો ગળું હઉ દબાવી દે !
બચ્ચાઓની ખાતરે ય પોતાને સમજવું જોઈએ. એક કે બે હોય, પણ એ બિચારા નોંધારા જ થઈ જાયને ! નોંધારા ના ગણાય ?
પ્રશ્નકર્તા : નોંધારા જ ગણાય ને !
દાદાશ્રી : મા ક્યાં ગઈ ? પપ્પા ક્યાં ગયા ? એક વાર પોતાને એક આ પગ કપાઈ ગયો હોય, તો એક અવતાર નભાવી નહીં લેતા કે આપઘાત કરવો ? (૪૦૭)
ધણી ખરાબ લાગતો નથી ! એ લાગશે ત્યારે શું કરીશ ? પછી ધણીનું જરા મગજ આડું-અવળું હોય, પણ આમ પૈણ્યા એટલે આપણો ધણી, એટલે આપણો સારામાં સારો - બેસ્ટ, એમ કહેવું. એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી.
પ્રશ્નકર્તા : બેસ્ટ એવું કહીએ તો ધણી ચગી જાય.
દાદાશ્રી : ના, ચગે જ નહીં. એ આખો દહાડો બિચારા બહાર કામ કર્યા કરે એ શું ચગે ? ધણી તો આપણને જે મળ્યા હોયને એ જ નભાવી લેવાના, કંઈ બીજા લેવા જવાય ? વેચાતા મળે કંઈ ? અને પેલું ઊંધું-ચત્તું કરો, ડિવોર્સ કરવું પડે એ તો ખોટું દેખાય ઊભું. પેલો ય પૂછે કે ડિવોર્સવાળી
છે. ત્યારે બીજે ક્યાં જઈએ ?! એના કરતાં એક કરી પડ્યા એ નિકાલ કરી નાખવાનો ત્યાં આગળ. એટલે બધે એવું હોય અને આપણાથી ના ફાવતું હોય, પણ શું કરે ? જાય ક્યાં હવે ? માટે આ જ નિકાલ કરી નાખવાનો.
૩૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આપણે ઇન્ડિયનો, કેટલા ધણી બદલીએ ? આ એક જ કર્યો તે... જે મળ્યો એ સાચો. તેને ઊંચું મૂકી દેવાનો, કેસ ! અને પુરુષોને સ્ત્રી જેવી મળી હોય કકળાટ કરતી હોય તો પણ એની જોડે નિકાલ કરી નાખવો સારો. એ કંઈ પેટમાં બચકાં ભરવાની છે ? એ તો બહારથી બૂમાબૂમ કરે કે મોંઢે ગાળો દે, પેટમાં પેસીને બચકાં ભરે ત્યારે આપણે શું કરીએ, એના જેવું છે આ બધું. રેડિયો જ છે. પણ આ તમને આમ ખબર ના પડે કે આ ખરેખર... તમને તો એમ જ લાગે કે આ ખરેખર એ જ કરે છે આ. પછી એને ય પસ્તાવો થાય છે, કે સાલું મારે નહોતું કહેવા જેવું ને કહેવાઈ ગયું. તો તો એ કરે છે કે રેડિયો કરે છે ? (૪૦૮)
એક જણીનો સંસાર મુંબઈમાં ફ્રેક્ચર થઈ જતો હતો. પેલાએ ખાનગી બીજો સંબંધ રાખ્યો હશે. અને આ બઈ, એ તો જાણી ગઈ એટલે જબરજસ્ત ઝઘડા થવા માંડ્યા. પછી મને બઈએ કહી દીધું, ‘આ આવાં છે, મારે શું કરવું ? મને નાસી છૂટવું છે !” મેં કહ્યું, ‘એક પત્નીવ્રતનો કાયદો પાળતો હોય એવો મળે તો નાસી છૂટજે, નહીં તો બીજો કયો સારો મળશે ? આમ તો એક જ રાખી છેને ?” ત્યારે કહે, ‘હા, એક જ.’ ત્યારે મેં કહ્યું, ‘બહુ સારું. લેટ ગો (ચલાવી લે) કર. મોટું મન કરી નાખ. તને બીજો આથી સારો ના મળે.’ (૪૦૯)
કળિયુગમાં તો ધણીએ સારો ના મળે અને વહુએ સારી ના મળે. આ બધો માલ જ કચરો હોયને ! માલ પસંદ કરવા જેવો હોય જ નહીં. માટે આ પસંદ કરવાનો નથી, આ તારે તો ઉકેલ લાવવાનો છે. આ હિસાબ કર્મોનો ચૂકતે કરવાનો છે તે ઉકેલ લાવવાનો છે. ત્યારે લોક લહેરથી જાણે ધણીધણિયાણી થવા ફરે છે. અલ્યા મૂઆ, ઉકેલ લાવને અહીંથી. જે તે રસ્તે ક્લેશ ઓછો થાય એવી રીતે ઉકેલ લાવવાનો.
પ્રશ્નકર્તા : દાદા, એને એવો સંયોગ થયો હશે, તે હિસાબનો જ થયો હશે ને ?
દાદાશ્રી : હિસાબ વગર તો આ ભેગું જ ના થાયને !
સંસાર છે એટલે ઘા તો પડવાના જ ને ? ને બઈસાહેબ પણ કહેશે ખરાં કે હવે ઘા રૂઝાશે નહીં. પણ સંસારમાં પડે એટલે પાછાં ઘા રૂઝાઈ જાય.