________________
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : હા, દાદા ભોળા માણસ છે. મારે એનું જ કામ છે. ભોળા કહે એટલે છોડી દેને ?
પ્રશ્નકર્તા : હા, છોડી દે.
ક્યારેક ક્યારેક મતભેદ ટાણે,
સાચવી લઉં, હીરાબા તા જાણે ! એક દહાડો એવું બનેલું, હીરાબા કહે છે, ‘હું તો અહીં મામાની પોળે જ રહીશ. ત્યાં નવું બંધાયું છે, કોઠી પર, ત્યાં રહેવા નહીં જઉં.’ મેં કહ્યું, ‘તમને અનુકૂળ આવે ત્યાં રહેવાનું.' હા અમે એમ ના કહીએ કે ત્યાં રહેવા જાવ તમે, તમને અનુકૂળ આવે ત્યાં રહો. ઘરધણી માણસના મનમાં એમ થાયને, સહેજ ખટકો થાયને કે પોતાનું ઘર બંધાયું તોય આ ઘર ખાલી કરતા નથી. તો એનું ઘરધણીને થોડુંક વધારે ભાડું આપી દઈશું. મેં કહેલું, ઘરધણી જે માગે એ ભાડું આપી દેવાનું અને એ ઘરધણીયે એવું સમજે છે કે “મારે એવું કશું કરવું નથી.’ પણ છતાંય અમે એને સંતોષ આપીએ. એમાં બિચારાનો શો ગુનો ? આપણું ઘર જુદું થયું એટલે જુદું રહેવું જ જોઈએ ને ? આપણે ઘેર જવું પડે ને ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : પણ હીરાબા તો ખસવાનું ના કહે છે. અમે એડજસ્ટ થઈ જઈએ પણ મતભેદ પડવા ના દઈએ !
હમણાં એક દહાડો મતભેદ પડી જાય એવું થયું હતું. રાત્રે મેં કહ્યું, ‘બેન જમવા બનાવનાર છે તો પછી હવે રસોઈયાની શી જરૂર છે ?” ત્યારે કહે, “ના, એમના હાથનું હું નહીં જમું !' પછી બીજે દહાડે મેં કહ્યું. ‘રસોઈયો તમને જ્યારે જોઈતો હોય ત્યારે બોલાવી લો એકને બદલે બે.”
આવું કેમ બોલ્યો હું ? એમને ઠીક લાગે એ કરે. મારે શી જરૂર આ બધી ? હાથ ઘાલીને શું કામ છે તે આપણે ? તમને શું લાગે છે ? હાથ ઘાલવો જોઈએ ?
પ્રશ્નકર્તા : ના, ના, એ એના સંજોગો ઉપર આધાર છે.
દાદાશ્રી : સંજોગો જોવા પડે. મને તો અત્યારેય હીરાબા ભોળા જાણે. હજુય હીરાબા તો મને કહે છે, ‘તમે ભોળા છો, હું ભોળી નથી.’
પ્રશ્નકર્તા : હું પાકી, દાદા ભોળા એવું કહેતા ?
દાદાશ્રી : પાકા થયા તો છોડે નહીં. ભોળા થવામાં છોડી દે. અને ભૂલચૂક થઈ હોય તો કહેશે કે ‘ભોળા છે થઈ ગયું.” ભાંજગડ જ નહીં ને ! પહેલેથી ભોળાની છાપ.
હવે ખરી રીતે એ ભોળા છે. હું તો ભોળો જરાય નથી. હું તો જાણીને જવા દેતો હતો બધુંય અને એ એમનું અજાણ્યામાં જતું રહે.
પ્રશ્નકર્તા : અજાણ્યામાં જતું રહે એ તો ભોળું કહેવાય.
દાદાશ્રી : એટલે જ એ ભોળા કહેવાયને અને મને તો કોઈ ભોળો કહેને, તો હું કહું કે મને ભોળો કહેનાર ભોળો છે. મને ઓળખતો જ નથી, તું. પણ હું જાણીને જવા દઉં. જે માંગો એ આપી દઉં, કશું રહેવા ના દઉં પાસે, એવો સ્વભાવ હતો. કારણ કે એક લોભ નહોતો અમને, બિલકુલેય લોભ જરાય નહીં. કશું જોઈએ જ નહીંને ! અને પાસે હોયને, તો આપી દઉં પાછો. મારી પાસે કશું રહે નહીં. એટલે અમારા ભાગીદારે કહેલું કે તમારી પાસે રૂપિયા હાથમાં રાખવા જેવા નથી. મેંય કહી દીધું કે મને આપશો જ નહીં. કારણ કે મારી પાસે રહે નહીં.
એટલે હીરાબાય કહે કે ‘તમને તો પૈસા અપાય જ નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘ના આપશો. આપશો જ નહીંને ?” બાકી કો'ક આવ્યો. તે ઢીલો થયેલો દેખાય કે કબાટ ઉઘાડીને આપી દેવાનું.
બાકી સ્ત્રી જાતિને તો, ‘હમણે જ હું સ્ટેનલેસ સ્ટીલનું ફલાણું એ લાવી.’ એ સાંભર સાંભર કર્યા કરે. ત્યારે આમને તો એમની પાસે હોય તોયે બધાને આપી દે. એટલે ભાંજગડ જ નહીં ને કશી. કાલની ફિકર નહીં એમને. સારાં માણસ !