________________
૩૦૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૦૩ પ્રશ્નકર્તા : એવું કહેવાથી એ નરમ ના પડે તો શું કરવું?
દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.
પ્રશ્નકર્તા : આપણે સામાને અબોલા તોડવા કહીએ કે મારી ભૂલ થઈ, હવે માફી માગું છું, તોય પેલો વધારે ચગે તો શું કરવું ?
દાદાશ્રી : તો આપણે કહેવાનું બંધ કરવું. એનો સ્વભાવ વાંકો છે એમ જાણીને બંધ કરી દેવું આપણે. એને એવું કંઈક ઊંધું જ્ઞાન થઈ ગયું હોય કે ‘બહુત નમે નાદાન” ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલાં સરળ હોયને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે, એ ના સમજીએ ?
પ્રશ્નકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો ?
દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તૂટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છેય નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કો'ક દહાડો ચીડાશે એટલે આપણો હિસાબ પતી જશે, આપણે મૌન રાખીએ એટલે કો'ક દહાડો એ ચીડાય ને જાતે જ બોલે કે “તમે બોલતા નથી, કેટલા દહાડાથી મુંગા ફરો છો !” આમ ચીડાય એટલે આપણું પતી જશે. ત્યારે શું થાય તે ? આ તો જાતજાતનું લોખંડ હોય છે, અમને બધાં ઓળખાય. કેટલાકને બહુ ગરમ કરીએ તો વળી જાય. કેટલાકને ભઠ્ઠીમાં મૂકવું પડે, પછી ઝટ બે હથોડા માર્યા કે સીધું થઈ જાય. આ તો જાતજાતનાં લોખંડ છે ! આમાં આત્મા એ આત્મા છે, પરમાત્મા છે અને લોખંડ એ લોખંડ છે, આ બધી બીજી ધાતુ છે.
વઢે તોય વાણી લાગે જ્યાં મીઠી,
પર્યાયો પહોંચે, જો કહી જૂઠી ! પ્રશ્નકર્તા: કોઈએ જાણી જોઈને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ કયું “એડજસ્ટમેન્ટ’ લેવું ? - દાદાશ્રી : આ તો ફેંકી દીધું, પણ છોકરો ફેંકી દે તોય આપણે જોયા’ કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એકનું તો દવાખાનું ભેગું થયું, હવે પાછાં બે દવાખાના ઊભાં કરવાં ? અને પછી જ્યારે એને લાગ આવે ત્યારે એ આપણને પછાડે, પછી ત્રણ દવાખાના ઊભાં થયાં.
પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ?
દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક્ કહેવું જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું.
પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું?
દાદાશ્રી : “ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ?” ત્યારે એ કહેશે કે, ‘જાણીજોઈને હું કંઈ ફેંકું ? એ તે મારા હાથમાંથી છટકી ગયો ને ફેંકાઈ ગયો ?
પ્રશ્નકર્તા : એ તો, એ ખોટું બોલ્યા ને ?
દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે, એ આપણા આધીન નથી. એ એની મરજીમાં આવે તેવું કરે. એને જૂઠું બોલવું હોય કે આપણને ખલાસ કરવા હોય એ એના તાબામાં છે. રાત્રે આપણા માટલામાં ઝેર નાખી આપે તો આપણે તો ખલાસ જ થઈ જઈએને ! માટે આપણા તાબામાં જે નથી તે આપણે જોવાનું નહીં. સમ્યક્ કહેતાં આવડે તો કામનું છે કે, “ભઈ, આમાં શું તમને ફાયદો થયો ?” તો એની મેળે કબૂલ કરશે. સમ્યક્ કહેતા નથી અને તમે પાંચ શેરની આપો તો પેલો દશ શેરની આપે !