________________
૩૭૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૧૯) પતીની ફરિયાદો
આશ્રિતની ના કરાય ફરિયાદ,
તે કરી તો પડશે સામો સાદ ! બેનો, તમારે કશું પૂછવાનું નથી ? કંઈ વાતચીત કરવાની હોય તો કરો. એમની (ધણીની) ફરિયાદ હોય તો કરો. પણ આ ડિફિકલ્ટી કાઢી નાખો. ઘરમાં, ફેમિલીમાં ડિફિકલ્ટી કાઢી નાખો.
પ્રશ્નકર્તા : જેવી રીતે ભઈઓ બહેનોની કપ્લેન કરે, તેવી રીતે બહેનો ભાઈઓની કપ્લેન કરે ખરા ?
દાદાશ્રી : હા, એ તો બેઉની હોયને, કપ્લેઈન તો એક બાજુની ના હોય, એક તરફી ના હોય, બન્ને હોય. પણ કપ્લેઈન ના થાય એવા માણસની જરૂર છે મારે, એવા માણસ થાવ, એવું કહું છું હું ! આપણા આશ્રિત માણસ જોડે કપ્લેઈન હોતી હશે ?
પ્રશ્નકર્તા : હું સાચી વાત કરું છું ત્યારે ઘરમાં મને કોઈ સમજી નથી શકતું અને કોઈ નથી સમજી શકતું તેથી પછી એ લોકો ઊંધી રીતે સમજે પાછા.
દાદાશ્રી : તે વખતે આપણે વાતથી વેગળું રહેવું પડે ને મૌન રાખવું પડે. એમાંય પાછો દોષ તો કોઈનો હોતો જ નથી. દોષ તો આપણો જ હોય છે. એવા એવા માણસો છે કે જે પાડોશમાં આપણી જોડે કુટુંબ તરીકે હોયને, તો તે આપણા બોલતાં પહેલાં આપણી વાત બધા સમજી જાય. પણ એવા આપણને કેમ ભેગા ના થયા અને આ લોકો જ કેમ ભેગા
થયાં ? આમાં સિલેક્શન કોનું ? એટલે બધી જ ચીજ છે આ જગતમાં, પણ આપણને ભેગી નથી થતી એમાં ભૂલ કોની ? એટલે ઘરનાં ના સમજે તો આપણે ત્યાં મૌન રહેવું, બીજો ઉપાય નથી.
પ્રશ્નકર્તા : પણ દાદા, મારી ફરિયાદ કોણ સાંભળે ?
દાદાશ્રી : તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાખરા ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ અને સામો આરોપી થશે. એટલે એની દૃષ્ટિમાં આરોપી તું ઠરીશ, માટે કોઈની વિરુદ્ધ ફરિયાદ ના કરવી.
પ્રશ્નકર્તા ઃ તો મારે શું કરવું ?
દાદાશ્રી : ‘એ' અવળા દેખાય તો કહેવું કે, ‘એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટી છે.’ એમ ગુણાકાર થઈ ગયો હોય તો ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઈ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર-ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે,
પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું, એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ? ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે, ‘જ્ઞાની પુરુષ” બધાને શી રીતે માફી આપે ? એ સમજે આ બિચારાં સમજતાં નથી, ઝાડ જેવા છે ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.
પ્રશ્નકર્તા : દાદા હવે આ બધી ફરિયાદો પછી ક્યાં જઈને કરવી ?
દાદાશ્રી : ફરિયાદ હોય નહીંને ! ફરિયાદ કરવાની જ ના હોય. કોઈને ફરિયાદ કરવા ગયોને, એ તો પછી વકીલ હઉ ઘરમાં પેસી જાય.