________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨) ઘરમાં ક્લેશ કાચ વાગ્યો નથી ને ? એવું પૂછવું જોઈએ, તેને બદલે આપણે એની જોડે પાછું તોડી પાડીએ !ને વાસણ તો બીજા લઈ આવીશું, જાણી જોઈને ભાંગે ખરી એ ? અરે, કોકે ભાંગ્યું હોય તો આવડી આવડી દે ! તો એ ભાંગે ખરી ? આપણા કરતાં વધારે કાળજી એને હોય, પુરુષ તો મોટા મનના હોય. હવે ત્યાં આપણે ભૂલ નહીં કરતા ?
પ્રશ્નકર્તા : કરીએ છીએ.
દાદાશ્રી : એટલે આ આખો દહાડો જે કકળાટ છેને, તે ખોટો વિખવાદ છે, કંઈ અર્થ વગરનો છે, સમજણ વગરનો છે. કારણ કે બની ગયું એમાં કોઈ ઉપાય જ નથી અને જેનો ઉપાય ના હોય તેને માટે કકળાટ કરે એ ગુનેગાર કહેવાય છે. એ કાચ ભાંગી ગયા ફરી પાછા આવે, આપણે કકળાટ કરીએ તો ? ઘર છે તે ફેમિલી મેમ્બર થઈ જાય તો બહુ સારું કહેવાય. ઘરમાં કકળાટ ના થવો જોઈએ. આપણા કરતાં સ્ત્રી વધારે સારી રીતે ઘરને સાચવવા ફરે છે ઊલટી. પ્રશ્નકર્તા : સાચી વાત છે.
ફેંક સોફો જો કરાવે ઝઘડો,
બૈરી ના સાચવી તો તું લંગડો ! દાદાશ્રી : જો સોફાને લીધે ઝઘડો થતો હોય તો સોફાને નાખી દો બહાર. એ સોફો તો બસો કે ત્રણસો રૂપિયાનો હોય, મૂઆ, એનો ઝઘડો થતો હશે ? જેણે ફાડ્યો તેની પર દ્વેષ આવે. અલ્યા, મૂઆ, નાખી આવ. જે વસ્તુ ઘરમાં વઢવાડ લાવને, એ વસ્તુ બહાર નાખી આવ.
જે ઘરમાં ક્લેશ નહીં, ત્યાં ભગવાન હાજર હોય. આ ફોટામાં નથી ભગવાન, પણ જ્યાં ક્લેશ નથી ત્યાં હાજર હોય. ત્યારે આ સોફા હારુ ક્લેશ કરવો આપણે હવે ? નાખી આવો બહાર.
આ ડિશો ભાંગી નાખે છે ? તે મેં વાત કરી, તે એની બુદ્ધિ શું કહે છે, ના કહે છે. મનાય નહીં ?
પ્રશ્નકર્તા : મનાય ને !
દાદાશ્રી : જેટલું મનાય એટલી શ્રદ્ધા બેસે. એટલું એ ફળ આપે, હેલ્પ કરે, શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એનું એય સુખી થાય. અરે ! કેવાં કેવાં ભજિયાં ને જલેબી નહીં કરી આપતાં ?
પ્રશ્નકર્તા : કરી આપે છે.
દાદાશ્રી : હા, તો પછી ? એનો ઉપકાર ના માનીએ, કારણ કે એ પાર્ટનર છે, એમાં એનો ઉપકાર શો ? એમાં આપણે પૈસા લાવીએ એવું આપણને એ આ કરી આપે, આમાં બેઉ પાર્ટનરશીપ ચાલે છે. છોકરાંય પાર્ટનરશીપમાં, કંઈ એની એકલીનાં ઓછાં છે ? સુવાવડ એણે કરી છે માટે એની એકલીનાં છે ? આપણા બેઉનાં હોય છોકરાંઓ. બન્નેનાં કે એકલીનાં ?
પ્રશ્નકર્તા : બેઉનાં.
દાદાશ્રી : હં. સુવાવડ કંઈ પુરુષ કરવાના હતા ? એટલે સમજવા જેવું છે આ જગત ! કેટલીક બાબતમાં સમજવા જેવું છે. અને તે જ્ઞાની પુરુષ સમજણ પાડે, એમને કશું લેવાદેવા ના હોય, એટલે એ સમજણ પાડે કે આ ભઈ આપણા હિતનું, તો ઘેર કકળાટ ઓછો થાય, તોડફોડ ઓછી થાય.
જો કોઈ ઉપાયે થાય તો શાંતિ,
સાક્ષી કે જ્ઞાતા રહી, કાઢ ભ્રાંતિ ! ભાન જ નથી આ તો, ખાય છે, પીવે છે, તેય ભાન નથી. આ ભાન વધારવાની જરૂર છે આપણે. આ તો ભાન અહંકારમાં જ બધું પેસી ગયું છે. હું આમ છું ને તેમ છું એવું નહીં આપણે, મારે બધું જાણવાનું બહુ બાકી છે એવું સમજાવું જોઈએ. જ્ઞાનને માટે ખુલ્લું રાખવું જોઈએ. ઘડા ઉપર ઢાંકણું ઢાંકી દઈએ પછી કોણ પાણી રેડે ? તમને ગમી વાત ? કઈ વાત ગમી તમને, કહો ?