________________
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખાં....
૧૯૧
પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાની વાતને, આ તો ?
દાદાશ્રી : બાવીસ-ત્રેવીસ વર્ષની નાની ઉંમરમાં બનેલું, પેલા ભાઈબંધ આગળ મારી આબરૂ ગઈ એવું મને લાગે.
પ્રશ્નકર્તા : મારે એવું જ થાય છે. તે એનો ઉપાય શું ?
દાદાશ્રી : ઘી મૂકતી વખતે આપણે મૂકવું. પાટિયો રહેવા દેજો, પાટિયો હું મૂકીશ, કહીએ. બીજું છે એ તમે મૂકજો, કહીએ. જે હું તો શોધી કાઢું આવું. ક્યાં આગળ ડિફેક્ટ (ખામી) છે, તે એ ડિફેક્ટનું હું પૂરી કરી આપું. પણ વઢીએ નહીં. ડિફેક્ટનું શોધન કરીએ !
‘શું શાક લાવું’ પૂછવાતો રિવાજ, ‘ઠીક લાગે તે’ કહેવાતો રિવાજ !
શરૂઆતનાં ત્રીસ વર્ષ સુધી જરા ભાંજગડ થયેલી. પછી વીણી વીણીને બધું કાઢી નાખ્યું ને ડિવિઝન કરી નાખ્યા કે રસોડા ખાતું તમારું અને કમાણી ખાતું અમારું, કમાવવાનું અમારે. તમારા ખાતામાં અમારે હાથ ઘાલવાનો નહીં. અમારા ખાતામાં તમારે હાથ નહીં ઘાલવાનો. શાકભાજી એમણે લઈ આવવાની.
પણ અમારા ઘરનો રિવાજ તમે જોયો હોય તો બહુ સુંદર લાગે. હીરાબા જ્યાં સુધી શરીર સારું હતું ત્યાં સુધી બહાર પોળને નાકે છે તે પેલું એ હોય, શાકની દુકાન, ત્યાં જાતે શાક લેવા જાય. તો આપણે બેઠા હોય તો હીરાબા મને પૂછે, શું શાક લાવું ? ત્યારે હું એમને કહ્યું, તમને ઠીક લાગે તે. પછી એ લઈ આવે. પણ એવું ને એવું રોજ ચાલે, એટલે પછી માણસ શું થઈ જાય ? એ પછી પૂછવાનું બંધ રાખે. બળ્યું આપણને એ શું કહે છે, તમને ઠીક લાગે તે. તે પાંચ-સાત દહાડા ના પૂછે, એટલે પછી એક દહાડો હું કહું કે, ‘કેમ આ કારેલાં લાવ્યા ?’ ત્યારે એ કહે છે, ‘હું તો પૂછું છું ત્યારે કહો છો, તમને ઠીક લાગે એ અને હવે શું લાવી ત્યારે તમે ભૂલ કાઢો છો ?” ત્યારે મેં કહ્યું, ‘ના, આપણે એવો રિવાજ રાખવાનો. તમારે મને પૂછવું, શું શાક લાવું ? ત્યારે હું તમને કહું કે તમને ઠીક લાગે
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
એ. એ આપણો રિવાજ ચાલુ રાખજો.' તે એમણે ઠેઠ સુધી ચાલુ રાખેલો. આમાં બેસનારનેય શોભા લાગે કે કહેવું પડે, આ ઘરનો રિવાજ ! એટલે આપણો વ્યવહાર સારો બહાર દેખાવો જોઈએ. એકપક્ષી ના થવું જોઈએ. મહાવીર ભગવાન કેવા પાકા હતા ! વ્યવહાર અને નિશ્ચય બન્નેય જુદા. એકપક્ષી નહીં. ના જુએ વ્યવહારને ? લોકો જુએય ખરા ને રોજેય. ‘રોજ એ બાબત તમને પૂછે ?’ મેં કહ્યું, ‘હા, રોજ પૂછે.’ ‘તો થાકી ના જાય ?’ કહે છે. મેં કહ્યું, ‘અલ્યા શાના થાકવાના બા ! કંઈ મેડા ચઢવાના કે ડુંગર ઉપર ચઢવાના હતા તે ? આપણા બેનો વ્યવહાર લોકો દેખે એવું કરો.'
૧૯૨
પ્રશ્નકર્તા : પણ પૂછવું એ કંટ્રોલ કર્યો ના કહેવાય ?
દાદાશ્રી : નહીં, વિનય રાખીએ. બન્નેનો વિનય છે એ તો !
અમે જે ગોઠવેલુંને એ વિનય કહેવાય. પેલા કહેશે, હું કહું તે જ તારે શાક લાવવાનું છે, એ અવિનય કહેવાય. આપણે કહીએ કે ના તું જ લઈ આવજે અને પછી બૂમ પાડવી તે અવિનય કહેવાય. આ બન્ને વિનયમાં રહે ને ! કો’ક દહાડો આપણને જરૂર હોય કે આજ રીંગણા ખાવાં છે. તો બોલીએય ખરા કે ભઈ આજ રીંગણાં લાવજો. એમ કહેવામાં શું જાય આપણું ?
પ્રશ્નકર્તા : આટલો આપણો હક રહેવો જોઈએ ?
દાદાશ્રી : હક એમનોય રહેવો જોઈએ. તો પછી ડખો થાય નહીં. પ્રશ્નકર્તા : એ એમનો વિનય સાચવતા હતા. તમે તમારો વિનય સાચવતા હતા.
દાદાશ્રી : હં, જગત એમ જુએ, સંસ્કાર જુએ. કહેવું પડે ! આપણે એમનું કેટલું માન રાખ્યું કે તમને ઠીક લાગે તે !
પ્રશ્નકર્તા : અને એમણે તમારું માન રાખ્યું પૂછી ને, શું લાવીએ ? દાદાશ્રી : હા, એ સંસ્કાર કહેવાય. નહીં તો ઉદ્ધતતા થઈ જાય.