________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૦૩
૧૦૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર પ્રશ્નકર્તા: ‘આ મારો દીકરો’ એમ માનવાનું નહીં ને ‘હું બાપ છું’ એમ નહીં માનવાનું?
દાદાશ્રી : તો તો એના જેવો એકું ય નિયમ જ નહીં.
પ્રશ્નકર્તા: તો બાપે કેવી રીતે બાપ થવું ? બાપે બાપ થવા શું કરવું?
દાદાશ્રી : એક દાખલો આપું, તમને હેલ્પ કરે, તમને એડજસ્ટ થાય એટલા માટે. અમારા એક છેટેના ભત્રીજાનો દીકરો હતો અને ખાસ કરીને મારાથી બે-ત્રણ વર્ષ નાનો. ભત્રીજાનો દીકરો એટલે મને દાદા કહે. એટલે હું જ્યારે જઉં તો એની મેળે દાદાના પ્રેમથી બોલ બોલ કર્યા કરે. દાદા ક્યારના આવ્યા, દાદા આમ છે, તેમ છે. જાણે પોતાના જ દાદા હોય એવું, એટલે પછી મને બોજો વધવા માંડ્યો કે સાલું વારેઘડીએ દાદા, દાદા કરે. એટલે મારા મન ઉપર બોજો ચઢવા માંડ્યો. મને ઉપકાર ચઢત્યા કરે કે “અરેરે, દાદા થયા પણ આનું કશું કામ કર્યું નહીં આપણે.” એટલે બોજો વધે કે ના વધે ?
પ્રશ્નકર્તા : વધે.
દાદાશ્રી : આ છોકરો આખો દહાડો બાપુજી, બાપુજી કરે ને, તો આપણો બોજો વધી જાય તે વખતે. એટલે પછી મેં વિચાર કર્યો કે આ બોજો થશે. તો હવે શું કરીશ ? આ તો માથા ઉપર બોજો ચઢતો જશે દહાડે, દહાડે. એ તો ‘દાદા, દાદા’ કહ્યા જ કરવાનો. તો આ બોજો ઉતારવો કેમ ? આવું બને કે ના બને ? પછી આપણી આંખ નરમ થઈ જાય. એટલે સત્ય બોલતા પણ ડરીએ આપણે. તેમને સમજ પડીને ? એટલે આ પ્રશ્ન મને મૂંઝવેલો, અઢાર-વીસ વર્ષની ઉંમરે. કારણ કે હું ઘણાં ખરાનો દાદો થઉં. એટલે લોકો ‘દાદા, દાદા’ કરે. કેટલાક માણસો ‘દાદા, દાદા’ કરે ને તે ઉપલક જેવો વ્યવહાર રાખે તો મને બોજો વધી ના જાય. પણ આ તો જાણે પોતાના દાદા હોય એવું પ્રેમથી બોલે ને, તો મને બહુ બોજો લાગવા માંડ્યો. પછી વિચાર કર્યો. મેં કહ્યું, ‘હવે આ બોજો શી રીતે ઉતરે ?” અને એમ કહીએ કે “તું મને દાદા ના કહીશ.” તો પછી એ ય ખોટું કહેવાય. વ્યવહારમાં તમને દાદા ના કહું તો હું શું કહું ? એટલે આમે ય ગુંચામણ અને આમે ય ગુંચામણ ઉભી થઈ.
એવા બે-ચાર જણ હતા તે મને પ્રેમથી દાદા કહે. તે મારો સ્વભાવ બધો પ્રેમવાળો અને બીજા બધા તો ઉપલક ‘દાદા ક્યારના આવ્યા છો ?” હું કહું કે પરમ દહાડે આવ્યો. એ પછી કશું ય નહીં, લટકતી સલામ. પણ આ તો રેગ્યુલર સલામ કરે છે. મેં શોધખોળ કરી કે એ મને દાદા કહે, ને હું મનથી એને દાદા માનું. એ જ્યારે મને દાદા કહે ત્યારે હું એને મનથી દાદા કહું એટલે પ્લસ-માઈન્સ કર્યા કરું. છેદ ઉડાડી દઉં. હું એને મનથી દાદા કહું. એટલે મારું મન બહુ સારું રહેવા માંડ્યું. હલકું થવા માંડ્યું. તેમ તેમ પેલાને એટ્રેક્શન વધારે થવા માંડ્યું.
હું દાદા એને મનથી માનું એટલે પછી એના મનમાં મારી વાત પહોંચે ને ! ઓહોહો ! કેટલો મારી ઉપર ભાવ છે એમને. આ બહુ સમજવા જેવી વાત છે. આવી ટૂંકી વાત આમ નીકળે કોઈ વખત. તો આ કહી દઉં. તમને આવી જો ગોઠવણી કરતાં આવડે તો કલ્યાણ થઈ જાય એવું છે. એટલે પછી શું કર્યું ? આવો વ્યવહાર ચાલે એટલે એના મનમાં એમ જ લાગે કે દાદા જેવા કોઈ માણસ મળે નહીં કોઈ.
હવે એના પોતાના કાકા હતા. એક જ પેઢી દરના. સગા કાકા નહીં, પણ એના ફાધરના કાકાના દિકરા એટલે એક જ પેઢી દૂરના, હું ચોથી પેઢીનો દાદો થઉં. હવે એના કાકા હતા એ શું કરે ? એને ત્યાં ઉતરે આફ્રિકાથી આવે ત્યારે. તે એના કાકા ફક્ત એનાથી પાંચ વર્ષ મોટા અને મારી ઉંમરના. તે એને ત્યાં ઉતરે પછી વેઢમીઓ જમે. કાકા આવે એટલે પેલી ભત્રીજાની વહુ તો વેઢમીઓ જ બનાવે ને ! તે વેઢમીઓ જમે, સારી રીતે, દૂધપાક બનાવે, શ્રીખંડ-પૂરીનું જમણ જમતા જાય. ચાનાસ્તા કરતા જાય અને પછી આ કાકા શું કરે સાંજ પડે તે, ‘તારો હિસાબ દેખાડ મને. આ તને આટલો પગાર મળે છે તે તું આ બધું પૂરું શી રીતે કરું છું. તમારે ચા-પાણીને આ બધા શું લફરાં ? જ્યારે રોકાવું છું, તું મને આ વેઢમીઓ ખવડાવું છું.” તે પેલાને મનમાં થાય કે આ કઈ જાતનો કાકો ? આમાં મારો ખોટો બગાડ નથી. ચા-પાણી તો આ મારી વહુ આવી તેને ના જોઈએ ?! પણ કાકા શ્રીખંડ-પૂરીઓ ખાતા જાય ને કચ કચ કરતા જાય કે આવું આવું છે તે ખર્ચા રાખશો, તમે શી રીતે જીવશો, શી રીતે આ નોકરીમાં પોસાય ? એવું જ્યારે હોય ત્યારે કકળાટ કરે અને જમતી વખતે વેઢમી જમે. પેલા બિચારા એમ જાણે કે