________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૧૧
તારી માયા, કોઈ ફરે-કરે નહીં. આપણે ફરવાની જરૂર છે. બીજો કોઈ ફરે નહીં. સબ સબકી સમાલો. જમાનો બહુ વિચિત્ર છે. એટલે, આપણે ભાવના રાખવી કે છોકરા, વહુનું બધાનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી. પણ બહુ એટલી બધી પકડ ના કરવી કે આપણું બગડે પાછું. છેટા રહીને કામ લેવું. કોઈ પોતાનું થાય નહીં આ બધું. એ તો સત્યુગના માણસ જુદા હતા. આ માણસ આ ઋણાનુબંધ જુદી જાતના, પેલા ઋણાનુબંધ જુદી જાતના હતા ! એટલે એવી આશા રાખીને શું કામ ? આપણે આત્માનું કલ્યાણ કરો ને કંઈક ! આમાં શું સ્વાદ કાઢવાના છે ?
સબ સબકી સમાલો. પોત પોતાના આત્માને શાંતિ રહે. તે મરતી વખતે કંઈક આત્માની પરિણતી સારી થાય. મરતી વખતે હિસાબ આવવાનો, સરવૈયું આવવાનું. આખી જિંદગી જે તમે કર્યું તેનું સરવૈયું મરતી વખતે આવે. જેમ આજ વેપાર કરીએ છીએ તે દિવાળીને દહાડે સરવૈયું કાઢીએ છીએ કે ડિસેમ્બરમાં આખરે કાઢીએ છીએ કે માર્ચ આખરે, પણ તે મહીં હશે, નફો-ખોટ હશે, તેનું સરવૈયું નીકળશે ને ?
પેલું આખી જિંદગીનું સરવૈયું આવે, તે શાનું ? ચાર પગવાળો થશે કે છ પગવાળો થશે તે મહીં ખબર પડે કે બે પગવાળો ય થાય. માણસે ય થાય કે દેવલોકો ય થાય, કહેવાય નહીં. પણ જેવું કર્યું હશે તેવો બદલો મળશે. માટે આપણી પોતાની સંભાળ પહેલી.