________________
૪૬૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
પત્ની સાથે મોક્ષ એક શરતે,
દવા પીવી જો બેને તાવ વર્તે ! પ્રશ્નકર્તા : શુદ્ધાત્માસ્વરૂપ થાય પછી સંસારમાં પત્ની જોડેનો સંસાર વ્યવહાર કરવો કે નહીં ? અને તે કેવા ભાવે ? અહીં સમભાવે નિકાલ કેવી રીતે કરવો ?
દાદાશ્રી : આ વ્યવહાર તો તમારે પત્ની જોડે બંનેને સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય, એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ કરજો. અને છોકરાં તમને કહે, ‘પપ્પાજી” તો કહેવું, ‘હા, બાબા ચાલ તારું...’ ‘પપ્પાજી' કહે તો એને ‘ના’ ના કહી દેશો. આપણે ખુશી થઈને, રાજીખુશીથી કહેવું, “ચાલ, હું આવું છું.” “પપ્પાજી' કહેવાનો એનો ધર્મ છે ને એ આપણે ‘પપ્પાજીએ એને એનકરેજ (પ્રોત્સાહન) કરવું જોઈએ. વ્યવહાર છે ને ? અને આપણાથી સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ. તમને કેમ લાગે છે ? કેવો વ્યવહાર કરવાનો ? એને દુઃખ ન થાય તેવો. બની શકે કે ના બની શકે ? હા, સ્ત્રી પૈણેલાં છે તે સંસાર વ્યવહાર માટે છે, નહીં કે બાવા થવા માટે. અને સ્ત્રી પાછી મને ગાળો ન દે કે, “આ દાદાએ મારો સંસાર બગાડ્યો !” હું એવું નથી કહેવા માંગતો. હું તમને કહું છું કે, આ જે ‘દવા” (વિષયસંબંધ) છે એ ગળપણવાળી દવા છે માટે પ્રમાણથી લેજો. ગળી છે માટે વધુ પડતી પી પી ના કરશો. દવા હંમેશાં જેમ પ્રમાણથી લઈએ છીએ એવી રીતે પ્રમાણથી લેજો.
ગળી લાગે એટલે પી પી કરવી એવું કંઈ કરાય ? જરા તો વિચાર કરો. શું નુકસાન થાય છે ? ત્યારે કહે છે કે, જે ખોરાક બધો ખાય છે એનું બ્લડ થાય છે, બીજું બધું થતાં થતાં છેવટે એનું રજ અને વીર્યરૂપે થઈ ખલાસ થઈ જાય છે. લગ્નજીવન દીપે ક્યારે કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે કે નહીં ? એકને તાવ વગર દવા પીવે એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. ધીસ ઈઝ ધ ઓન્લી મેડિસિન (આ માત્ર દવા જ છે). મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્નજીવન દીપાવવું હોય, એટલે સંયમી પુરુષની જરૂર છે. આ બધા જાનવરો અસંયમી કહેવાય. આપણું તો સંયમી જોઈએ. આ બધા જે આગળ રામ ભગવાન ને એ બધા થઈ ગયા, તે બધા પુરુષો સંયમવાળા. સ્ત્રી સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવા ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં કરોડો જીવો મરી જાય છે, વન ટાઈમમાં, તે સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ? ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય ?
એટલે અમે કહ્યું કે સ્ત્રીનો વાંધો નથી, પણ એવી શરતે બેઉને સંપ અને સમજપૂર્વક ઊભું કરો. ગળી દવા હોય એટલે રોજ પીવાની કે ડૉક્ટરે કહી એટલી જ ? ડૉક્ટરે કહ્યું કે ભઈ, હલાવીને પીજો, તો એ એણે પીધી હોય. એ કહી હોય એટલા વખત પીવાની. એ તો રોજ બે-બે ત્રણ વખત દવા પીએ, એના જેવું આ લોકોએ કરી નાખ્યું છે ને ! અને ખરેખર દવા એ ગળી નથી.
પ્રશ્નકર્તા : આ પણ આટલી જ દવા પીવી એ કંઈ આપણા કાબુમાં છે ? એ ડોઝ કાબૂમાં રહેતો ના હોય તો શું કરવું?
દાદાશ્રી : કાબૂમાં કશું રહેવાનું નહીં. ના કાબૂમાં હોય એવી વસ્તુ જ નથી હોતી આ દુનિયામાં. પણ દવા મીઠી છે માટે પી પી કરીએ એનો શો અર્થ ? એટલે આમાં સ્ત્રીમાં દોષ નથી, તાવમાં દોષ નથી, તાવ ના ચઢ્યો હોય ને દવા પીએ તેનો દોષ છે. એટલે આ બધી જોખમદારી