________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
દાદાશ્રી : ના, એ તો બનવાનું હોય તો ય વિચારો આવે ને ભરેલો માલ હોય તો ય વિચારો આવે. વધારે સમજ પડી ને ? ભરેલો માલ તો એ માલ ખાલી થાય તો આમ જ કશું પરિણામ બદલાય નહીં. આમાં ઉપાધિ કરવાની ને જાય એટલું જ. શું થાય ?
પ્રશ્નકર્તા : એટલે બાહ્ય સંજોગોમાં કોઈ ફેરફાર ના થાય ? દાદાશ્રી : બાહ્ય સંજોગોમાં ?
પ્રશ્નકર્તા : હા, બાહ્ય સંયોગો જેવા કે છે એવા જ હોય. ભરેલા માલમાં કશું ફેર પડે ?
દાદાશ્રી : માલમાં કશું જ ફેરફાર ના થયો હોય. અને વિચાર્યું એટલું જ એણે માથાકૂટ કરી ને નકામી ગઈ.
પ્રશ્નકર્તા : ચાર દહાડો આવા વિચારો આવે પણ પછી એવું બનતું નથી. કોઈ એવા સંજોગો, નિમિત્ત કશું ભેગું થતું જ નથી.
- દાદાશ્રી : વિચારો બધા ખોટા હોય છે, કારણ કે તમને બીજા ધંધાવાળા કોઈ મળે તો વિચાર ના આવે. તમારા પોતાના જ ધંધા જેવો ધંધો હોય છે ત્યારે જ આવું તોફાન ચાલે. એમ ગમે એટલા ધંધા જોઈએ પણ આવો કશો વિચાર ના આવે. પોતાના ધંધા જેવું દેખે ત્યારે, બહુ વિચારો આવે બળ્યા. અમને ય, પહેલાં કંટ્રાક્ટનો ધંધો કરતા હતા ત્યારે, કો'કનું કંટ્રાક્ટનું જોવામાં આવ્યું કે તરત વિચારો બહુ આવે, કારણ કે બીજા ધંધાવાળા જોડે હરીફ નથી. આની જોડે હરીફાઈ છે આપણી, એટલે આ ભાંજગડ છે બધી.
આગળ વધતાને પછાડે ! હરીફાઈમાં ય કેવી પદ્ધતિ હોય છે, કે કેટલીક નાતો તો પોતાનો છોકરો આગળ વધતો હોય તો વધવા દે અને રક્ષણ આપે, કેટલીક નાતો એવી હોય છે. કે પોતાની લેન્થથી ત્રણ છોકરા બરોબરીમાં નજીક ચાલતા હોય, અને એક છોકરો પાછળ પડી ગયો હોય તેને ઊંચકીને લઈ આવે પોતે, ભાઈઓ, માબાપ, બધા ય
ઊંચકીને લાવે ને બધું આપીને લઈ આવે પણ એક ડગલું આગળ ગયો હોય તો બાપ પાછો પાડે, મારીને. એનું કારણ શું ? બાપાથી સહન ના થાય. મારાથી વધ્યો એ, અને પાછળ પડ્યો તે ય સહન ના થાય. એ અમુક કોમ્યુનિટીમાં ખાસ મેં જોયેલું. કોઈ બાપ કોઈ છોકરાને વધવા જ ના દે, મારી ઠોકીને પાછળ પાડે બિચારાને. પછી મેં શોધખોળ કરી, મેં બધાને કુટુંબમાં કહ્યું કે તમે બધા આગળ વધો અને મને શીંગડાં લઈને મારવા આવો બધા. મારી પાસે શીખીને બધાં. મારી પાસેથી શીખો, વધો ને પછી મને મારવા આવો. એવા થજો.. પણ પાછળ ના રહી જશો. બીજા લોકો કોઈને આગળ વધવા ના દે. એ મેં જોયેલું ખાસ. તમારામાં ય કેટલાંક આગળ વધવા નથી દેતાં. મહીં કેટલા અંશે વધવા દે છે, સારી રીતે. અને લોક તો સામાવાળાને મારે એક થપોટ તે પાછો પાડી દે ! અલ્યા, બાપ કરતાં સવાયો નીકળ્યો ? તે આજે મુશ્કેલી બહુ, આ સંસારમાં તો ? પોતાનો અહંકાર શું ના કરે ? બધાંને પાછા પાડી નાખે ? ના પાછો પડે તેને ખોતરીને કાઢી નાખે. અને તમારો સગો ભાઈ જો બહુ અહંકાર કરે ને તમારા બધા જોડે, તો બધા ભેગા થઈને એનું કાટલું કાઢી નાખે. હા, એને તો દુઃખી કરી નાખે ત્યાર વગર સીધો નહીં થાય. સીધો કરવા માટે એને દુઃખી કરી નાખે. શાથી ? બહુ અહંકાર કરે, એટલે બાપે ય સહન ના કરી શકે. અહંકાર એટલો નાપાક ગુણ છે કે બાપ પણ સહન ના કરે. ભઈ પણ સહન ના કરી શકે. ભાઈ પણ આશીર્વાદ આપે કે વહેલામાં વહેલી તકે આનું સારું થઈ જાવ. એ અહંકાર તો બહુ મોટી વસ્તુ છે. આપણે જો ભાઈઓને બધામાં વધવું હોય તો નમ્રતા રાખવી જોઈએ. તો જ વધવા દે. નહીં તો મારી મારીને ટેભાં કાઢી નાખે. સંસાર છે આ તો ! એક બાજુ અહંકારથી ઊભો થયેલો છે, અહંકાર એટલે વિકલ્પથી. આત્માનો વિકલ્પ એટલે અહંકાર. હું અને મેં કર્યું. બસ ચાલ્યું પછી. પછી માર ખાય છે તો ય પણ અહંકાર છોડે નહીં એને, કારણ કે ઘડી પછી એને એમ જ લાગે કે મારા આ ચાર બળદ, આ ગાયો-બાયો, આ બધાં કરતું હું મોટો ને ? હું મોટો છું એ ભાન રહે છે, એટલે કશું દુઃખ જ નથી આ લોકોને ! ચક્રવર્તી રાજ આપે તો ય લેવા જેવું નથી. પેઠા પછી એ દુ:ખ તો પાર વગરનાં છે. એના કરતાં આપણા પોતાના ગામ જતા રહોને, એના જેવું કોઈ સુખ નથી. પોતાના દેશમાં જે સુખ છે એવું કોઈ દેશમાં નથી.