________________
(૪) ખાતી વખતે ખીટપીટ !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
બીજું ખાવાની ચીજ શું કહે છે કે, “મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું.’ હવે એને આપણે માન ના આપવું જોઈએ ? અમને તો આપી જાય તોય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેની તમે ખોડ કાઢી તો પહેલું આમાં સુખ ઘટે કે વધે ?
પ્રશ્નકર્તા : ઘટે.
દાદાશ્રી : ઘટે એ વેપાર તો ના કરોને ? જેનાથી સુખ ઘટે એવો વેપાર ના જ કરાય ને ! મને તો ઘણા ફેર ના ભાવતું શાક હોય તે ખઈ લઉં ને પાછો કહું કે આજ શાક બહુ સરસ છે.
પ્રશ્નકર્તા : એ દ્રોહ ના કહેવાય ? ના ભાવતું હોય ને આપણે કહીએ કે ભાવે છે, તો એ ખોટું મનને મનાવવાનું ના થયું ?
દાદાશ્રી : ખોટું મનને મનાવવાનું નહીં. એક તો ભાવે છે એવું કહીએ તો આપણા ગળે ઊતરશે. ‘નથી ભાવતું' કહ્યું એટલે શાકને રીસ ચઢશે, બનાવનારને રીસ ચઢશે.
અમારે તો ઘરમાંય કોઈ જાણે નહીં કે ‘દાદા'ને આ ભાવતું નથી કે ભાવે છે. આ રસોઈ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે ? એ તો ખાનારના ‘વ્યવસ્થિત'ના હિસાબે થાળીમાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઈએ.
પ્રશ્નકર્તા : એ બરાબર, કબૂલ. એ હવે અમને સમજણ પડી ગઈ, બરાબર એડજસ્ટ થઈ ગયું.
દાદાશ્રી : વગર કામનું. નહીં તો આપણે એ કરીએ એમાં તો કઢી બગડી જશે. કારણ કે મગજ એમનું ઠેકાણે ના હોય તે કઢીમાં મીઠું બીડું વધારે પડી જાય તો એ ખાઈ લેવું પડે એના કરતાં કહીએ, ‘ના, બહુ સારી છે.' મોઢે કહેવામાં શું વાંધો છે ?
પ્રશ્નકર્તા : મોઢે કહે તો પછી વટ જતો રહે ને !
દાદાશ્રી : વટ તો કાઢી નાખવો જ પડશે, પહેલેથી. પ્રશ્નકર્તા: આ પુરુષોએ તો વટ કાઢી જ નાખવાનો ?
દાદાશ્રી : હા, નહીં તો વટ જશે. વટની જરૂર હોય કંઈ ? જો આ કઠું કર્યું છે, વાંકું બોલીએ તો શું થાય ? એક તો તપેલો હોય અને કહ્યું ખારું છે, બોલે એટલે ભડકો થાય. એવું ના કહેવાય ! એની જોડે સમાધાન આપણે કરી લેવું જોઈએ, કે મહીં ભગવાન બેઠા છે, તું વઢવાડ ના કરીશ અને હુંય ના કરું. નહીં તો છોકરાં ઉપર અસર થાય ખોટી, એટલે એ છોકરાં જોઈ લે કે શું કરે છે ? આપણે વાંકું ના બોલીએ તો એય મનમાં સમજી જાય. એય કહેશે, ‘નથી બોલવું, મારા ફાધર જ બોલતા નથી, ભૂલ કાઢતા નથી.' અને આપણે કહીએ, ‘આ કઢી બગાડી’ તો કઢી કહેશે, ‘બગાડી એમાં મારો શું ગુનો, મૂઆ તું મને વગોવે છે ?” એટલે કઢી રીસાય અને ભઈને રીસ ચઢે, છોકરાંને રીસ ચઢે. હવે સરસ જમવાનું હતું તે બધું બગાડ્યું આપ્યું અને પછી અંદર ‘કાળમુખો જ છે, નિરાંતે જમવાય ના દીધા. જમતાં પહેલાં મૂઓ બગડ્યો. પછી સાલાને દઝાડ્યો હોય તો વાંધો ન હતો. ત્યાં સુધી વિચારે પછી ! અને “મને બહુ ગમે છે તારી રસોઈ,’ કહીએ એટલે આપણે છૂટ્યા.
પ્રશ્નકર્તા : તો રોજ ખારી બનાવે. દાદાશ્રી : હૈં, છો ને બનાવે. એને હઉ ખાવાની છે ને !
પ્રશ્નકર્તા: બહુ વખાણીએ એટલે એવી ખારી જ, ગઈ કાલ જેવી જ બનાવે.
દાદાશ્રી : એવો ભય રાખવાનો નથી આ જગતમાં ! કોઈ માણસ ચોરી ગયું, એનો એ માણસ ફરી ચોરી જશે એવો ભય રાખવા જેવું છે નહીં જગત અને હિસાબ હશે તો જ ફરી ચોરી જશે, બાકી ચોરાય નહીં. અડાય નહીં એવું આ જગત છે. એટલે નિર્ભય રહેજો બધી વાતમાં.
પ્રશ્નકર્તા : અને દાદા, એવું જો કીધું હોય કે ખારી છે તો બીજે દિવસે મોળી થઈ જાય. કારણ કે એ ઇમોશનલ થઈ જાય પછી.