________________
(૧૬) પરણ્યા એટલે ‘પ્રોમિસ ટુ પે’
૨૮૫
૨૮૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ઓળખીએ છીએ અને લાગે છે કે પસંદગીમાં ભૂલ થઈ ગઈ, કોઈના સ્વભાવનો કોઈ મેળ ખાતો નથી, તો બન્નેના મેળ કેમ અને કઈ કઈ રીતે કરવા કે જેથી સુખી થવાય ?
દાદાશ્રી : આ તમે જે કહો છોને, આમાં એકેય વાક્ય સાચું નથી. પહેલું વાક્ય તો લગ્ન થયા પછી બન્ને વ્યક્તિ એકબીજાને ઓળખે, પણ એ નામેય ઓળખતા નથી. જો ઓળખાણ થાય તો આ ભાંજગડ જ ના થાય. જરાય ઓળખતા નથી.
મેં તો એક બુદ્ધિના ડિવિઝનથી, બધો મતભેદ બંધ કરી દીધેલો. પણ હીરાબાનું ઓળખાણ મને ક્યારે પડ્યું? સાઠ વર્ષ હીરાબાનું ઓળખાણ પડ્યું ! ૧૫ વર્ષનો હતો ત્યારે પૈણ્યો, ૪૫ વર્ષ સુધી એમને નિરીક્ષણ કરી કર કર્યા ત્યારે મેં આમને ઓળખ્યા કે આવાં છે.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન થયા પછી ઓળખાયાં ?
દાદાશ્રી : હા. જ્ઞાન થયા પછી ઓળખાયાં. નહીં તો ઓળખાણ જ ના પડે, માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કેવો છું, એટલે આ વાક્ય ‘એકબીજાને ઓળખે છે.” એ બધી વાતમાં કશું માલ નથી અને પસંદગીમાં ભૂલ થઈ નથી.
પ્રશ્નકર્તા : આ વાત લૌકિકમાં લેવાની છે. અમે તો લૌકિકમાં છીએને !
દાદાશ્રી : હા, લૌકિકની જ વાત કરું છું પણ એ ઓળખે નહીં ને ! ઓળખે તો ભૂલ થાય જ નહીં.
પ્રશ્નકર્તા: હીરાબાને કઈ રીતે ઓળખ્યા તમે ? એવું શું કર્યું કે જેથી ઓળખાણ પડી ?
દાદાશ્રી : બધી પ્રકૃતિ કેવી છે તે બધું જોઈ લીધું. જોવાનો અભ્યાસ કરવા માંડ્યા, બધી પ્રકૃતિ કેવી છે તે અને મનુષ્ય જીવમાત્ર પ્રકૃતિના આધીન છે, સ્વાધિન નથી.
પ્રશ્નકર્તા : હીરાબાની ઓળખાણ તમને સાઇઠમે વર્ષે પડી ?
દાદાશ્રી : ઓળખાણ સાઠ વર્ષે પડી મહાપરાણે. તોય મહીં મતભેદ પડી જાય નહીં, તે દહાડે પછી મતભેદ પડી ગયો હતો ?
આ જ્ઞાન થયું'તું તોય એક દહાડો મતભેદ પડી ગયો’તો. તે પછી બીજે દહાડે જઈને કહી આવ્યો, મેં કહ્યું, ‘હું ભૂલ થઈ મારી કાલે.’ ત્યારે કહે, “ના, તમારી શાની ભૂલ ? એમાં ભૂલ શાની ?” ઓળખાણ પડે તો આ ડખલ જ નથી.
મિત્રને ઓળખીએ છીએ સારી રીતે. તેય પૂરું નહીં પણ અમુકનો ઉદય ઓળખીએ છીએ. મિત્રની ઓળખાણ પડવાનો, પ્રયત્ન શાથી કરીએ છીએ કે “આપણે બંધન નથી ને ત્યાં બંધન બાંધવું છે.” રિયલી સ્પીકિંગ બંધન નથી અને પ્રેમથી બાંધવું છેને, એટલે ઝીણવટથી એને ઓળખ ઓળખ ઓળખ કરીએ છીએ અને આ વાઈફને તો ‘માર ઊંધું ને કર સીધું', ઓળખવાનો પ્રયત્ન નહીં.
પ્રશ્નકર્તા ઃ એ સમજાવો કે કઈ રીતે ઓળખવું? ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પતિએ પત્નીને પ્રેમથી કેવી રીતે ઓળખવી, એ સમજાવો.
દાદાશ્રી : ઓળખાય ક્યારે ? એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એને સ્પેસ આપવી જોઈએ. જેમ આપણે રમવા બેસીને સામાસામી ચોકઠાં, તે ઘડીએ સરખાપણાનો દાવ હોય છે, તો રમતમાં મઝા આવે. પણ આ તો સરખાપણાનો દાવ શું આપે ? અમે સરખાપણાનો દાવ આપીએ.
પ્રશ્નકર્તા : કઈ રીતે આપો ? પ્રેક્ટિકલી કેવી રીતે આપો ?
દાદાશ્રી : મનથી એમને જુદું જાણવા ના દઈએ. એ અવળું-હવળું બોલે તોય પણ સરખાં હોય એવી રીતે એટલે પ્રેસર ના લાવીએ.
એટલે સામાની પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોળી કાઢવાની. હું બીજી રીતે કામ નથી લેતો બધા લોકોની પાસે ? મારું કહેલું કરે કે ના કરે બધા ? કરે કારણ કે એ