________________
૧૪
પૈસાનો
વ્યવહાર
પૈસાનો વ્યવહાર તો ભ્રાંતિથી લાગે છે. જેમ દારૂ પીધેલો માણસ હોય, એનો એક હાથ ગટરમાં પડ્યો હોય તો ય કહેશે, હા મહીં ઠંડક લાગે છે. બહુ સરસ છે, તે દારૂને લીધે એવું લાગે છે. બાકી આમાં સુખ હોય જ ક્યાં આગળ ? આ તો નર્યો એંઠવાડ છે બધો !
આ સંસારમાં સુખ છે જ નહીં. સુખ હોય જ નહીં ને સુખ હોય તો તો મુંબઈ આવું ના હોય. સુખ છે જ નહીં. આ તો ભ્રાંતિનું સુખ છે અને તે ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ છે ખાલી.
નાણાંનો બોજો રાખવા જેવું નથી. બેન્કમાં જમા થાય એટલે હાશ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી, કારણ કે ટેમ્પરરી છે.
પોતાની પાસે મિલકત કેટલી ? માણસને શું દુ:ખ હોય છે ? એક જણ મને કહે કે મારે બેન્કમાં કંઈ નથી. સાવ ખાલી થઈ ગયો. નાદાર થઈ ગયો. મેં પૂછ્યું, ‘દેવું કેટલું હતું ?” તે કહે, ‘દેવું ન હતું.’ તે નાદાર ના કહેવાય. બેન્કમાં હજાર બે હજાર રૂપિયા પડ્યા છે. પછી મેં કહ્યું, ‘વાઈફ તો છે ને ?” તે કહે કે વાઈફ કંઈ વેચાય ?” કહ્યું, ‘ના પણ તારી બે આંખો છે, તે તારે બે લાખમાં વેચવી છે ? આ આંખો, આ હાથ, પગ, મગજ એ બધી મિલકતની તું કિંમત તો ગણ. બેન્કમાં પૈસો ય ના હોય તો ય તું કરોડાધિપતિ છે. તારી કેટલી બધી મિલકત છે, તે વેચ જો, ઠંડ. આ બે હાથે ય તું ના વેચું. પાર વગરની તારી મિલકત છે. આ બધી મિલકત સમજીને તારે સંતોષ રાખવાનો. પૈસા આવ્યા કે ના આવ્યા પણ ટકે ખાવાનું મળવું જોઈએ.
દુ:ખ છે જ ક્યાં ? પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે ?
દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઈ જાય. કેટલીક વખત આર્થિક હોતું જ નથી, પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી
કાલે શાકના પૈસા છે કે નહીં, એટલું જ જોઈ લેવાનું. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુ:ખ છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તે પછી એ દુ:ખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુ:ખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટ એટેક આવે. અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એના તો ઉપાય કરવા જોઈએ, પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી.
દાદાનું નામ લે ત્યાં પૈસાના ઢગલા ! પ્રશ્નકર્તા : જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું ?
દાદાશ્રી : એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે ? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત – પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબલી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે. અત્યારે બહુ નબળી સ્થિતિ છે ? શી શી અડચણ પડે છે ?
પ્રશ્નકર્તા : કોઈ પણ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવી હોય તે વાર લાગે.
દાદાશ્રી : ઓહો ! ઇચ્છિત વસ્તુ !! પણ આ શરીરને કઈ વસ્તુ જોઈએ છે તે તમે જાણો છો ?
પ્રશ્નકર્તા : આમ તો ભગવાનની પ્રાપ્તિ જ મુખ્ય વસ્તુ છે.
દાદાશ્રી : ભગવાનની પ્રાપ્તિ માટે આ શરીર છે પણ એને જરૂર શું શું છે ? રાતે આટલી ખીચડી આપી હોય તો તમને આખી રાત ધ્યાન ધરવા દે કે ના દે ? એટલે આ શરીર બીજું કંઈ માગતું નથી, બીજું બધું તો મનનાં તોફાન છે. બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું ?