________________
પૈસાનો
વ્યવહાર
૧૮
૧૮
પૈસાનો
વ્યવહાર
કેમ હોય છે ?
દાદાશ્રી : શું પામવાની વાત છે આમાં ?
પ્રશ્નકર્તા : આ આર્થિક વાત છે, ભૌતિક વાત છે. જે ભૌતિક પામેલાઓ છે એમને વધારે પામવા માટે વ્યગ્રતા હોય છે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર હોય છે, એ શાથી ?
દાદાશ્રી : લોકોને રેસકોર્સમાં ઉતરવું છે. રેસકોર્સમાં ઘોડાઓ દોડે છે, એમાં કયા ઘોડાને ઈનામ હોય છે ?
પ્રશ્નકર્તા : પહેલા ઘોડાને.
દાદાશ્રી : તે તમારા ગામમાં કયો ઘોડો પહેલા નંબરે છે ? રેસકોર્સમાં જે પહેલો આવ્યો એમાં કોનું નામ છે ? એટલે બધા ઘોડા દોડાદોડ કરે છે ને હાંફી હાંફીને મરી ગયા પણ પહેલો નંબર કોઈનો ય લાગતો નથી, અને આ દુનિયામાં કોઈનો પહેલો નંબર લાગ્યો નથી. આ તો વગર કામની દોડમાં પડ્યા છે. તે હાંફી હાંફીને મરી જવાનું અને ઈનામ તો એકને મળવાનું. માટે આ દોડમાં પડવા જેવું નથી. આપણે આપણી મેળે શાંતિપૂર્વક કામ કર્યું જવાનું. આપણી ફરજો બધી બજાવી છૂટવી. પણ આ રેસકોર્સમાં પડવા જેવું નથી. તમારે આ રેસકોર્સમાં ઊતરવું છે ?
પ્રશ્નકર્તા: જીવનમાં આવ્યા એટલે રેસકોર્સમાં ઊતરવું જ પડશે ને ?
દાદાશ્રી : તો દોડો, કોણ ના પાડે છે ? જેટલું દોડાય એટલું દોડો. પણ અમે તમને કહી છૂટીએ છીએ, કે ફરજો સવળી બજાવજો ને શાંતિપૂર્વક બજાવજો. રાતે અગિયાર વાગે આપણે બધે તપાસ કરવી કે લોકો ઊંઘી ગયા છે કે નથી ઊંઘી ગયા ? તો આપણે જાણીએ કે લોકો ઊંધી ગયા છે. એટલે આપણે પણ ઓઢીને સૂઈ જવું. ને દોડવાનું બંધ કરી દેવું. લોકો ઊંઘી ગયા હોય ને આપણે એકલા વગર કામના દોડાદોડ કરીએ એ કેવું ? આ શું છે ? લોભ નામનો ગુણ છે એ પજવે છે.
જીવન મરણાં પણ ફરજિયાત ! આખી જિંદગી શક્કરિયું ભરહાડમાં બફાયને, એમ આ મનુષ્યો બફાઈ રહ્યા છે.
પ્રશ્નકર્તા : હા, બફારામાં જ જીવે છે.
દાદાશ્રી : ના જીવે તો શું કરે ? ક્યાં જાય છે ? આ જીવવાનું ય ફરજિયાત છે પાછું ને મરવાનું ય કોઈના હાથમાં સત્તા નથી. મરવા જાય ત્યારે ખબર પડશે. પોલીસવાળો પકડીને કેસ કરશે. જેમ જેલમાં ગયેલા માણસને ફરજ્યિાત બધું કરવું પડે છે ને, એવું આ જીવવાનું ફરજિયાત ને, પૈસાય ફરજિયાત છે.
એટલે લક્ષ્મીની હાય હાય તો હોતી હશે ? અને એની હાય હાય કરીને કોઈ ધરાયો ? આ દુનિયામાં કોઈનો ય પહેલો નંબર આવેલો એવું લાગ્યું ? અહીં મુંબઈની મ્યુનિસિપાલિટીમાં કોઈનું નામ નોંધાયેલું છે કે આ ફર્સ્ટ નંબર આવ્યો ને આ સેકન્ડ નંબર આવ્યો. એવાં નામ નોંધાયેલા છે ? આ તો જન્મે છે, કરોડ રૂપિયા કમાય છે, ને પાછો મરી જાય છે. કૂતરાને મોતે મરી જાય છે, કૂતરાને મોતે શાથી કહું છું કે ડૉક્ટરો પાસે જવું પડે છે. પહેલાં તો લોકો મનુષ્યને મોત મરતાં હતાં. એ શું કહેશે કે ‘ભાઈ, મારે હવે જવાનો ટાઈમ થયો છે, એટલે ઘરનાં પછી દીવો કરે અને અત્યારે તો છેલ્લી ઘડીએ બેભાન થઈ ગયો હોય. કૂતરાં ય મરતી ઘડીએ બેભાન નથી થતાં.
આ અત્યારે તો માણસ માણસ જ રહ્યો નથી ને ! અને એમનાં મોત તો જુઓ ? કૂતરાની પેઠે મરે છે. આ તો અણહકના વિષયો ભોગવ્યા તેનું ફળ છે. વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે. તેથી જેની પાસે લક્ષ્મી છે તેને ય પાર વગરનું દુ:ખ છે. સમ્યક્ બુદ્ધિ સુખી કરે.
અમદાવાદના શેઠિયાઓને બે મિલો છે, છતાં એમનો બફારો તો મહીં આગળ વર્ણન ન થાય એવો છે. બન્ને મિલો હોય છતાં એ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. આમ સ્કૂલમાં પાસ સારી રીતે થયા હતા, પણ અહીં આગળ ફેઈલ થઈ જાય ! કારણ કે એણે બેસ્ટ ફૂલિશનેસ આદરવા માંડી છે.