________________
૨૧૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨ ૧૩
સામું છોકરાં આપે વણતોલ્યું; નોંધ જ ન રાખો ગમે તે બોલ્યા
છોકરો સામો થાય તો તમે શું કરો છો ? પ્રશ્નકર્તા : સમજાવું કે આ ખોટું છે, આવું ના કરવું જોઈએ. દાદાશ્રી : પણ એ સામો થાય, ત્યારે તમે કડક ના થઈ જાવ ? પ્રશ્નકર્તા : કોઈ વાર એવું થાય.
દાદાશ્રી : પણ અથડામણ ના થઈ જાય ? કોઈ દહાડો વાસણો ખખડતાં નથી ?
પ્રશ્નકર્તા : ખખડે. ત્યારે જરા ફૂંફાડો મારવો પડે. બસ એટલું જ, બીજું નહીં.
દાદાશ્રી : ફૂંફાડો મારો છો ? ત્યારે પેલો સામે ફૂંફાડો મારે તો શું થાય ?
પ્રશ્નકર્તા : એવો અનુભવ નથી થયો, એ સામે નથી ફૂંફાડા મારતો.
દાદાશ્રી : હા, પણ એ ફૂંફાડો મારે તો શું થાય ? માટે ફૂંફાડો ય ના કરવો જોઈએ. ફૂફાડો શેને માટે ? ફૂંફાડો સાપ કરે. આપણે શેને માટે ફૂંફાડો કરવો પડે ? ફૂંફાડો તમને આવડે પણ શી રીતે ? ફૂંફાડો કોને કહેવાય, એ પણ તમે જાણતા નથી. ફૂંફાડામાં અહંકાર ના હોય. તમારા ફૂંફાડામાં તો અહંકાર હોય ને !
નહીં તો ઢેડફજેતો જ થાયને ! એ આપણને નાલાયકે કહે. એટલે આપણે બીજું હથિયાર વાપરીએ, પછી રહ્યું જ શું ઘરમાં ? પછી લોકો ભેગા થાય, ‘જુઓને, આ છોકરો આટલું બધું ભણેલો છે, આ બાપનામાં અક્કલ નહીં ને !' કહેશે. એ આપણી અક્કલ પાછા લોક જુએ. એનાં કરતાં આપણી અક્કલ આપણે જ જોઈએ, એ શું ખોટી ? નહીં તો લોક તો તાયફો જુએ ! લોકોને તો જોઈએ છે એવા તાયફા !!
એટલે આ શોધખોળ છે મારી !! અને છોકરાને તો કહીએ કે લઈ જા પેલી પોટલી ! ભઈ, તારી પોટલી લઈ જા. એવું મેં વ્યવહારમાં કહેલું.
અમારો એક ઓળખાણવાળો આપી જતો હતો આવડું આવડું, એટલે પછી મેં શું કર્યું ? આ વણતોલ્યું ને વણમાગું આપે છે, એટલે આપણે અહીં બાજુએ મૂકી રાખો. આપણે કંઈ બોલવા જઈએ અગર તો આખી રાત તોલ તોલ કરીએ તો ઉપાધિ થાય. તમે કોઈ દહાડો આખી રાત કશું તોલેલું ? પહેલાં તોલ્યું હશેને ?!
પ્રશ્નકર્તા : હાજી, કોઈકવાર બન્યું હોય.
દાદાશ્રી : હા, તોલે. રાતે તોલે પાછો હું, સાડા અગિયાર-બાર થાય તો ય તોલે. “ઓહોહો, આવું મોટું, આવું મોટું !” કાટલા ના હોય, કશું ય ના હોય ને તોલે !!
પ્રશ્નકર્તા : છોકરો ખરાબ શબ્દ બોલ્યો, સામો થયો હોય, તે નોંધી રાખ્યું. તો એ અભિપ્રાયથી લૌકિક વર્તનમાં ગાંઠ પડી જાય. આનાથી સામાન્ય વ્યવહાર ગૂંચાઈ ના જાય ?
દાદાશ્રી : નોંધ જ આ દુનિયામાં નકામી છે. નોંધ જ આ દુનિયામાં નુકસાન કરે છે. કો'ક બહુ માન આપે તે નોંધ ના રાખીએ. અને કો'ક ગાળો ભાંડે, “તમે નાલાયક છો, અનફીટ છો.” તે સાંભળી ને નોંધ નહીં રાખવાની. નોંધ એણે રાખવી હોય તો રાખે. આપણે આ પીડા ક્યાં લઈએ પાછી ?! ચોપડા-બોપડા લાવીને પાછી નોંધો રાખવા માંડીએ !! નોંધવહી ને એ બધું એ કર્યા કરે. જેને ખાતાવહી રાખવી હોય તે, આપણે તો નોંધીએ નહીં, તને જે બોલવું હોય તે બોલ, કારણ કે એ આગલા હિસાબ હશે તો જ બોલાશે, નહીં તો બોલાશે નહીં.
પ્રશ્નકર્તા : ઉદયકર્મનું છે એમ સમજે તો પછી નોંધનો સવાલ જ ન આવે.
દાદાશ્રી : કારણ કે ઉદયકર્મ સમજે તો પછી કશું છે નહીં, બધું જ ઉદયકર્મ છે. આ કશું છે નહીં.
અહંકાર જાગૃત થાય એટલે સામો જવાબ આપેને. જ્યાં સુધી અહંકાર છે નહીં, ત્યાં સુધી એના પગ પહોંચતા નથી, ત્યાં સુધી એ પોતાનું ધારેલું કરે નહીં. મોટો થયો, એટલે પોતાનું મન ધાર્યું કરેને,