________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૬૧
૧૬૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હવે માનવ તો માનવ જ છે, પણ તમને ઓળખતાં નથી આવડતું. ઘરમાં પચાસ માણસો હોય પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં એટલે ડખો થયા કરે છે. એને ઓળખવાં તો જોઈએને ? ઘરમાં એક જણ કચકચ કરતું હોય તો એ તો એનો સ્વભાવ જ છે. એટલે આપણે એક ફેરો સમજી જવાનું કે આ આવું છે. તમે ઓળખી જાવ ખરા કે આ આવું જ છે ? પછી એમાં ફરી તપાસ કરવાની જરૂર ખરી ? આપણે ઓળખી જઈએ એટલે તપાસ કરવાની ના રહે. કેટલાકને રાતે મોડું સુઈ જવાની ટેવ હોય. અને કેટલાકને વહેલું સૂઈ જવાની ટેવ હોય. તે બન્નેને મેળ શી રીતે પડે ? અને એક કુટુંબમાં બધા ભેગાં રહે. તે શું થાય ? ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે તમારામાં તો અક્કલ ઓછી છે. તો આપણે એવું જાણવું કે આ આવું જ બોલવાનો છે એટલે આપણે એડજસ્ટ થઈ જવું. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ તો આપણે થાકી જઈએ. કારણ કે એ તો આપણને અથડાયો. પણ આપણે અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈને ? હું એ સાયન્સ કહેવા માગું છું કે પ્રકૃતિનું સાયન્સ જાણો. બાકી આત્મા એ જુદી વસ્તુ છે.
સતયુગમાં ઘર હોય ખેતર,
આજે બાગ, જુદાં જુદાં નેચર ! અત્યારે તમારું ઘર તો બગીચો છે. સતયુગ, ત્રેતા ને દ્વાપરયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ, કોઈ ખેતરમાં નર્યા ચંપા, અત્યારે બગીચા જેવું થઈ ગયું છે. તે આપણે, આ મોગરો છે કે ગુલાબ એવી તપાસ ના કરવી જોઈએ ? સતયુગમાં શું હતું કે એક ઘેર ગુલાબ હોય તો બધા ગુલાબ અને બીજે ઘેર મોગરો તો ઘરનાં બધા મોગરો, એવું હતું. એક કુટુંબમાં બધાય ગુલાબના છોડ, એક ખેતર જેવું એટલે વાંધો ના આવે. અને અત્યારે તો બગીચા થયા છે. એક ઘરમાં એક ગુલાબ જેવું, એક મોગરા જેવો, એટલે પેલો ગુલાબ બૂમો પાડે કે તું કેમ મારા જેવું નથી ? તારો રંગ જો કેવો સફેદ, મારો રંગ કેવો સરસ છે ? ત્યારે મોગરો કહેશે કે તારે તો નર્યા કાંટા છે. હવે ગુલાબ હોય તો કાંટા હશે, મોગરો હશે તો કાંટા નહીં હોય. મોગરાનું ફૂલ સફેદ હશે. ગુલાબનું
ફૂલ ગુલાબી હશે, લાલ હશે. અત્યારે કળિયુગમાં એક જ ઘરે જુદા જુદા છોડવા હોય. એટલે ઘર બગીચા રૂપે થયું છે, પણ આ તો જોતાં નથી આવડતું, એનું શું થાય ? તેને દુ:ખ જ થાયને ને જગતની આ જોવાની દૃષ્ટિ નથી. બાકી કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકારને લઈને છે. જેને જોતાં નથી આવડતું તેનો અહંકાર છે ! મને અહંકાર નથી તો મને આખી દુનિયા જોડે મતભેદ જ નથી પડતો. મને જોતાં આવડે છે કે આ ગુલાબ છે, આ મોગરો છે, આ ધંતૂરો છે, આ કડવી ગીલોડીનું ફૂલ છે. એવું બધું હું ઓળખું પાછો. એટલે બગીચા જેવું થઈ ગયું છે. એ તો વખાણવા જેવું થયું ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : એવું છે ને પ્રકૃતિમાં ફેર ના પડે અને એ તો એનો એ જ માલ, એમાં ફેર ના પડે. અમે દરેક પ્રકૃતિને પામી લીધેલી હોય. આમ ઓળખી જોઈએ, એટલે અમે દરેકની જોડે એની પ્રકૃતિ પ્રમાણે રહીએ, આ સૂર્ય જોડે આપણે બપોરે બાર વાગે મિત્રાચારી કરવા જઈએ તો શું થાય ? તેમ આપણે સમજીએ કે આ ઉનાળાનો સૂર્ય છે. આ શિયાળાનો સૂર્ય છે. એમ બધું સમજીએ તો પછી વાંધો આવે ?
અમે પ્રકૃતિને ઓળખીએ એટલે પછી તમે અથડાવા ફરતા હોય તોય હું અથડાવા દઉ નહીં, હું ખસી જઉં. નહીં તો બેઉનો એક્સિડન્ટ થાય અને બન્નેના સ્પેરપાર્ટ્સ તૂટી જાય. પેલાનું બમ્પર તૂટી જાય તેની સાથે તો મહીં બેઠેલાની શી દશા થઈ જાય ? બેસનારાની દશા બરાબર બેસી જાયને ! એટલે પ્રકૃતિ ઓળખો. ઘરમાં બધાની પ્રકૃતિ ઓળખી લેવાની.
પ્રકૃતિ આ કળિયુગમાં ખેતરરૂપે નથી, બગીચા રૂપે છે. એક ચંપો, એક ગુલાબ, મોગરો, ચમેલી એમ બધું છે. તે ફૂલાં બધાં લડે છે. પેલાં કહેશે કે મારું આવું છે ને પેલો કહેશે મારું આવું છે, ત્યારે એક કહેશે કે તારા કાંટા, જા, તારી જોડે કોણ ઊભું રહે ? આમ ઝઘડા ચાલ્યા કરે છે. આપને સમજાયુંને ?
પ્રશ્નકર્તા : હાજી. એટલે જ કહીએ છીએ કે હવે તો જીવનમાં