________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૩૭
૩૩૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : પણ મનની ઇચ્છા ના હોય, છતાંય હાથ ઉપડી જાય એવો પ્રતિભાવ આવે.
દાદાશ્રી : આવે, આવે. એ એમાં બને એવું, ના બને એવું નહીં. કેટલાક તો સ્ત્રીને સાણસી ફટકારે. સાણસી લઈને આમ ફટકારીને વ્યવહાર કરે ! આબરૂદાર લોકને, ખાનદાન, છ ગામના પટેલ !! આ તો ખાનદાની વેચાઈ ગઈ. આબરૂનું લીલામ થઈ ગયું. સ્ત્રીને સાણસી મારી, તેનું આબરૂનું લીલામ ના થયું કહેવાય ?
એટલે સ્ત્રી જાતિ કાળજે લખી રાખે. માટે કશું કોઈ દહાડોય બોલશો નહીં. એ ભૂલ કરે તોય ત્યાં આગળ આબરૂ રાખજો. બાકી દરેક સ્ત્રીઓ એવી હોય છે એવું નહીં, આ તો સામાન્ય ભાવે કહું છું. તમે રોફ કરો એટલે એ કાળજે લખ્યા વગર રહે નહીંને ! અમારે એક ભઈબંધ હતો. તેને હું રોજ કહેતો હતો કે અલ્યા, બૈરી આગળ શાનો રોફ મારે છે ? બઈની કંઈ અમથી ભૂલ થાય તો એકાદ તમાચો આપી દે, અલ્યા, શેના તમાચા માર માર કરે છે ? તું મૂરખ છું ! આમ હાથ આપીને તેડી લાવ્યા. હાથ આપ્યો એટલે પ્રોમિસ કર્યું કહેવાય. આઈ પ્રોમિસ ટુ પે, એવું નથી બોલતા ? હવે પ્રોમિસ કર્યું તે એને ધોલ મરાય ? હવે અહીં પેલો ધોલ મારે છે તે શું થાય ? પૈડપણમાં એની એ જ બઈના હાથનો માર ખાવો પડશે ! માણસ છે, તે રીસ તો આવેને. રીસ તો હંમેશાંય કોઈ પણ માણસને આવ્યા વગર રહે નહીં. કારણ કે જુદઈ છેને બધી !
કેટલીક સ્ત્રીઓને હું પૂછું કે હસબંડ કેવા છે? ત્યારે મને કહે, ‘નથી પાંસરા'. ત્યારે મેં કહ્યું, ‘આ જ્ઞાન લીધા પછી સુધર્યા નથી ?” ત્યારે કહે, ‘થોડાક સુધર્યા હશે પણ એમણે પહેલાં જે મને ઘા મારેલા છેને, વચનના, વાણીના ઘા, એ મારે કાળજે લખેલા છે હજુ !' ઓત્તારી, કાળજે લખેલા છે ! અરે, હવે કાઢી નાખને, સુધર્યા છીએ. એ વાણીના ઘા તો કાળજે લખેલા હોય. કાળજું તોડી નાખે એવા હોય. પેલા ઘા રુઝાય દવાથી, રુઝાય કે ના રુઝાય ? રુઝાય, પણ આ ઘા ના રુઝાય ! કારણ કે પથરો મારેલો તો અડે, શબ્દો કંઈ અડતા નથી. એ તો આપણી ઇચ્છા હોય તો મહીં એવા હૃદયમાં વાગે, આપણી ઇચ્છા હોયને, તો કાળજે ઘા વાગે. તે પચાસ
પચાસ વર્ષ સુધી મહીં પડી રહે. ઘણાં બૈરાંને પૂછું, ‘હજુય મારો ઘા જતો નથી, પચાસ વર્ષ પહેલાં બોલ્યાં, તે હજુ નથી ગયો,’ કહેશે. કાળજે ઘા વાગેલો તે હવે, શબ્દના ઘા પડે. એટલે શબ્દોના ઘા કરવા નહીં અને કોઈ કરે, તો શબ્દ કંઈ ઓછું લોહી કાઢે છે ? લોહી કાઢે ખરું ? કેમ બોલતા નથી ? અને શબ્દ એ છે કે, પાછો એ નથી બોલતો બિચારો, રેકર્ડ બોલી રહી છે. હવે રેકર્ડ એમ બોલે કે ચંદુભાઈમાં અક્કલ ઓછી છે, ચંદુભાઈમાં અક્કલ ઓછી છે, તો આપણને રીસ ના ચઢે. કારણ કે આપણે જાણીએ કે રેકર્ડ બોલે છે. અને અહીં આપણે એમ જાણીએ કે આ ભાઈ જ બોલે છે, એટલે રીસ ચઢે પછી. એ પોતે બોલતો નથી, આ બધાં માણસો બોલે છેને, ભેંસ બોલે છે એ બધી રેકોર્ડ બોલે છે. આ વાત સમજવી પડશેને ? વાત સમજ્યા વગર તો ઉકેલ નહીં આવે.
મારેલા ઘા જે યુવાનીમાં જોરે,
ગાટ ઢીલાં થતાં જોખીને લો રે ! પછી, પેલી શું કરે જાણો છો ? એ સાંભળી લે છેને ? તમારા તાપને લઈને નથી સામું બોલતી પછી વખત આવે ત્યારે પછી પાછું આપે. આપણે કહીએ કે આ શું આપવા માંડ્યું? ત્યારે કહેશે કે મારે કાળજે લખ્યું હતું તે આપું છું. અને પુરુષો કાળજે ના લખે. હંમેશાં સ્ત્રીને જેટલું તમે કહો, એની જવાબદારી આવે. કારણ કે એ આપણે જ્યાં સુધી શરીર સારું મજબૂત હોયને, ત્યાં સુધી જ સહન કર્યા કરે અને મનમાં શું કહે ? એ ગાતર (સાંધા) ઢીલાં પડશે એટલે રાગે પાડી દઈશ. આ બધાંનાં ગાતર ઢીલા પડ્યાંને તેને બધાને રાગે પાડી દીધેલાં, મેં જોયેલાંય ખરા. એટલે હું લોકોને સલાહ આપું, ના કરીશ મૂઆ, બૈરી જોડે તો વઢવાડ ના કરીશ. બૈરી જોડે વેર ના બાંધીશ, નહીં તો મૂઆ વેષ થઈ પડશે. માટે બીજે બહાર વેર બાંધી આવજે. આને હીંચકો નાખીને રાજી રાખજે. અહીં વેર બાંધવા કરતાં બહાર જઈને બૂમો પાડ. પણ આ આપણી આ હિન્દુ ક્વૉલિટી, ત્યાં જ વેર રાખે. એક ભૂલ કાઢોને એની એટલે એ હંમેશાં, સ્ત્રી જાતિનો સ્વભાવ, આ બેનો બેઠી છેને કહું છું કે એ નોંધમાં લે અને આ ભોળા કશું નોંધમાં ના લે ભૂલી જાય, બિચારા.