________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨) ઘરમાં ક્લેશ
૧૩ પેલા કહેશે, “ના, નથી ખોટું !” પણ એમાંથી ક્લેશ ન થવો જોઈએ. ગમે તે રસ્તે ક્લેશને હાંકી મેલજો બહાર, મતભેદને પછી મિટાવી દેવો. મતભેદ થઈ ગયો હોય વખતે, તો પછી આપણે એવો કંઈક રસ્તો કરીને પાછો કો'ક વખતે મટાડી દેવો ઝટ.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે જરા કહો. જરા સમજાવો ને વધારે ક્લીયર કે મતભેદ પડ્યો ક્યારે કહેવાય ? પછી કઈ રીતે આપણે એને ટાળી દેવો ?
દાદાશ્રી : આપણે જેની જોડે રહીએ તેની પ્રકૃતિ ના ઓળખવી જોઈએ ?
પ્રશ્નકર્તા: એ નથી ઓળખાતી.
દાદાશ્રી : અરે, ના શું ઓળખાય ! આપણે પ્રયત્ન કરીએ તો ના ઓળખાય ?
પ્રશ્નકર્તા : દસ વર્ષ થયાં પણ હજુ નથી ઓળખાઈ.
દાદાશ્રી : એમ ! આ જ્ઞાન લીધા પછી ઓળખવા માટે પ્રયત્ન કરજો. ઓળખાશે. એ તો જેમ જેમ દૃષ્ટિ વધશે તેમ ઓળખાશે.
પુરુષ શરૂ કરે ક્લેશ ઘરે,
સ્ત્રી પકડી રાખી કંકાસ કરે ! ઘરમાં મતભેદ રહે નહીં એટલું કરી દો. ખાવ, પીઓ, મજા કરો પણ ક્લેશ ના હોવો જોઈએ, કંકાસ ના હોવો જોઈએ. તમે કંકાસ જોયેલો ?
પ્રશ્નકર્તા: હં, આ કંકાસની વાત કરી તે પુરુષમાં વધારે છે કે સ્ત્રીમાં વધારે છે ?
દાદાશ્રી : એ તો સ્ત્રીમાં વધારે હોય, કંકાસ. પ્રશ્નકર્તા ઃ એનું કારણ શું ?
દાદાશ્રી : એવું છેને, કો'ક ફેરો ભાંજગડ થઈ જાય ત્યારે ક્લેશ થઈ જાય. ક્લેશ થવો એટલે શું, ઝટ સળગીને ઓલવાઈ જવું. તે આ પુરુષ
ને સ્ત્રી વચ્ચે ક્લેશ થઈ ગયો. પછી પુરુષ છે તે છોડી દે તોય પેલી એને ઝટ છોડે નહીં એ પાછું કંકાસમાં થઈ ગયું. એ પુરુષો છોડી દે પણ આ સ્ત્રીઓ છોડે નહીં પાછી. અને ક્લેશનો કરી દે કંકાસ. અને તે મોટું ચઢાવીને ફર્યા કરે. જાણે આપણે એને ત્રણ દા'ડા ભૂખી રાખી હોય એવું કર્યા કરે.
પ્રશ્નકર્તા : એટલે જ દાદા અમે છેને ચેકબુક જ આપીએ કે એ લોકોને જે જોઈએ તે પોતે જ લઈ લે.
દાદાશ્રી : એથી કંઈ દા'ડો વળે નહીં. એ એમ દા'ડો વળતો હશે ? આપણે આ પાંચ હજાર રૂપિયાનો ઘોડો હોય, પણ કંઈ લગામ છોડી દેવાથી સારું થાય ? અને તમે તો લગામ છોડી દેવા જેવી વાત કરો છો. લગામ છોડી દેવાથી ફાયદો થાય, ઘોડો હોય એને ?
પ્રશ્નકર્તા : ના, ફાયદો ન થાય.
દાદાશ્રી : હં, એની લગામ તો આપણે હાથમાં રાખવી અને એના હોઠ ન ખેંચાય એવી લગામ આપણે પકડી રાખવી, ઘોડાની.
પ્રશ્નકર્તા : ચેકબુક પણ ન આપવી હવે ?
દાદાશ્રી : હવે તો એય કમાઈ લાવે છે પાછાં જોડેજોડેને. એવું ના આપવી, આપણાથી કેમ કહેવાય છે !
પ્રશ્નકર્તા : તો પછી આ કંકાસ દૂર કરવા માટે શું કરવું ?
દાદાશ્રી : કંકાસ તો, આપણે ક્લેશ ના કરવો એટલે કંકાસ નહીં થાય. મૂળ સળગાવીએ છીએ આપણે જ ક્લેશ કરીને, આજ ખાવાનું ભાવતું નથી, આજ મોઢું બગડી ગયું મારું તો, આમ તેમ કરીને ક્લેશ ઊભો કરો અને પછી એ કંકાસ કરે.
સ્ત્રીને સુખ આપતાં સુખ મળે,
ઘર મંદિર, જો કદિ ન ઝઘડે ! પ્રશ્નકર્તા : મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ.