________________
૧૬૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૬૫ પ્રશ્નકર્તા : તો પહેલું બોલવા માટે મારામારી થશે.
દાદાશ્રી : હા, એમ કરજે. મારામારી કરજે, પણ ‘એડજસ્ટ’ એને થઈ જવું. કારણ કે તારા હાથમાં સત્તા નથી, એ સત્તા કોના હાથમાં છે તે હું જાણું છું. એટલે આમાં ‘એડજસ્ટ’ થઈ જાય તો વાંધો છે ભઈ ?
પ્રશ્નકર્તા : ના જરાય નહીં. દાદાશ્રી : બેન, તને વાંધો છે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી એનો નિકાલ કરી નાખોને ! પેલા પટેલ તો નાય કરે. પણ તમે તો કરોને ? એ પટેલ તો કહેશે, અમે પટેલ છીએ, છ ગામના !!
પ્રશ્નકર્તા : પટેલ કહે છે, અમારે મતભેદ પડતા જ નથી.
દાદાશ્રી : નથી પડતા, નહીં ? ત્યારે સારું. બઈ શું કહે કે, દાઢી ના રાખશો અને ભઈ દાઢી રાખે.
પ્રશ્નકર્તા : ના, એવું છે જ નહીં. બધું સગવડિયું છે.
દાદાશ્રી : સગવડિયું છેને ? ત્યારે સારું. ‘એડજસ્ટ એવરીવ્હેર’, વાંધો ખરો એમાં ?
પ્રશ્નકર્તા : ના, જરાય નહીં.
દાદાશ્રી : એ પહેલાં બોલે, કે આજે ડુંગળીના ભજિયાં, લાડવા, શાક બધું બનાવો એટલે આપણે એડજસ્ટ થઈ જવું. અને તમે બોલો કે આજે વહેલું સૂઈ જવું છે, તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ. તમારે કોઈ ભઈબંધને ત્યાં જવાનું હોય તોય બંધ રાખીને વહેલા સૂઈ જવું. કારણ કે ભઈબંધ જોડે ભાંજગડ થશે એ જોઈ લેવાશે. પણ આ પહેલી અહીં ના થવા દેવી. આ તો ભઈબંધને ત્યાં સારું રાખવા માટે અહીં પેલી ભાંજગડ કરે. એટલે એ પહેલાં બોલે તો આપણે ‘એડજસ્ટ’ થઈ જવું.
પ્રશ્નકર્તા : પણ એમને આઠ વાગે કંઈક જવાનું હોય, મીટિંગમાં
અને બહેન કહે કે, હવે સૂઈ જાવ, તો પછી એમણે શું કરવું ?
દાદાશ્રી : એ કલ્પનાઓ નહીં કરવાની. કુદરતનો નિયમ એવો છે કે ‘હેર ધેર ઇઝ એ વીલ, ધેર ઇઝ એ વે' (મન હોય તો માળવે જવાય). કલ્પના કરશો તો બગડશે. એ તે દહાડે એ જ કહેતી હતી કે, તમે જાવ જલદી. પોતે મૂકવા આવશે ગેરેજ સુધી. આ કલ્પના કરવાથી બધું બગડે છે. એટલા સારું એક પુસ્તકમાં લખેલું છે. ‘હેર ધેર ઇઝ એ વીલ, ધર ઇઝ એ વે’ આટલી મારી આજ્ઞા પાળો તો બહુ થઈ ગયું. પળાશે ? એમ ?
પ્રશ્નકર્તા : હા, જી.
દાદાશ્રી : લે પ્રોમિસ આપ. ખરાં ! ખરાં ! આનું નામ શૂરવીર કહેવાય, પ્રોમિસ આપી !
વહુ વિફરે ત્યાં બંદા નમીએ,
એટેક શું કાંદા કાઢીએ ? બૈરી ચિડાય ને કહે, ‘હું તમારી થાળી લઈને નથી આવવાની, તમે જાતે આવો. હવે તમારી તબિયત સારી થઈ છે ને હૈડતા થયા છો. આમ લોકો જોડે વાત કરો છો, હરોફરો છો, બીડીઓ પીવો છો અને ઉપરથી ટાઈમ થાય ત્યારે થાળી માગો છો. હું નથી આપવાની !' ત્યારે આપણે ધીમે રહીને કહીએ, ‘તમે નીચે થાળીમાં કાઢો, હું આવું છું.’ એ કહે, ‘નથી આવવાની.” તે પહેલાં જ આપણે કહીએ કે ‘હું આવું છું, મારી ભૂલ થઈ ગઈ, લો.” આવું કરીએ તો કંઈ રાત સારી જાય, નહીં તો રાત બગડે. પેલા ડચકારા મારતા સૂઈ ગયા હોય ને આ બઈ અહીં ડચકારા મારતાં હોય. બેઉને ઊંઘ આવે નહીં, સવારે પાછાં ચા-પાણી થાય તે ચાનો પ્યાલો ખખડાવીને મૂકી ડચકારો મારે કે ના મારે ? તે આ ભઈએ તરત સમજી જાય કે ડચકારો માર્યો. આ કકળાટનું જીવન છે.
આ તો પછી ઘરમાં સવારમાં બહેનથી જરા ચામાં ખાંડ ઓછી પડી હોય એટલે પેલો કહેશે કે, ‘હું તને રોજ કહું છું કે ચામાં ખાંડ વધારે નાખ, પણ તારું મગજ ઠેકાણે નથી રહેતું. આ મગજના ઠેકાણાવાળો ચક્કર !